News of Wednesday, 30th April 2025
અક્ષય તૃતિયાના દિવસે જ સબ રજીસ્ટ્રાર કચેરીમાં કનેકટીવીટી ખોરંભાઇઃ કલાકો સુધી ધોમધખતા તાપમાં કામગીરી અટકી
દસ્તાવેજ કરનારાઓ-વકીલોમાં પ્રચંડ રોષઃ ડી.એચ. કોલેજ ખાતે ઘટના... : સ્થિતી વણસતા તાકિદે તમામને જીલ્લા નોંધણી ભવન જવા કહેવાયું: પરંતુ ત્યાં પણ સર્વરમાં મોટા લોચા

રાજકોટ, તા. ૩૦: આજે અક્ષય તળતીયાના શુભ દિવસે મોટી સંખ્યામાં લોકો પોતાની પ્રોપર્ટીના દસ્તાવેજોની નોંધણી કરાવવા માટે ઉમટી પડ્યા હતા. જો કે, શહેરની ડીએચ કોલેજ ખાતે આવેલી રજીસ્ટ્રાર કચેરીમાં બીએસએનએલની કનેક્ટિવિટી ન મળતા ભારે હોબાળો થયો હતો. કનેક્ટિવિટીના અભાવે દસ્તાવેજની પ્રક્રિયા અટકી પડતા વકીલો અને અરજદારોએ ભારે રોષ ફાટી નીકળ્યો છે, એડી કલેકટર તથા કલેકટરને ફરીયાદો કરાઇ છે.
દરમ્યાન સ્થિતિ વણસતી જોઈને તાત્કાલિક ધોરણે અરજદારોને જિલ્લા ભવન નોંધણી કચેરી ખાતે જવા કહેવાયું હતું. પરંતુ અહીં જુની કલેકટર કચેરી ખાતે પણ સર્વર ધીમું હોવાના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. એક તરફ ડીએચ કોલેજથી જિલ્લા ભવન સુધી અરજદારોના ધસારાને કારણે જામના દ્રશ્યો સર્જાયા હતા, તો બીજી તરફ જિલ્લા ભવન ખાતે પણ સર્વરની ગતિ ધીમી હોવાથી દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ખૂબ જ ધીમી પડી ગઈ હતી.
સર્વરની સમસ્યાના કારણે અનેક અરજદારો કલાકો સુધી રાહ જોવા માટે મજબૂર બન્યા હતા અને તેઓએ ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. અક્ષય તળતીયા જેવા શુભ દિવસે પણ તંત્રની બેદરકારીના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે તે અંગે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ ઘટનાને કારણે પ્રોપર્ટીની નોંધણી કરાવવા આવેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
એક વિગત મુજબ આજે રાજકોટના તમામ આઠેય ઝોનમાં ફલોર હાઉસફુલ હતા, કનેકટીવીટી ખોરંભાતા બપોરે રાા વાગ્યા સુધી ૩૦૦ થી ૪૦૦ દસ્તાવેજો અટકયાનું બહાર આવ્યું છે.
(2:45 PM IST)










