તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
મનપાએ જપ્ત કરેલ હજારો રેંકડી-કેબીન ભંગાર બનીઃ નિકાલમાં પણ મુશ્કેલી
નાના ધંધાર્થીઓ પાસે દંડ વસુલી રેકડી-કેબીન છોડી દીધી હોત તો રોજગારી પણ ન જાતઃ રાજુ જુંજા

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનની દબાણ હટાવ શાખા શહેરમાં નાના ધંધાર્થીઓ ઉપર ગમે ત્યારે કીડી ઉપર કટકની જેમ તુટી પડે છે ત્યારે શાક બકાલા અને ફ્રુટની લારીના ધંધાર્થીઓમાં નાસ-ભાગ મચી જાય છે. નાના ધંધાર્થીઓની રેકડી-કેબીનો કબ્જે કર્યા પછી દંડ વસુલીને પણ છોડતા નથી જેથી ધંધાર્થીઓ ધકા ખાઇ થાકી જાય છે. આવી જપ્ત કરાયેલી હજારો રેકડી-કેબીનો ભાવનગર રોડ ઉપર અમુલ સર્કલ પાસે આર.એમ.સી.ના ગોડાઉનમાં ધુળ ખાઇ છે. જે તે સમયે દંડ વસુલીને જો રેકડી-કેબીનો છોડી દીધી હોત તો આ રેકડી-કેબીનો કાટમાળ ન બની જાત અને નાના ધંધાર્થીઓની રોજી-રોટી પણ ન છીનવાય જાત. પરંતુ મનપાના અધિકારીઓને મોટા અને ખોટા દબાણો હટાવવામાં કયાંક ને કયાંક લાજ શરમ નડતી હોય નાના લોકોને પરેશાન કરી પોતાની મસમોટી કામગીરી દેખાડવામાં વ્યસ્ત રહે છે તેમ સામાજીક અગ્રણી અને રાજકોટ ચેર્મ્સ ઓફ કોમર્સના ડીરેકટર રાજુભાઇ જુંજાની એક યાદીમાં જણાવાયું છે.
(2:20 PM IST)










