<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

કુચીયાદળ બ્રીજ પર ડમ્‍પર પાછળ અથડાતાં વર્ના કારનો બૂકડોઃ વાંકાનેર, બોટાદના બે મિત્રોના મોતઃ બેને ઇજા

જ્‍યાં નોકરી કરતાં હતાં એ શેઠની કાર લઇ ચારેય મિત્રો રાજકોટ નવાગામ મામા સાહેબના મંદિરે માતાજીના માંડવામાં દર્શન કરવા આવી રહ્યા હતાં : વાંકાનેરના અશોકભાઇ સિતાપરા અને વાંકાનેર રહી કંપનીમાં નોકરી કરતાં મુળ બોટાદના પ્રદિપભાઇ ઉર્ફ ધીરજભાઇ જાદવના ઘટના સ્‍થળે જ મોતઃ કારમાં પાછળ બેઠેલા વઘાસીયાના પ્રવિણભાઇ સારવાડીયા અને મનિષભાઇ સિતાપરાને ગંભીર ઇજાઓ ડમ્‍પરચાલકે સિગ્નલ વગર ઓચીંતો ટ્રેક બદલી ડમ્‍પર ઉભુ રાખી દેતાં પાછળ કાર અથડાઇ પડી : અકસ્‍માતમાં કાળનો કોળીયો બનેલા બે મિત્રો અશોકભાઇ સિતાપરા અને પ્રદિપભાઇ ઉર્ફ ધીરજભાઇ જાદવ તથા બૂકડો બોલી ગયેલી વર્ના કાર જોઇ શકાય છે

 

રાજકોટ તા. ૨૯: રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુચીયાદળ ગામ પાસે બ્રીજ ઉપર ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. જેમાં ડમ્‍પરના ચાલકે સિગ્નલ વગર જ પોતાનો ટ્રેક બદલાવી પાછળ કાર જે ટ્રેક પર હતી ત્‍યાં ડમ્‍પર લાવી ઓચીંતી બ્રેક મારી દેતાં પાછળ વર્ના કાર ધડાકાભેર અથડાતાં બૂકડો બોલી ગયો હતો. જેમાંચાલક વાંકાનેરના યુવાન, સાથે બેઠેલા મિત્ર મુળ બોટાદના યુવાનના ઘટના સ્‍થળે જ મોત થયા હતાં. જ્‍યારે પાછળ બેઠેલા બે મિત્રોનો ઇજાઓ સાથે બચાવ થયો હતો. ચારેય મિત્રો કારખાનામાં કામ કરતાં હોઇ શેઠની કાર લઇ રાજકોટ નવાગામ મામા સાહેબના મંદિરે માતાજીના માંડવામાં દર્શન કરવા આવી રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. 

જાણવા મળ્‍યા મુજબ વાંકાનેર રહેતાં અશોકભાઇ બટુકભાઇ સિતાપરા (ઉ.વ.૩૫) તથા તેના મિત્ર વાંકાનેરના વઘાસીયા ગામે રહેતાં પ્રવિણભાઇ અમરશીભાઇ સારાવડીયા (ઉ.વ.૨૪) તેમજ મુળ બોટાદનો અને હાલ વાંકાનેર રહેતો ધીરજભાઇ ઉર્ફ પ્રદિપભાઇ વિરજીભાઇ જાદવ (ઉ.વ.૨૫) અને અન્‍ય મિત્ર વાંકાનેરના મનિષભાઇ બટુકભાઇ સિતાપરા (ઉ.વ.૩૨) એમ ચાર મિત્રો શેઠ પ્રફુલભાઇની વર્ના કાર જીજે૦૩સીઇ-૭૪૫૧માં બેસી વાંકાનેર ટોલનાકે આવેલા વ્‍હાઇટ હાઉસ નામના કારખાનેથી રાજકોટના સાત હનુમાન પાસે આવેલા મામા સાહેબના મંદિરે યોજાયેલા માતાજીના માંડવામાં જવા નીકળ્‍યા હતાં. શનિવારે રાતે સાડા દસેક વાગ્‍યે બધા કુચીયાદળ નજીક બ્રીજ ચડતાં હતાં ત્‍યાં જ આગળ ડમ્‍પર જતું હોઇ તેને ઓવરટેકઇ કરવા જતાં ડમ્‍પર ચાલકે કોઇપણ પ્રકારની સાડ આપયા વગર સિગ્નલ બતાવ્‍યા વગર કાર જે ટ્રક પર હતી તે ટ્રેક પર પોતાનું ડમ્‍પર લઇ અચાનક બ્રેક મારતાં ડમ્‍પર પાછળ કાર ધડાકાભેર અથડાઇ હતી.

આ અકસ્‍માતમાં કારના આગળના ભાગનો બૂકડો બોલી ગયો હતો. ચારેય મિત્રો અંદર ફસાઇ ગયા હોઇ રાદારીઓએ બહાર કાઢયા હતાં. ડમ્‍પરના નંબર જીજે૦૩બીવાય-૯૦૨૪ હતાં. કાર અશોકભાઇ સિતાપરા ચલાવતાં અને અને તેની બાજુમાં મિત્ર ધીરજભાઇ ઉર્ફ પ્રદિપભાઇ જાદવ બેઠા હતાં. આ બંને બેભાન હતાં. કોઇએ ૧૦૮ બોલાવતાં બંનેને ડોક્‍ટરે મૃત જાહેર કર્યા હતાં. જ્‍યારે પ્રવિણભાઇ અને મનિષભાઇને ઇજાઓ થઇ હોઇ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. જેમાં પ્રવિણભાઇને જમણા  પગે સાળથમાં ગોળામાં, પગની આંગળીમાં, ડાબા ખભે ફ્રેકચર થયું હતું. જ્‍યારે મનિષભાઇને જમણા પગે ફ્રેકચર અને માથામાં હેમરેજ થયું હોઇ સારવાર માટે દાખલ કરાયા હતાં.

એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ આઇ. એન. સાવલીયાની રાહબરીમાં પીએસઆઇ એસ. એસ. જાડેજાએ પ્રવિણભાઇ અમરશીભાઇ સારાવડીયા (રહે. વઘાસીયા વાંકાનેર)ની ફરિયાદ પરથી ડમ્‍પર ચાલક સામે ગુનો નોંધ્‍યો છે. મૃત્‍યુ પામનાર અશોકભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જ્‍યારે તેના મિત્ર ધીરજભાઇ ઉર્ફ પ્રદિપભાઇ મુળ બોટાદના વતની હતાં. આ ચારેય મિત્રો વાંકાનેર ટોલનાકે વ્‍હાઇટ હાઉસ નામના કારખાનામાં મજૂરી કરતાં હતાં. ત્‍યાંથી શનિવારે રાતે શેઠની કાર લઇને રાજકોટ નવાગામ માતાજીના માંડવામાં જવા નીકળ્‍યા હતાં અને અકસ્‍માત નડતાં બે મિત્રોને કાળ ભેટી જતાં કલ્‍પાંત સર્જાયો હતો.

(11:17 AM IST)