News of Monday, 28th April 2025
કાશ્મીરમાં ફકત ટુરીસ્ટો ઉપર નહી પરંતુ મહાન ભારતના સાર્વભોૈમત્વ પર હુમલો છેઃ આવેદન
રાજકોટના સમસ્ત મુસ્લિમ સમાજે આવેદન પાઠવ્યું: રાષ્ટ્રપતિ-વડાપ્રધાન તાકિદે રાષ્ટ્રહીતમાં પગલા ભરે

રાજકોટ , તા.૨૮: શહેરના સમસ્ત મુસ્લીમ સમાજ અને હબીબભાઇ કટારીયા એ કલેકટરને આવેદન પાઠવી કાશ્મીરની આતંકી ઘટનાને વખોણી કાઢી હતી. તેમજ આ હુમલો ફકત ટુરીસ્ટો પર જ નહીં પરતુ મહાન ભારત રાષ્ટ્રના સાર્વભોૈમત્વ પરનો છે તેમ ૈઉમેર્યુ હતું.
જમ્મુ કાશ્મીરમાં આવેલ પહેલગામ ખાતે બેશરન વેલી વિસ્તારમાં પાકિસ્તાન તરફી આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને ૨૭ જેટલા ટુરીસ્ટોને મોતને ઘાટ ઉતારી જે જધન્ય અને ક્રુરતાપૂર્વક ગોળીબાર કરેલ છે
તેને રાજકેટ મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં નિંદા કરી આ પ્રાણઘાતક ઘટનાને આક્રોશ સાથે વખોડી કાઢે છે.
મુસ્લિમ સમાજના અગ્રણીઓ વધુમાં જણાવે છે કે આ પ્રાણઘાતક આતંકી હુમલો ફકત આપણા ટુરીસ્ટો પર જ નહીં પરંતુ મહાન ભારત રાષ્ટ્રના સાર્વભૌમત્વ પરનો હુમલો કરી શકાય.
રાષ્ટ્રની એકતા અને અખંડીતતા ઉપરનો આ પ્રહાર છે. આપણો દેશ વિવિધતામાં એકતાનો પ્રતિક છે. ત્યારે ઘેરાબંધી કરીને આતંકી હત્યારાઓને હેલીકોપ્ટર,સ્નીફર ડોગ અને ડ્રોનથી સર્ચ ઓપરેશન દ્વારા ઝડપથી પકડી આતંકવાદીઓનો ખાત્મો બોલાવવો જોઇએ. ઇસ્લામમાં આતંકવાદને કોઈ સ્થાન નથી અને ઇસ્લામના નામે કોઇ આતંકી હુમલો કરે છે તો તે મુસ્લિમ નથી રહેતો આતંકવાદીઓનો કોઇ ધર્મ કે મજહબ હોતો નથી. ત્યારે આતંકી ઉપર એટેક કરીને ઇંટનો જવાબ પથ્થરથી આપવાનો સમય હવે પાકી ગયો છે.
અંતમાં રાષ્ટ્રપતિશ્રી, વડાપ્રધાનશ્રીને રાષ્ટ્રહિતમાં યોગ્ય પગલાં ભરવા અમારી નમ્ર અરજ છે.
(4:10 PM IST)










