<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

બેટલગ્રાઉન્‍ડ ગેમ્‍સ થકી સંપર્કમાં આવેલા શખ્‍સે ધરાર મિત્રતા રાખવાનું કહી છાત્રાના મોર્ફ કરેલા ન્‍યુડ ફોટા વાયરલ કર્યા

શહેરમાં રહેતી કોલેજીયન છાત્રાને ગેમ્‍સ રમતી વખતે ઝઘડો થતાં તેણે અક્ષીત શર્મા નામના જબલપુરના શખ્‍સને બોલાવવાનું બંધ કરતાં આ શખ્‍સે ઉશ્‍કેરાઇ જઇ ફોટા વહેતા કરી દીધાઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૯: શહેરમાં રહેતી અને કોલેજમાં ભણતી વિદ્યાર્થીની બેટરગ્રાઉન્‍ડસ મોબાઇલ ઇન્‍ડિયા ગેમ્‍સ રમતી હોઇ ગ્રુપમાં એક વોકર નામની વ્‍યક્‍તિ તેની સાથે ગેમ્‍સ રમવામાં જોડાયા બાદ બંને વચ્‍ચે મિત્રતા થતાં આ વ્‍યક્‍તિએ પોતે એમપી જબલપુરનો અક્ષીત શર્મા હોવાની ઓળખ આપી હતી. આ વ્‍યક્‍તિ સાથે યુવતિની મિત્રતા વધી જતાં તેણીએ પોતાના ફોટા પણ આ યુવાનને મોકલ્‍યા હતાં. પણ ગેમ્‍સ રમતી વખતે બંને વચ્‍ચે ઝઘડો થતાં તેણીએ બાદમાં આ શખ્‍સ સાથે બોલવાનું બંધ કરી તેને સોશિયલ મિડીયામાં જવાબ ન દેતાં તેણે પરાણે સંબંધ રાખવાનું કહી હેરાનગતી ચાલુ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપ્‍યા બાદ સાદા ફોટા યુવતિની મંજુરી વગર ઓનલાઇન મુકી દઇ તેમજ મોર્ફ એડીટ કરેલા ન્‍યુડ ફોટો ગેમમાં મુકી દઇ વાયરલ કરી દેતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર બાવીસ વર્ષની વિદ્યાર્થીનીની ફરિયાદ પરથી અલગ અલગ ઇન્‍સ્‍ટાગ્રામ આઇડીનો ઉપયોગ કરનારા બે મોબાઇલ ફોન નંબરના ધારક વિરૂધ્‍ધ આઇટી એક્‍ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. યુવતિએ જણાવ્‍યું છે કે પોતે કોલેજમાં અભ્‍યાસ કરે છે અને ઇન્‍સ્‍ટાગ્રામનો ઉપયોગ કરે છે. તેણે પોલીસને જણાવ્‍યું હતું કે મેં બેટલગ્રાઉન્‍ડસ મોબાઇલ ઇન્‍ડિયા નામની મોબાઇલ ગેમ્‍સ ચારેક વર્ષ પહેલા ડાઉનલોડ કરી હતી. હું ગેમ્‍સ રમતી હતી જે ગેમ્‍સમાં ગ્રુપ બનાવીને રમવાનું હોય છે. જેમાં અલગ અલગ રાજ્‍યના લોકો ઓનલાઇન ગેમ રમતાં હોય છે. પાંચેક મહિના પહેલા હું ઓનલાઇન ગેમસ રમતી હતી ત્‍યારે વોકર નામવાળી વ્‍યક્‍તિ મારી સાથે ગેમ્‍સ રમવા જોઇન થયેલ. એ પછી હું આ વોકર નામધારી વ્‍યક્‍તિ સાથે વારંવાર ગેમ રમતી હતી. આ કારણે અમારી વચ્‍ચે મિત્રતા થઇ ગઇ હતી. જેથી મેં તેને મારુ સ્‍નેપચેટ આઇડી આપ્‍યું હતું.

આ પછી અમે સ્‍નેપચેટમાં વારંવાર વાતો કરતાં હતાં. મે તેને મારો ફોન નંબર પણ આપ્‍યો હતો. તેણે પોતાનું નામ અક્ષીત શર્મા હોવાનું અને પોતે જબલપુર મધ્‍યપ્રદેશથી હોવાનું કહ્યું હતું. અમે મોબાઇલ નંબરોની આપ- લે કરી હતી. બાદમાં અક્ષીત વારંવાર મારી સાથે વ્‍હોટ્‍સએપમાં વાત કરતો હતો. અમારી વચ્‍ચે સારી એવી મિત્રતા કેળવાઇ જતાં મેં મારા ફોટા અક્ષીતને મોકલ્‍યા હતાં. ત્‍યારબાદ ગેમ્‍સ રમતી વખતે બોલાચાલી થતાં મેં તેની સાથે વાત કરવાનું બંધ કરી દેતાં અને સોશિયલ મિડીયા પર તેને કોઇપણ પ્રકારનો રિસ્‍પોન્‍સ આપવાનું પણ બંધ કરી દેતાં તે સતત પરાણે મને સબંધ રાખવાનું કહી હેરાન કરવા માંડયો હતો.

મારે તેની સાથે કોઇ મિત્રતા રાખવી ન હોઇ છતાં તે વ્‍હોટ્‍સએપથી ફોન, મેસેજ કરી સતામણી કરતો હતો અને હું તેની સાથે નહિ બોલુ તો ન્‍યુડ ફોટા બનાવી વાયરલ કરશે તેવી ધમકી આપી હતી. આ પછી પણ મેં તેની સાથે બોલવાનું ચાલુ ન કરતાં તેણે ઉશ્‍કેરાઇ જઇ મારા સાદા ફોટા વાયરલ કરી દીધા હતાં. તેમજ બેટલગ્રાઉન્‍ડસ મોબાઇલ ઇન્‍ડિયા ગેમમાં મારા ફોર્મ કરેલા એડિટીંગ કરેલા ન્‍યુડ ફોટા મુકી તેમજ મારા પરિવારના ફોટા બિભત્‍સ લખાણ સાથે મુકી વાયરલ કરી દીધા હતાં. તેમ વધુમાં વિદ્યાર્થીનીએ જણાવતાં  પીઆઇ એચ. એન. પટેલ, હેડકોન્‍સ. સંજયભાઇ ઠાકરે ગુનો દાખલ કરી આરોપીની ઇન્‍સ્‍ટાગ્રામ આઇડી, ફોન નંબરને આધારે  તેની શોધોખોળ હાથ ધરી છે.

(2:16 PM IST)