તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th April 2025
હુન્ડાઇના પાર્ટસ વેંચતી કંપનીનો સેલ્સ એક્ઝીક્યુટીવ માણાવદરનો દિપક રૂપિયા ૧૯.૫૧ લાખ ખાઇ ગયો
રાજકોટના ગોંડલ રોડ પરની બ્રાંચમાં ૨૦૨૧થી દિપક જવાબદારી સંભાળતો હતોઃ ૬૧ પાર્ટીઓને માલ વેંચી ૧૫ લાખ ઉઘરાવી લીધા પણ કંપનીમાં જમા ન કરાવ્યાઃ બીજા ૪ાા લાખના પાર્ટસ પણ બારોબાર ગાયબ કર્યાનો આરોપ કોન્સેપ્ટ મોબીશ કંપનીના અમદાવાદ બ્રાંચના વાઇસ પ્રેસિડેન્ટ વિવેક ભંડારીએ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ૩૦: શહેરના ગોંડલ રોડ પર આવેલી હુન્ડાઇ ફોરવ્હીલના પાર્ટનું રીટેઇલ વેંચાણ કરતી કોન્સેપ્ટ મોબીશ નામની કંપનીની બ્રાંચના સેલ્સ એક્ઝીક્યુટીવ માણાવદરના વતની યુવાને નોકરીના સમયગાળા દરમિયાન અલગ અલગ ૬૧ પાર્ટીને રૂા. ૧૫,૦૧,૧૧૭ના પાર્ટસ વેંચી તેના થકી મળેલી રકમ કંપનીમાં જમા ન કરાવી તેમજ બીજા ૪,૫૦,૦૦૦ના પાર્ટસ પણ ઓફિસમાંથી ગાયબ હોઇ આ અંગે અમદાવાદ હેડ બ્રાંચને જાણ થતાં તપાસ શરૂ થતાં આ કર્મચારીએ નોકરીએ આવવાનું બંધ કરી દેતાં અને આજ સુધી ૧૯,૫૧,૧૧૭ની રકમ જમા ન કરાવતાં વિશ્વાસઘાત છેતરપીંડીની ફરિયાદ નોંધાવાઇ છે.
આ બનાવમાં ભક્તિનગર પોલીસે અમદાવાદ થલતેજ રોડ અભીપુષ્ય બંગલોઝમાં રહેતાં વિવેકભાઇ અશોકભાઇ ભંડારી (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી જુનાગઢના માણાવદરના દિપક ગોવિંદભાઇ વાળા વિરૂધ્ધ હુન્ડાઇ ફોરવ્હીલના સ્પેર પાર્ટ્સ વેંચતી કંપનીમાં નોકરી વખતે જુદી જુદી પાર્ટીને પાર્ટસ બારોબાર વેંચી દઇ રકમ વસુલી આ રકમ જમા કરાવવાને બદલે ઓળવી જવાનો ગુનો નોંધ્યો છે. વિવેકભાઇ ભંડારીએ જણાવ્યું છે કે હું હુન્ડાઇ ફોરવ્હીલના સ્પેર પાર્ટસનું વેંચાણ કરતી કોન્સેપ્ટ મોબીશ નામની કંપનીમાં વાઇસ પ્રેસીડેન્ટ તરીકે નોકરી કરુ છું. અમારી કોન્સેપ્ટ મોબીશ કંપનીની રાજકોટમાં બે બ્રાંચ છે જેમાં એક આજી જીઆઇડીસીમાં વેરહાઉસ તરીકે છે. જેમાં મેનેજર તરીકે ચેતનભાઇ વ્યાસ નોકરી કરે છે. બીજી બ્રાંચ ગોંડલ રોડ આહ્યા કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ચાર વર્ષથી ખોલવામાં આવી છે.
