તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
મુંબઇના જાણીતા આર્કિટેકટ નિખીલ અડીએચાને ચેક રીટર્ન કેસમાં
એક વર્ષની જેલ : ૬૦ દિવસમાં નાણા ન ચુકવે તો વધુ ૬ માસની કેદ :રાજકોટના જાણીતા બિલ્ડર અને સહકારી અગ્રણી બી.જે.પરસાણા પાસેથી ૧પ લાખ હાથ ઉછીના લઇ પરત નહિ આપતા એડીશ્નલ :સિનીયર સિવિલ જજશ્રીએ ફટકારી સજા : લીધેલા નાણા ન ચુકવવા કાયદાનું ખોટુ અર્થઘટન અને દુરૂપયોગ ખુબ ગંભીર બાબત

રાજકોટ, તા., ર૯: શહેરના જાણીતા બિલ્ડર અને સહકારી અગ્રણી બી.જે.પરસાણાએ મુંબઇના જાણીતા આર્કિટેકટ નિખીલ અડીએચાને હાથ ઉછીની આપેલી ૧પ લાખની રકમ પેટે અપાયેલો ચેક પરત ફરતા ૭-૬-ર૦૧૯ ના રાજકોટના ૧૧ માં એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટશ્રી (સ્પેશ્યલ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ) ની કોર્ટમાં નોંધાવવામાં આવેલી ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળની ફરીયાદ સંદર્ભેના ફોજદારી કેસમાં આરોપી નિખીલ અડીએચાને એક વર્ષની સાદી કેદ અને વળતર પેટે ર લાખ પ૦ હજાર દિવસ ૬૦ માં ચુકવી આપવા અને જો ૬૦ દિવસમાં વળતર ન ચુકવે તો વધુ ૬ માસની કેદનો હુકમ કરતા ખળભળાટ મચી ગયો છે. કોર્ટે નોંધ્યું છે કે, લીધેલા નાણા ન ચુકવવા કાયદાનું ખોટુ અર્થઘટન અને દુરૂપયોગ ખુબ ગંભીર બાબત છે. આવા ગુન્હાઓ દિનપ્રતિદિન વધી રહયા છે. જેના ઉપર અંકુશ રાખવો જરૂરી છે.
આ કેસની ટુંક વિગત એવી છેકે, ફરીયાદી તથા આરોપી વચ્ચે ઘણા વર્ષો જુના સંબંધો હોવાથી આ કામના આરોપીને નાણાંની જરૂરીયાત હોય, ફરીયાદી પાસે નાણાંની માંગણી કરતા ફરીયાદી ભગવાનજીભાઇ પરસાણાએ આરોપી નિખીલ અડીએચા (રહે.‘સરગમ' ફર્સ્ટ ફલોર, ૩૯-સ્વસ્તીક સોસાયટી, એનએસ રોડ નં.૩, જુહુ સ્કીમ, વિલે પાર્લે (વેસ્ટ), મુંબઇને સંબંધના દાવે વગર વ્યાજે રૂા. ૧૫,૦૦,૦૦૦/- રોકડ હાથ ઉછીના આપેલ અને આ કામના આરોપીએ હાથોહાથ સ્વીકારેલ અને હાથ ઉછીની રકમના પાર્ટ પેમેન્ટના રૂપીયાનું ચુકવણુ કરવા માટે આરોપીએ ફરીયાદીને આઈ.સી.આઈ.સી.આઈ. બેંક, જુહુ બ્રાંચ, મુંબઈના ચેક નં.૦૦૬૭૦૭, રૂા.૨,૫૦,૦૦૦/-, તા.૧૦/૦૪/૧૯ નો આપેલ અને તેઓને વચન, વિશ્વાસ, ખાત્રી આપેલ કે, આ ચેક બેંકમાં જમા કરાવશો એટલે તુરંત જ પૈસા તમોને મળી જશે. ત્યારબાદ તે ચેક ફરીયાદીએ આરોપીની સુચના મુજબ તેમની બેંક જીવન કોમર્શીયલ કો.ઓપ. બેંક લી., રાજકોટ માં રજુ કરતા ‘ફંડસ ઈન્ફીશીયન્ટ'ના શેરા સાથે તા. ૧૨/૦૪/૨૦૧૯ ના રોજ પરત ફરેલ છે. જેની જાણ ફરીયાદીને થતા, આરોપીએ તેઓની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ હોય, ફરીયાદીએ તેમના વકીલશ્રી મારફતે આરોપીને તા.૨૪/૦૪/૨૦૧૯ ના રોજ રજી.એ.ડી. દ્વારા ડીમાન્ડ નોટીસ આપેલ. જે નોટીસ આરોપીને તા.૨૬/૦૪/૨૦૧૯ ના રોજ બજી જવા છતાં તેઓને લેણી રકમ આપેલ નહીં અને ઉપરોકત નોટીસનો આરોપી તરર્ફે કોઈ જવાબ આપેલ નથી. તેથી ફરીયાદીએ આરોપી વિરુધ્ધ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-૧૩૮ ના ગુના સબબ હાલની ફરીયાદ દાખલ કરેલ છે અને ફરીયાદ મુજબ દાદ માંગેલ છે.
