<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

મર્ડરના ગુન્‍હાનો આરોપી ઓળખ છૂપાવી ર૭ વર્ષથી સાધુ બનીને રહેતો'તો!

વચગાળાના જામીન ઉપર છૂટી ફરાર આરોપીને લગ્ન પ્રસંગમાં આવેલ ફોટાને આધારે નવસારી એલસીબીના પીઆઇ વી. જે. જાડેજા તથા ટીમે દબોચી લીધો

રાજકોટ તા. ર૯ :.. ગણદેવી પો.સ્‍ટે.વિસ્‍તારમાં થયેલ ચકચારી મર્ડરના ગુનામાં સને ૧૯૯૮ (૨૭ વર્ષ) થી વચગાળા જામીન પરથી ફરાર થઈને પોતાની ઓળખ છુપાવી સાધુ થઈ ગયેલ આરોપીને પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતેથી નવસારી એલસીબી ટીમે ઝડપી લીધો હતો.

પેરોલ ફર્લો વચગાળાના જામીન પોલીસ જાપ્તામાંથી તેમજ જેલ ફરાર આરોપીઓને પકડવા  પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવિર સિંગ  સુરત વિભાગ, સુરત તેમજ  સુશિલ અગ્રવાલ, આઇપીએસ, પોલીસ અધિક્ષક, નવસારીએ જરુરી એક્‍શન પ્‍લાન તૈયાર કરાવી તે દીશામાં અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ જે અનુસંધાને  વી.જે.જાડેજા, પોલીસ ઇન્‍સ્‍પેકટર, એલ.સી.બી.નવસારી  પીઆઇ એસ.વી.આહિર, પીએસઆઇ આર.એસ.ગોહિલ, પીઆઇ ડી.એમ.રાઠોડ તેમજ પીએસઆઇ વાય.જી.ગઢવી નાઓને સુચના આપેલ જે અન્‍વયે પીઆઇ ડી.એમ.રાઠોડ, એ.એસ.આઇ.સુનિલસિંહ દેવીસિંહ, પો.કો.સંદિપભાઈ પીઠાભાઈ તથા પો.કો.અર્જુન પ્રભાકરભાઈ નાઓએ ટીમ બનાવી ચોક્કસ દીશામાં વર્ક-આઉટ હાથ કરેલ દરમ્‍યાન ટેકનિકલ સર્વેલન્‍સ તેમજ હ્યુમન ઈન્‍ટેલીજન્‍સના આધારે શંખેશ્વર પાટણ ખાતેથી ગણદેવી પોસ્‍ટે ફ.ગુ.ર.નં.૩૧/૧૯૯૮ ઈ.પી.કો.કલમ ૩૦૨, ૨૦૧ વિગેરે મુજબના કામનો વચગાળાના જામીન પરથી ફરાર આરોપી પ્રવિણ ઉર્ફે પ્રભુદાસ ચેતનદાસ સાધુ ઉ.વ-૬૧ રહે.જયેશ્વર મહાદેવ મંદિર, વિરપુર જી.મહિસાગર નાઓને પકડી પાડેલ છે.

આ ખુનનો ગુનો સને ૧૯૯૮ ના વર્ષનો હોય ખુબજ જુનો હોય આરોપીનો ફોટો મળેલ નહી અને જેલના રેકોર્ડમાં પણ આરોપીનો ફોટો મળેલ નથી સદર વર્ક-આઉટ દરમ્‍યાન જાણવા મળેલ કે, આરોપી પ્રભુદાસ સને ૧૯૯૬ ના વર્ષમાં મહુવાના કરચલીયા ખાતે એક લગ્ન પ્રસંગમાં આવેલ હતો તેવી માહીતીના આધારે જેના ઘરે લગ્ન હતા તેનો સંપર્ક કરેલ અને તેમણે પણ જણાવેલ કે પોતાના લગ્નમાં આવેલ પોતાના લગ્નની વી.સી.આર. કેસેટ તેમની પાસે હોય આ વી.સી.આર. કેસેટ માંથી વિડીયો બનાવી તેને વારંવાર જોય આરોપી પ્રભુદાસ નો સને ૧૯૯૬ નો ફોટો મળેલ ત્‍યારબાદ ટેકનિકલ સર્વેલન્‍સ અને હ્યુમન ઇન્‍ટેલિજન્‍સના આધારે માહીતી મળેલ કે, જુલાઈ ૨૦૨૪ માં એક સબંધીના ઘરે આરોપી પ્રભુદાસ સાધુના વેસમાં થોડો સમય હાજરી આપી ત્‍યાંથી ચાલ્‍યા ગયેલ અને મહિસાગર જિલ્લના કોઈ ગામમાં મહાદેવના મંદીરમાં પુજારીનુ કામ કરે છે વિગેરે મુજબની માહીતી મળતા મહિસાગર જિલ્લામાં આવેલ તમામ મહાદેવજીના મંદીર ચેક કરવામાં આવેલ અને વરેઠા ગામમાં આવેલ જયેશ્વર મહાદેવ મંદિરમાં પુજારીનુ કામ કરતા હોય તેવી માહીતી મળેલ.

જેથી ત્‍યા ચેક કરતા હાજર મળેલ નહી તેવી માહીતી મળેલ કે આ મંદીરમાં પુજારીનુ કામ કરતા સાધુ છેલ્લા ઘણા સમયથી પાટણ શંખેશ્વરમાં બાજુ ગયેલ છે વિગેરે મહીતી મળતા પી.આઇ. ડી.એમ.રાઠોડ, એ.એસ.આઇ.સુનિલસિંહ દેવીસિંહ, પો.કો.સંદિપભાઈ પીઠાભાઈ તથા પો.કો.અર્જુન પ્રભાકરભાઈ નાઓએ સાધુના વેસમાં વેશ-પલટા કરી એક અઠવાડીયા સુધી પાટણના અલગ-અલગ મંદીરો ફરી શંખેશ્વર મોમાઈ માતાના મંદીર ખાતેથી આરોપી પ્રભુદાસ ઉર્ફે પ્રવિણ ચેતનદાસ સાધુની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. 

મજકુર આરોપી વચગાળાના જામીન પરથી છુટી પોતાની ધરપકડથી બચવા શારૂ ગુજરાત તેમજ મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાન, ઉત્તરપ્રદેશ, બિહાર જેવા અલગ-અલગ રાજ્‍યોમાં મંદીર તેમજ આશ્રમોમા આશ્રય મેળવેલ અને છેલ્લા ૧૦ વર્ષથી મહિસાગર જિલ્લાના વરેઠા ગામમાં આવેલ જયેશ્વર મહાદેવ મંદિરમાં સાધુ બની પુજારીનુ કામ કરતો આવેલ વિગેરે મુજબની હકિકત જણાવે છે.

મજકુર આરોપીએ ગઈ તા.૦૪/૦૪/૧૯૯૮ ના રોજ ગણદેવી વિસ્‍તારમાં આવેલ ગડતની ખેતરની વાડીમાં પોતાના સાથી પરેશને માથાના ભાગે કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દિધો હતો. બાદમાં પકડાઇ જતા વચગાળાના જામીન ઉપર છૂટી ફરાર થઇ ગયો હતો.

(2:02 PM IST)