જેમાં સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે કંપનીતરફથી દિપક વાળાની નિમણુક કરવામાં આવી હતી. આ બ્રાંચ ખાતેથી હુન્ડાઇ કંપનીના સ્પેર પાર્ટસનું રીટેઇલમાં વેંચાણ કરવામાં આવે છે. વિવેકભાઇએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા બાર વર્ષથી અમારી કોન્સેપ્ટ મોબીશન કંપનીનું હુન્ડાઇના ફોરવ્હીલના સ્પેરપાર્ટસનું હોલેસેલમાં વેચાણ કરવા આજી જીઆઇડીસીમાં વેરહાઉસ શરૂ કરવામાં આવ્યું હતું. જ્યાંથી પાર્ટસનું હોલસેલમાં વેંચાણ કરતાં હતાં. ૨૦૨૧થી અમારી કંપનીએ રીટેઇલમાં પાર્ટસ વેંચવા ગોંડલ રોડ આહ્યા કોમ્પલેક્ષમાં ઓફિસ શરૂ કરી હતી. આ ઓફિસનું મેનેજમેન્ટ દિપક વાળાને સોંપાયુ હતું. તેને અહિથી પાર્ટસના વેંચાણની જવાબદારી નિભાવવાની હતી અને જરૂરીયાત મુજબનો સ્ટોક વેર હાઉસમાંથી મેળવવાનો હતો. આ બ્રાંચેથી જે પાર્ટસ વેંચાતા તેનું પેમેન્ટ આવતું તે દિપક વાળા કોન્સેપ્ટ મોબીશ કંપનીના એકાઉન્ટમાં જમા કરાવતો હતો. આ રકમ તે વર્ષ ૨૦૨૧થી જમા કરાવતો હતો. દરમિયાન વર્ષ ૨૦૨૫માં અમદાવાદ મુખ્ય બ્રાંચ ખાતેથી રાજકોટ ગોંડલ રોડ બ્રાંચ ખાતેની ઓફિસનું એકાઉન્ટ સ્ટેટસ મેળવવામાં આવતાં તેમાં દિપક વાળા હસ્તક જુદી જુદી પાર્ટીને માલ વેંચાયો છે પરંતુ તેનું પેમેન્ટ રૂા. ૧૧,૩૦,૭૯૩ જમા થયુ નથી તે પ્રકારનું સ્ટેટમેન્ટ આવ્યું હતું.
આ પછી અમે આજી જીઆઇડીસીનું વેરહાઉસ સંભાળતા મેનેજર ચેતનભાઇ વ્યાસને તપાસ કરવા જણાવતાં ચેતનભાઇએ તપાસ કરી જણાવેલુ કે દિપક વાળાએ જે પાર્ટસ વેંચ્યા છે તેનું પેમેન્ટ આવવાનું બાકી છે અને આ બાબતે દિપક સાથે વાત થઇ છે. એ પછી ઓફિસમાં કામ કરતાં ધરમ મેઘનાથીએ પેમેન્ટ મામલે એક પાર્ટીનો સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે જે તે પાર્ટીએ દિપક વાળાને પેમેન્ટ ચુકવી દીધુ છે, પરંતુ દિપકે કંપનીમાં જમા કરાવ્યું નથી. આથી અમે દિપકને પુછતાં તેણે થોડા દિવસમાં રૂપિયા જમા કરાવી દેશે તેવી ખાત્રી આપી હતી.