આમ, આરોપીએ ચેકની રકમનું પેમેન્ટ કરેલ નથી કે તે બાબતે કોઈ દરકાર કરેલ નથી તેથી નોટીસની સમય મર્યાદા પુર્ણ થતા ફરીયાદીએ હાલની ફરીયાદ અત્રેની કોર્ટમાં દાખલ કરેલ હતી.
ફરીયાદીના એડવોકેટ તરફથી એવી રજુઆત કરવામાં આવી છે કે, હાલના આરોપીએ ગંભીર પ્રકારનો ગુનો કરેલ છે. ચેકો રીટર્ન થવાના કિસ્સા વધી રહયા છે. સમાજમાં દાખલો બેસાડવો જરૂરી બની જાય છે. જેથી આરોપીને કાયદા મુજબની મહત્તમ સજા કરવી જોઈએ અને વળતર અપાવવુ જોઈએ. આરોપી પક્ષના એડવોકેટ દ્વારા રજુઆત થઇ કે, આરોપીનો પ્રથમ ગુનો છે. તેમના પર પારીવારીક જવાબદારી છે. તેમજ આરોપીની ઉંમર તથા કેસના સંજોગો ઘ્યાને લઈ ઓછામાં ઓછી સજા તથા આરોપીની નબળી આર્થિક પરીસ્થીતી ને ધ્યાને લઈ દંડ/વળતર નહીં કરવા રજુઆત કરી હતી.
જેના સંદર્ભે ફરીયાદીના વકીલે રજુઆત કરી હતી કે, હાલના યુગમાં કોઈપણ વ્યકિત, કોઈપણ ભોગે મોટી રકમ મેળવવા કે માલસામાન ખરીદતી વખતે તે સામે ખોટા ચેકો લખી આપી ઘણીવાર કોરા ચેકો આપતા હોવાના કિસ્સા વધી રહયા છે. રકમ કે માલસામાન મેળવ્યા બાદ તે રકમ અથવા માલસામાનન મુલ્ય પરત કરતા નથી અને નાણા ન ચૂકવવા પડે તે માટે કાયદાનું ખોટ અર્થઘટન કરી, તેનો દુરુપયોગ કરતા રહે છે. રકમ પરત કરતા નથી અને ચેકો વગર સ્વીકાર્યે પરત થતા રહે છે તે ખૂબ ગંભીર બાબત ગણાય અને આવા ગુન્હાઓ દિન-પ્રતિદિન વધી રહયા છે. જેના ઉપર અંકુશ રાખવો જરૂરી છે. સામાન્ય રીતે સજાની માત્રા કેવી હોવી જોઈએ તે બાબતે વડી અદાલત તથા સર્વોચ્ચ અદાલતના માર્ગદર્શક ચૂકાદાઓ ઉપલબ્ધ છે.
ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટમાં સદર જોગવાઈ સુધારાથી દાખલ કરવા પાછળ લેજીસ્લેચરનો હેતુ બેન્કનું કામકાજ તેના નિયમોનુસાર અને કોઈપણ જાતના અવરોધ વિના સતત અવિરતપણે ચાલતુ રહે તે માટેનું છે.
આ કામે આરોપીએ ફરીયાદી સાથે લોન પેટેનો નાણાકીય વ્યવહાર થયેલ તે અંગેની ફરીયાદીની લેણી રકમ પરત ચુકવવા તેમની સહીવાળો ચેક ફરીયાદીને આપેલ છે જે ચેક ફંડસ ઈન્ફીશીયન્ટના શેરાથી વગર સ્વીકારાયે પરત ફરેલ છે. નોટીસ આપ્યા બાદ પણ નાણાં પરત કરેલ નથી. લાંબો સમય કેસ ચાલતા દરમ્યાન પણ લોન પેટે લીધેલ નાણા પરત કરવા કોઈ રકમ પરત કરેલ નથી. કાયદા પાછળનો હેતુ તથા આરોપીની વર્તણુંક લક્ષમાં રાખતા, આરોપી પ્રત્યે દયા રાખવી ન જોઈએ અને સમાજમાં દાખલો બેસે, લોકોનો બેન્કીંગ વ્યવસ્થામાં વિશ્વાસ ટકી રહે તે માટે આરોપીને ચોકકસપણે સજા કરવી જોઈએ તેમ આ અદાલતનું માનવું છે. કારણ કે, કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંત અનુસાર કાયદો ઘડવા પાછળનો લેજીસ્લેચર નો ઈરાદો કાયદાને અસરકારક બનાવવાની મુખ્ય ફરજો અદાલતોની છે અને જો તે મુજબ ન કરવામાં આવે તો લોકોનો બેંકીંગ વ્યવસ્થામાં વિશ્વાસ ઉઠી જશે, લોકો ચેકોનો બેફામ દુરુઉપયોગ કરતા અચકાશે નહી જેના કારણે ભારતીય અર્થતંત્ર કે જે વિકાસશીલ અર્થતંત્ર છે તેને નુકશાન થાય તેમ છે.
હાલના કેસની હકકીતો અને સંજોગો લક્ષમાં લઈએ તો, આરોપી પોતે ઠરેલ વ્યકિત છે. લોન પેટે લીધેલ રકમ પેટેના વ્યવહારની કાયદેસરની લેણી રકમ સામે ચેક આપવાની ગંભીરતાનો તેમને ખ્યાલ હોવો જોઈએ. ખોટા બચાવ લઈ સમય ખેચ્યા બાદ કેસ ચાલતા દરમ્યાન પણ આરોપી તરફે ફરીયાદીને ચેકની રકમ ચૂકવવામાં આવેલ નથી. બેલેન્સ ન હોવા છતાં ખોટો ચેક આપેલાનું જણાય છે. આમ, આરોપીની દાનત રકમ ફરીયાદીને પરત નહીં આપવાની જણાય છે. આરોપીની વર્તણૂક લક્ષે રાખી, તેને પ્રોબેશનનો લાભ આપવો પણ યોગ્ય જણાતો નથી. તે ઉપરાંત આ અદાલતે ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૮૮૧ ની કલમ-૧૩૮ માં જણાવેલ સજા ની જોગવાઈઓ પણ લક્ષે લીધેલ છે.
