<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

શ્રવણ તીર્થયાત્રાનું અનેરૂ આકર્ષણ, માત્ર ૨૫% ભાડામાં લાભઃ રમેશ મેરજા

ગુજરાત સરકાર દ્વારા હજારો વરિષ્‍ઠ નાગરિકોને લાભઃ યાત્રાધામ બોર્ડના સભ્‍ય સચિવ અકિલાના આંગણે : એસ.ટી. અથવા ખાનગી બસમાં ૨૦૦૦ કિ.મી. સુધી ફરવાની છુટઃ ઓછામાં ઓછા ૨૭ લાભાર્થીઓનો સમુહ હોવો જરૂરી

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્‍ય સચિવ (નિવૃત આઇ.એ.એસ.) શ્રી રમેશ મેરજાએ અકિલા પરિવાર સાથેના વર્ષોના પારીવારિક સબંધના નાતે અકિલા પરિવારની મુલાકાત લઇ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે બોર્ડની વિવિધ યોજનાઓની વાત કરેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ તા.૩૦: ગુજરાતમાં મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્‍વ હેઠળની રાજય સરકાર દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના માધ્‍યમથી વિવિધ તીર્થયાત્રાઓની યોજના અમલમાં છે. જેમાં શ્રવણ તીર્થદર્શન યાત્રાનું વિશેષ આકર્ષણ છે. જેનો હજારો વરિષ્‍ઠ નાગરિકોએ લાભ લીધો છે. યાત્રાધામ બોર્ડના સભ્‍ય સચિવ શ્રી રમેશ મેરજાએ અકિલાના આંગણે સરકારની આ યોજના અંગે વિસ્‍તૃત વાતચીત કરી હતી.

શ્રી રમેશ મેરજાએ જણાવેલ કે, વળદ્ધ માતા-પિતાને કાવડમાં બેસાડી યાત્રા કરાવનાર શ્રવણ તમામ દેશવાસીઓના હૃદયમાં અનોખું સ્‍થાન ધરાવે છે. આધુનિક યુગમાં ગુજરાત રાજ્‍યના વરિષ્ઠ નાગરિકો (સિનીયર સિટીઝન) ગુજરાતમાં આવેલા યાત્રાધામોના દર્શન સરળતાથી કરી શકે તે અર્થે ગુજરાત સરકારે ‘‘શ્રવણ તીર્થ દર્શન યોજના'' ગુજરાતના સ્‍થાપના દિન તા. ૦૧/૦૫/૨૦૧૭ થી અમલમાં મૂકેલ છે.

શ્રવણ તીર્થ દર્શન માટે પાત્રતા

ગુજરાત રાજ્‍યમાં વસવાટ કરતા હોય તેવા સીનીયર સીટીઝનને જ લાભ મળવાપાત્ર રહેશે. અરજદાર અરજીની તારીખે ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના હોવા જોઈએ. પતિ પત્‍ની એક સાથે યાત્રા કરતાં હોય તો બે પૈકી એકની ઉંમર અરજીની તારીખે ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. આ યોજના હેઠળ લાભ લેવા માટે યાત્રાળુઓના સમુહની અરજી માન્‍ય ગણાશે. વ્‍યક્‍તિગત અરજી માન્‍ય ગણાશે નહીં. ઓછામાં ઓછા ૨૭ વ્‍યક્‍તિઓ યાત્રા માટે સમૂહમાં અરજી કરે તેને સમૂહની અરજી ગણવામાં આવશે. એક વ્‍યક્‍તિને પ્રત્‍યેક નાણાકીય વર્ષમાં એક વાર લાભ મળવાપાત્ર રહેશે.