અમે જાન્યુઆરી-૨૦૨૫માં દિપક હસ્તકની ઓફિસમાં વેંચાણ થયેલા માલની એન્ટ્રી કોમ્પ્યુટરમાં ચેક કરતાં જે તે પાર્ટીના નામ સામે તેને કેટલા રકમનો માલ વેંચાયો તેની નોંધ હતી. જેમાં અલગ અલગ ૬૨ પાર્ટીઓના નામ અને સામે રકમની નોંધ હતી. જે પાર્ટીને માલ વેંચાયો હતો તેમાં પરેશ મોટર ગેરેજ, શિવ શક્તિ મોટર ગેરેજ, વન સ્ટોપ મોટર ગેરેજ, શ્રીહરિ મોટર્સ, વલભીયા મોટર્સ, રામદેવ મોટર્સ, ડીએનેએ ઓટોમોબાઇલ, વૃંદાવન મોટર્સ, યશપાલસિંહ જાડેજા, બાલાજી મલ્ટી બ્રાન્ડ કાર વર્કશોપ, ખોડિયાર કૃપા, વીએમ મોટર્સ, બાબા મોટર, કામેશ્વર મોટર ગેરેજ, વન સ્ટોપ કાર કેર, શીવ મોટર્સ એન્ડ સર્વિસ, ધ્યાની મોટર્સ, નેવીલ્સ મોટર્સ, પરમાર મોટર્સ, ભોલેનાથ મોટર્સ, રામાણી મોટર્સ, શુલભ મોટર્સ ગેરેજ, કાર પોઇન્ટ સર્વિસ સેન્ટર, વીએસ મોટર્સ, રાજ મોટર્સ, ભવનાથ મોટર, ગેલેક્સી મોટર, રોનક મોટર, રાોડ મોટર, સોૈરાષ્ટ્ર મોટર્સ, ગુરૂકૃપા મોટર્સ, કામનાથ મોટર્સ, વૃજ મોટર્સ, રાજવીર મોટર્સ, આરકે મોટર્સ, ધ્યાની મોટર્સ સર્વિસ, જય રામદેવ કાર, શ્રીકૈલાસ ઓટો પાર્ટ, વિરાટ એન્ટરપ્રાઇઝ, ગેલાભાઇ ઉલેટીયા, પ્રીતિ ઓટો પાર્ટ, આશિષ દાધાનીયા, ગણેશ ઓટો પાર્ટ, ગણેશ ઓટોમોબાઇલ, જયસુખભાઇ, શિવમ્ મોટર્સ, રાજુભાઇ માકડીયા, ચિરાગભાઇ, મોૈલિકભાઇ સાપરીયા, અરવિંદભાઇ પરમાર, વાઘેલા સિધ્ધાર્થભાઇ, હીમાશુંભાઇ કટારીયા, શ્રીહરિ ઓટો મોબાઇલ, માર્શલ ઓટો મોબાઇલ, અંકુર ઓટો, ચોૈધરી ઓટો પાર્ટ, વિશ્વકર્મા મિકેનીકલ વર્ક, શ્રીનાથજી ઓટો, સહારા ઓટો પાર્ટ એસેસરીઝ અને એમ્કો ડીઝલના નામો હતાં.
આ તમામ ૬૧ પાર્ટીઓને કુલ રૂા. ૧૫,૦૧,૧૧૭ના કારના પાર્ટ્સ દિપક વાળાએ વેંચ્યા હતાં. ચેતનભાઇને અમે આ પાર્ટીઓનો સંપર્ક કરી પેમેન્ટ ઉઘરાવવાનું કહેતાં ચેતનભાઇએ આ તમામ પાર્ટીઓનો સંપર્ક કરી જે તે પેમન્ટની રકમની ઉઘરાણી કરતાં તમામે કહેલુ કે અમે દીપકભાઇને રોકડેથી અથવા ઓનલાઇન પેમેન્ટ મોકલી દીધુ છે. બીજી તરફ દિપક વાળાએ ઓફિસે આવવાનું બંધ કરી દીધુ હતું. આ પછી અમે અમદાવાદની ટીમને રાજકોટ ઓફિસ ખાતે ઓડિટ કરવા મોકલી હતી. જેની તપાસમાં જાણવા મળેલુ કે જે પાર્ટીના બીલ હતાં તે સિવાયના પણ રૂા. ૪,૫૦,૦૦૦ના બીજા સ્પેરપાર્ટસ મળી આવ્યા નહોતાં. અમે આથી પોલીસને અરજી કરી હતી. આજ સુધી દિપકે કંપનીમાં રૂા. ૧૯,૫૧,૧૧૭ જમા કરાવ્યા ન હોઇ દિપક વાળાએ વિશ્વાસઘાત છેતરપીંડી કરી હોવાનું જણાતાં અંતે અમારે ફરિયાદ નોંધાવી પડી હતી. તેમ વધુમાં વિવેકભાઇ ભંડારીએ જણાવતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ જે. જે. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:06 PM IST)










