<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

બેટરી બહુ ધગી જવાથી બંધ કરાયેલ ૧૫ BRTS બસ પૂર્વવત

બ્રેકડાઉન, સેન્‍સર સહિત સમસ્‍યા હલ બાદ બસ દોડાવવા મનપા તંત્રનો નિર્ણયઃ બાકી ૧૨ બસ કાલ સુધીમાં રાબેતા મુજબ શરૂ થશે

રાજકોટ તા.૨૯: શહેરમાં ગઇકાલે રેકોર્ડ બ્રેક તાપમાન ૪૬ ડીગ્રી પાર થઇ જતા લોકોને સાથોસાથ શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર ૧૦.૭ કિ.મી.ની BRTS રૂટ પરની ઇલેકટ્રીક બસને પણ ભારે અસર જોવા મળી છે. બેટરી હિટીંગ તેમજ સેન્‍સર ગરમ થવાના કારણે એનક ઇલેકટ્રીક બસ બ્રેક ડાઉન થઇ જતા ગઇકાલ સાંજથી બીઆરટીએસ રૂટ ઉપર ૭૦ ટકા બસ બંધ કરી વર્કશોપ મોકવમાં આવી છે. ત્‍યારે શહેરમાં અન્‍ય રૂટ ઉપર દોડતી ૯૦થી વધુ ઇલેકટ્રીક બસમાં પણ એનક ઇસ્‍યુ ઉભા થતા  બીઆરટીએસ અને સીટીબસની અંદાજે ૬૦થી વધુ બસના રૂટ બંધ કરાયા હતા. રીપેરીંગ થઇ જતા હાલ ૨૮ પૈકી ૧૫ બસો ફરી પુનઃ શરૂ થઇ છે. બાકીની ૧૨ બસ કાલે રાબેતા મુજબ શરૂ થવાની શકયતા તંત્રના સંબધિત વિભાગના અધિકારીએ જણાવ્‍યું હતું.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ તાપમાનનો પારો ૪૫ ડીગ્રી પાર થતા ઇલેકટ્રીક બસમાં અનેક ઇસ્‍યુ ઉભા થયા છે. ગરમીના કારણે બેટરી સંચાલીત ઇલેકટ્રીક બસમાં પ્રથમ બેટરી હિટીંગ થવાની ફરિયાદો ઉઠતા ગઇકાલે બપોર બાદ બીઆરટીએસ રૂટ ઉપર દોડતી ૨૮ પૈકી ૨૦ બસ બંધ કરી સેન્‍સર સહિતના ચેકિંગ માટે વર્કશોપમાં મોકલવામાં આવી હતી. ત્‍યારબાદ શહેરના અલગ અલગ રૂટ ઉપર દોડતી ઇલેકટ્રીક બસ પૈકી અમુક બસમા આ પ્રકારના ઇસ્‍યુ હોવાનું ડ્રાઇવરોએ જણાવતા આજે સવારે ડેપો માંથી ઉપડતી તમામ ઇલેટ્રીક બસ ચેક કરવામાં આવી હતી. ડ્રાઇવરોના જણાવ્‍યા મુજબના ઇસ્‍યુ હતા. તેવી બસોને વર્કશોપમાં મોકલવામાં આવી છે. ઇન્‍દિરા સર્કલ અકસ્‍માત બાદ તંત્ર દ્વારા રોજેરોજ તમામ સિટીબસનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને નાનો એવો ફલોટ હોય તો પણ બસને બ્રેક ડાઉન કરી વર્કશોપમાં મોકલવામા આવી રહી છે. હાલ શહેરમાં અને બીઆરટીએસ રૂટ ઉપર ૧૨૪ ઇલેકટ્રીક બસ તથા ૧૦૦ સીએનજી બસ દોડાવવામાં આવી રહી છે. જે પૈકી ૬૦થી વધુ ઇલેકટ્રીક બસમાં બેટરી હિટીંગ અને સેન્‍સર સહિતના ફોલટ દેખાતા તમામ બસોને વર્કશોપમાં રીપેરીંગ કરવામાં આવશે.

(3:19 PM IST)