શ્રવણ તીર્થ દર્શન સહાય

ગુજરાતના યાત્રાધામોના ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ (૭ર કલાક) સુધીના પ્રવાસની મર્યાદામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે. ગુજરાતના યાત્રાધામોના દર્શન માટેની આ યોજનામાં એસ.ટી.ની સુપર બસ (નોન એ.સી.) ઉપરાંત એસ.ટી.ની મીની બસ (નોન એ.સી.), સ્‍લીપર કોચ (નોન એ.સી.) નું ભાડુ અથવા જો ખાનગી બસ ભાડે લીધેલ હોય તો ખાનગી બસનું ભાડું બેમાંથી જે ઓછુ હોય તેની મહત્તમ ૭૫% રકમ સહાય તરીકે મળવાપાત્ર રહેશે. ૨૭ થી ૩૫ પેસેન્‍જર સુધીની મીની બસનું ભાડું મળશે તથા, ૩૬ થી ૫૬ પેસેન્‍જર સુધી એક્‍સપ્રેસ/સુપર બસનું ભાડું મળશે. જો ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ (૭૨ કલાક) સુધીના મર્યાદા કરતા વધુ યાત્રા હશે, તો પણ ઉપર દર્શાવ્‍યા મુજબ ૩ રાત્રિ અને ૩ દિવસ સુધીના પ્રવાસની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. દરેક યાત્રીને ઉચ્‍ચક સહાય તરીકે ૧ (એક) દિવસના જમવાના રૂ. ૫૦/- (અંકે રૂપિયા પચાસ પૂરા) અને રહેવાના રૂ. ૫૦/- (અંકે રૂપિયા પચાસ પૂરા) એમ કુલ રૂ. ૧૦૦/- (અંકે રૂપિયા એકસો પુરા) અને વધુમાં વધુ રૂ.૩૦૦/- (અંકે રૂપિયા ત્રણસો પુરા)ની મર્યાદામાં ચૂકવવાના રહેશે.

જો ખાનગી બસ મારફતે પ્રવાસ કરવામાં આવ્‍યો હોય તો, આવા પ્રવાસના પુરાવારૂપે બસના યાત્રીઓ સાથેનો એક ફોટોગ્રાફ જે તે બસનો નંબર સ્‍પષ્ટ દેખાય તે રીતે અચુક રજુ કરવાનો રહેશે, તથા જે યાત્રાધામમાં પ્રવાસે ગયા હોય તે યાત્રાધામમાંથી આ પ્રવાસ અંગેનું સહી-સિક્કા સાથેનું પરિશિષ્ટ-ર મુજબનું પ્રમાણપત્ર મેળવીને રજૂ કરવાની રહેશે. આવા કિસ્‍સામાં ૭૫% સહાયની રકમ માન્‍ય એજન્‍ટ અથવા ગળહના વડાના બેંક એકાઉન્‍ટમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સીધી જ જમા કરાવવામાં આવશે. જો ખાનગી બસ GPS સીસ્‍ટમ સાથેની હોય, તો તેઓએ ઉપર્યુક્‍ત દર્શાવેલ પુરાવાઓને બદલે માત્ર GPS  ડેટા લોગની કોપી જોડવાની રહેશે.

કુલ ૨૦૦૦ કિલોમીટર સુધી યાત્રાનો લાભ

યાત્રાની તારીખના ઓછામાં ઓછા એક અઠવાડિયા પૂર્વે અનિવાર્યપણે અરજી કરવાની રહેશે. આ સંદર્ભે અરજીમાં દર્શાવેલ સમયગાળા દરમ્‍યાન અથવા મંજૂરી મળ્‍યા બાદ બે માસમાં યાત્રા કરવાની રહેશે, અન્‍યથા મંજૂરી આપોઆપ રદ્દ થયેલી ગણાશે અને તે પછી યાત્રા કરવાની હોય તો, નવેસરથી મંજુરી મેળવવાની રહેશે. આવી મંજૂરી મેળવ્‍યા વિના કરેલ યાત્રા માટે સહાય મળવાપાત્ર થશે નહી. યાત્રા પૂર્ણ થયા બાદ આ યોજના હેઠળ સહાય મેળવવા માટે યાત્રા કઈ તારીખે કરવામાં આવેલ છે તેની વિગતો સાથે લેખિતમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને અરજી કરવાની રહેશે.

૩ વર્ષના યાત્રાના લાભાર્થીઓના આંકડા

શ્રી રમેશ મેરજાએ કહયું કે, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત આ યોજનાઓનો શ્રદ્ધાળુઓ મોટી સંખ્‍યામાં લાભ લઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૭-૧૮થી અત્‍યાર સુધીના આંકડા જોઇએ, તો ઉપરોક્‍ત ત્રણેય યોજનાઓ હેઠળ રાજ્‍ય સરકારે ૧ લાખ ૫૮ હજાર ૭૬૦ શ્રદ્ધાળુઓને વિવિધ તીર્થસ્‍થળોની યાત્રાઓ કરાવી છે અને લાભાર્થી શ્રદ્ધાળુઓને રૂ.૨૦ કરોડ, ૬૨ લાખ ૯૩ હજારની સહાય ચૂકવી છે.

