News of Monday, 28th April 2025
રાજકોટ નાગરીક બેંકની સવા ત્રણ લાખની બાકી પ્રશ્ને નવા થોરાળામાં મકાનને સીલ મારી દેતા મામલતદાર

રાજકોટ, તા. ર૮: રાજકોટ કલેકટરના હુકમ બાદ આજે પૂર્વ વિસ્તારમાં મામલતદાર શ્રી ચાવડા અને સર્કલ ઓફિસર શ્રી સત્યમ શેરસીયાની ઉપસ્થિતીમાં રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ઘી સિકયુરાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સીયલ એસેટસ એન્ડ એરફોર્સમેન્ટ ઓફ સિકયુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ-૨૦૦૨ હેઠળ શહેરના ભાવનગર રોડ પર આવેલ એક જર્જરિત મકાનનો કબજો લેવામાં આવ્યો હતો. આ હુકમના અમલ માટેની નોટિસ તારીખ-૧૧/૦૪/૨૦૨૫ ના રોજ ડી. આર. પુરોહિત, નાયબ મામલતદાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
બેંક દ્વારા નારોલા ઙ્કદિપભાઈ ગીરીશભાઈ અને નારોલા ભારતીબેન ગીરીશભાઈની માલિકીની ભાવનગર રોડ પર કસ્તુરબા શેરી નં. ૬ (નવા થોરાળા)માં આવેલ સીટી સર્વે નં. ૩૦૯૯ ની મિલકતનો કબજો લેવામાં આવ્યો હતો. આ જમીન મૂળ તા.૧૩/૦૪/૧૯૫૪ થી મકાન વિહોણા ગરીબોને સરકાર તરફથી આપવામાં આવી હતી અને તેના પર વર્ષો જૂનું જર્જરિત મકાન આવેલું છે. આ મિલકતનો વેચાણ દસ્તાવેજ તા.૧૮/૦૮/૨૦૦૭ ના રોજ ભારતીબેન ગીરીશભાઈ નારોલાના નામે નોંધાયેલો છે.
મામલતદાર એસ. જે. ચાવડા, મામલતદાર, રાજકોટ શહેર (પૂર્વ) અને સત્યમ શેરસીયા, સર્કલ ઓફિસર દ્વારા બેંકની આ મિલકત પર તા. ૩૧/૦૩/૨૦૨૫ સુધીની રૂા. ૩ લાખ ૩૦ હજારની બાકી હોય અને ત્યારબાદના ચડત વ્યાજની વસુલાત માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
(3:00 PM IST)