ફરીયાદી તરફે વળતરની રજુઆત લક્ષે લીધી. આ અદાલતે નામદાર ગુજરાત હાઈકોર્ટના ૨૦૦૭(૧) જી.એલ.એચ.પાના નં.રરપ શંકરલાલ એન્ડ પરમાર વિરૂધ્ધ દિનેશ બાબુલાલ બોરીયા વાળા વિગેરેના ચૂકાદાની હકીકતો લક્ષમાં લીધેલ છે, જેમાં સજા કરતી વખતે દંડ ચૂકવવાનો આદેશ દૂર કરેલ હતો, પરંતુ વળતર ચૂકવવાનો આદેશ યથાવત રાખવામાં આવેલ હતો તે ચૂકાદા અનુસાર આરોપીને દંડ અને વળતર ચૂકવવાનો હુકમ એક સાથે ન કરી શકાય, તે હકીકત આ અદાલતે લક્ષે લીધેલ છે. વધુમાં, નામદાર કેરાલા હાઈકોર્ટનો એમ.વી. નલીન કહાન વિરૂધ્ધ એમ. મેશન, ૨૦૦૯ કીમીનલ લો જનરલ પાના નંબર-૧૭૦૩ નો ચુકાદા મુજબ આરોપીને પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એકટ તથા ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ-૩૬૦ ની જોગવાઈનો લાભ આપવો ન્યાયોચીત જણાતો નથી અને તેથી આરોપી સામેના ગુનાનો પ્રકાર તથા આંક-૧૭ વાળો ચેક આપેલ હોવાની ફલીત થતી હકીકત ઘ્યાને રાખી તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના ૨૦૦૪(૨) જી.એલ.એચ. પાના નં.ર૯, આર.સી. મહેતા વિરૂધ્ધ ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કંપની લી. ના ચુકાદામાં જણાવેલ હકીકતે ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ -૧૩૮ ની જોગવાઈ કરવાનો ધારાસભાના આશય ધ્યાને રાખી તથા ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ-ર૯(૨) ની જોગવાઈ ધ્યાને લઈે આખરી હુકમ કરે છે.
આ હુકમ મુજબ આ કામના આરોપી નિખીલ અડીએચા, રહે. સરગમ, ફર્સ્ટ ફલોર, ૩૯-સ્વસ્તિક સોસાયટી, એન.એસ. રોડ નં.૩, જુહુ સ્કીમ, વીલેપાર્લે (વેસ્ટ), મુંબઈ ને ક્રિમિનલ પ્રોસીઝર કોડ કલમ-૨૫૫(૨) અન્વયે ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ ના ગુના સબબ તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા કરવામાં આવે છે.
આરોપીએ ક્રિમિનલ પ્રોસીઝર કોડ કલમ-૩૫૭(૩) અન્વયે ફરીયાદી ને વળતર પેટે રૂા.૨,૫૦,૦૦૦/- (શબ્દોમાં- રૂપિયા બે લાખ પચાસ હજાર પુરા) દિન-૬૦ માં ચુકવી આપવા. જો આરોપી સદર વળતરની રકમ ચુકવવામાં કસુર કરે તો આરોપીએ વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવે છે.
આરોપી ચુકાદાના દિવસે હાજર ન હોય તેમજ મુકિત અરજી રજુ ન હોય આરોપી વિરૂધ્ધ આ સજાના અમલ સંબંધેનું બીનજામીનલાયક વોરંટ પ્રોસેસ ફી ભર્યેથી ઈસ્યુ કરવાનો હુકમ કરવામાં આવે છે તેમ ૧૧મા એડી. સીની. સિવિલ જજ અને એડી. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ, શ્રી એ.પી.ડેરએ પોતાનો આખરી હુકમ કરતા જણાવેલ. જુહુમાં બંગલો-હોલ ધરાવતા અડીએચા પાસે કરોડોની સંપતિ છતાં પૈસા દેવાની દાનત નથી : બી.જે.પરસાણા
રાજકોટ : ચુકાદા અંગે બી.જે.પરસાણાએ અકિલાને જણાવ્યું હતું કે, કોર્ટ સમક્ષ પોતાની આર્થિક હાલત સારી નહિ હોવાનો બચાવ વકીલ મારફત રજુ કરનાર નિખીલ અડીએચાનો કરોડોની કિંમતનો જુહુમાં બંગલો આવેલો છે. આ બંગલો સામે જ મીથીલા હોલ નામની પ્રોપર્ટી પણ તેઓ ધરાવે છે. મેં સંબંધના નાતે આપેલા નાણા પરત કરવાની દાનત અડીએચા ધરાવતા નથી. લાંબો સમય પૈસાની ઉઘરાણી કર્યા બાદ મેં કોર્ટનું શરણું લીધું હતું.
(3:44 PM IST)