રાજ્‍યમાં આ તીર્થ દર્શન યોજનાઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોઇએ, તો વર્ષ ૨૦૨૨-૨૩થી ૨૦૨૪-૨૫ (માર્ચ-૨૦૨૫ સુધી) દરમિયાન કુલ ૬૬ હજાર ૨૩૩ શ્રદ્ધાળુઓએ આ યોજનાઓ હેઠળ તીર્થસ્‍થળોની યાત્રા કરી છે. રાજ્‍ય સરકારે આ શ્રદ્ધાળુઓને કુલ ઈં ૯ કરોડ ૮૬ લાખ ૩૯ હજારની સહાય ચૂકવી છે. તેમાં સૌથી વધુ વડીલોએ આ યોજનાઓનો લાભ મેળવ્‍યો છે. છેલ્લા ૩ વર્ષમાં કુલ ૬૪,૭૨૨ વડીલોએ ૧,૩૮૫ બસોમાં પ્રવાસ કરી તીર્થયાત્રાનો લાભ મેળવ્‍યો છે. રાજ્‍ય સરકારે આ વડીલો માટે રૂ.૭ કરોડ ૫૯ લાખ ૫૦ હજારની સહાય ચૂકવી છે. આ ઉપરાંત; છેલ્લા ત્રણ વર્ષમાં સિંધુ દર્શન યોજનાનો ૧૫૦૮ તથા કૈલાશ માન સરોવર યાત્રા યોજનાનો ૩ લોકોએ લાભ લીધો છે. રાજ્‍ય સરકારે સિંધુ દર્શન યોજનાના લાભાર્થીઓને રૂ.૨ કરોડ ૨૬ લાખ ૨૦ હજાર તેમજ કૈલાશ માન સરોવર યોજનાના લાભાર્થીઓને રૂ.૬૯ હજારની સહાય ચુકવી છે.

બોર્ડ તરફથી મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૨૨-૨૩માં શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ ૩૪,૮૪૬ સીનિયર સિટીઝનોએ ૮૧૯ બસો થકી પ્રવાસ કર્યો. તેના માટે સરકારે વડીલોને રૂ.૪ કરોડ ૨૬ લાખ ૭ હજારની સહાય ચૂકવી છે. તેવી જ રીતે; સિંધુ દર્શન યોજના હેઠળ ૯૦૮ શ્રદ્ધાળુઓને રૂ.૧ કરોડ ૩૬ લાખ ૨૦ હજારની સહાય ચૂકવવામાં આવી છે. વર્ષ ૨૦૨૩-૨૪માં શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ ૧૦,૬૯૯ વડીલોએ ૨૩૯ બસો થકી પ્રવાસ કર્યો, જેના માટે સરકારે તેમને રૂ.૧ કરોડ ૩૬ લાખ ૧૭ હજારની સહાય ચૂકવી છે, તો સિંધુ દર્શન યોજના હેઠળ ૩૦૦ શ્રદ્ધાળુઓને રૂ.૪૫ લાખની સહાય ચૂકવવામાં આવી.

ગત વર્ષ ૨૦૨૪-૨૫માં શ્રવણ તીર્થ દર્શન યોજનાનો ૧૫,૫૩૭ વરિષ્ઠ નાગરિકોએ લાભ લઈ ૩૨૭ બસોમાં પ્રવાસ કરી વિવિધ તીર્થસ્‍થાનોની યાત્રા કરી. સરકારે તેમને રૂ.૧ કરોડ ૯૭ લાખ ૨૬ હજારની સહાય ચૂકવી, તો સિંધુ દર્શન યોજના હેઠળ ૩૦૦ યાત્રાળુઓને રૂ.૪૫ લાખની સહાય ચૂકવવામાં આવી છે. ગુજરાતી શ્રદ્ધાળુઓની તીર્થયાત્રાની ઈચ્‍છાપૂર્તિમાં ગુજરાત સરકાર મહત્‍વપૂર્ણ યોગદાન આપી રહી છે.

યાત્રાની વધુ માહિતી

માટે સંપર્ક

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (ગુજરાત સરકાર) બ્‍લોક નં. ૨ અને ૩, પ્રથમ માળ, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર - ૩૮ર૦૧૦ મોબાઈલઃ (+૯૧) ૯૯૭૮૪ ૧રર૮૪ ફોનઃ (૦૭૯) ર૩ર૫ર૪પ૯ Email: [email protected] Website: www.yatradham.gujarat.gov.in.

(11:37 AM IST)