<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

કાશ્‍મીર સમસ્‍યા... નાસુર બની ચુકેલી વાસ્‍તવિકતા

રાજા હરિસિંહ પોતાના રાજયને સ્‍વતંત્ર રાખવા ઇચ્‍છતા હતા : વિલીનીકરણ સમયની ફલેશબેક કહાની

રાજકોટ, તા., ૩૦: વર્તમાન સમયમાં કાશ્‍મીરના પહલગાવમાં થયેલા નિર્દોષ પર્યટકોના અમાનુષી, ધૃણાસ્‍પદ હત્‍યાકાંડ બાદ દેશમાં લોકોથી લઇ રાજનેતાઓ સુધી એકમાત્ર હોટ ટોપીક આજ મુદ્‌ો છે. સાવ સ્‍વાભાવિક પણ છે. કારણ કે નિરૂત્‍સાહી અને નમાલી પ્રજા જો હોય તો કોઇપણ દેશ વધુ સમય સુરક્ષિત રહેતો નથી, તે ઇતિહાસનું નિર્વિવાદ સત્‍ય છે. બીજુ ઐતિહાસિક સફર સત્‍ય તે પણ છે કે જે પ્રજા ભુતકાળમાંથી બોધપાઠ લેતી નથી તેનું કોઇ ભવિષ્‍ય પણ હોતુ નથી. આ પ્રસંગે કાશ્‍મીરના ભારતીય સંઘમાં વિલીનીકરણ સમયની ઓછી જાણીતી હકિકતો આ પ્રમાણે છે.

(૧) રાજયોના પ્રશ્નોમાં જે રાજયો સ્‍વતંત્ર રહેવા માગતા હતા તેમાં ઝીણા માટે વધુ અગત્‍યનો પ્રશ્ન કાશ્‍મીરનો હતો. કાશ્‍મીરના શાસક રાજા હરિસિંહ હિન્‍દુ હતા, જયારે તેમના રાજયની બહુમતી પ્રજા મુસ્‍લિમ હતી. આ મુસ્‍લિમો કોંગ્રેસના અને ખાસ કરીને જવાહરલાલ નહેરુના મિત્ર એવા શેખ અબ્‍દુલ્લાની આગેવાનીમાં ભારત સાથે જોડાણનું આંદોલન કરી રહયા હતા. નિઝામની જેમ જ હરિસિંહ પણ પોતાના રાજયને સ્‍વતંત્ર રાખવા માગતા હતા. કાશ્‍મીર પાકિસ્‍તાનમાં જોડાય તેમ માઉન્‍ટબેટન ઇચ્‍છતા હતા. હરિસિંહને આવી સલાહ આપવા માઉન્‍ટબેટને શ્રીનગરનો પ્રવાસ કરેલો, પરંતુ હરિસિંહ તેમની વાત કાને ધરી ન હતી.

(૨) હરિસિંહના રાજયનો દિવાન રામચંદ્ર કાકે પોતે એક અંગ્રેજ સ્‍ત્રી સાથે લગ્ન કરેલા, અને પોતાની પત્‍નિની અસર નિચે રામચંદ્ર કાક પાકિસ્‍તાન તરફી વલણ ધરાવતો.

પરંતુ આ પોતાના દિવાનની કાવત્રાબાજીનો  ખ્‍યાલ આવી જતા રાજા હરિસિંહે તેને હોદા ઉપરથી દુર કરી તેની જગ્‍યાએ પંજાબ હાઇકોર્ટના ન્‍યાયમુર્તિ મહેરચંદ મહાજન જેમનું વલણ ભારત તરફી હતુ, તેમની પસંદગી કરી મહેરચંદ મહાજનની વરણીથી ચોકી ઉઠેલા ઝીણાએ પોતાની નાદુરસ્‍ત તબીયતના બહાના નિચે પોતે અંગત રીતે કાશ્‍મીરની પરિસ્‍થિતી જાણવા અને સમજવા કાશ્‍મીરમાં હવાફેર માટે થોડુ રોકાણ કરવાની ઇચ્‍છા વિશેષ દુત મારફતે હરિસિંહે અને મહેરચંદ મહાજન સુધી પહોંચતી કરી.

પરંતુ આ ચાલાકી અને કપટભરેલી વિનંતી પાછળનો ખરો અને સાચો મર્મ સમયસર પારળી જઇ હરિસિંહ અને તેમના નવનિયુકત દિવાન મહેરચંદ મહાજને યુત્‍સહીગીરી અને ચાલાકીથી ‘‘ટુંકા ગાળામાં આવી અને આટલી વ્‍યવસ્‍થા થવી મુશ્‍કેલ હોય યોગ્‍ય સમયે નિમંત્રણ આપશું.'' એવા જવાબના શબ્‍દો મીઠાસસભર અને વિવેકપૂર્ણ હોવા છતાં તેનો અર્થ સાફ હતો કે હરિસિંહ ઝીણા નામની બલાને કાશ્‍મીરમાં પ્રવેશ આપવા તૈયાર નહોતા.

વિભાજન બાદ હિન્‍દુસ્‍તાની લશ્‍કર બે ભાગમાં વિભાજીત થઇ ચુકયું હતું. પાકિસ્‍તાની લશ્‍કર માટે બ્રિટીશ સેનાપતિપદે જનરલ મેસરવીની પસંદગી થઇ. જનરલ મેસરવીને બોલાવી ઝીણાએ કાશ્‍મીરની મુસ્‍લિમ પ્રજા ઉપર અત્‍યાચાર થતા હોવાની ખોટી અને ભ્રામક રજુઆત કરી તત્‍કાળ કાશ્‍મીર ઉપર આક્રમણ કરવાની ઇચ્‍છા વ્‍યકત કરતા જ જનરલ મેસરવી ભડકી ઉઠયા તેમણે વાસ્‍તવિકતા સમજાવતા ઝીણાને કહયું કે ‘‘સ્‍વતંત્ર કાશ્‍મીરમાં પાકિસ્‍તાની આક્રમણનો સીધો અર્થ એ થશે કે કાશ્‍મીરના મહારાજા હરિસિંહ પોતે ભારતની મદદ માંગવા મજબુર થઇ જશે. અને તે સંજોગોંમાં આ યુધ્‍ધ કાશ્‍મીર અને પાકિસ્‍તાન વચ્‍ચે નહી, પરંતુ ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે ચાલુ થઇ જશે, અને આવા સંજોગોમાં હું બ્રિટીશ સિંધ્‍ધાત મુજબ નિવૃત થઇ જઇશ.'' જનરલ મેસરવીની આવી સ્‍પષ્‍ટ વાત સાંભળ્‍યા પછી ઝીણાએ નવી શતરંજ વિચારવા માટે નવેસરથી વિકલ્‍પો શોધવા માંડયા.

ઝીણાએ કહેલી વાતની ગંભીરતા સમજી જનરલ મેસરવીએ વડાપ્રધાન લીયાકઅલીના ધ્‍યાનમાં આ ગંભીરતા લાવવાનું નકકી કર્યું. આ મામલાથી માહીતગાર થયા બાદ લીયાકતને લાગ્‍યુ કે સતાવાર રીતે હિન્‍દુસ્‍તાન સાથે યુધ્‍ધ જાહેર કરવાથી ઉંધુ વેતરાઇ જાય અને નવજાત પાકિસ્‍તાનનું રાષ્‍ટ્ર તરીકે વજુદ જોખમમાં આવી પડે તેમ પણ બને. તેથી તેણે નીખાલસપણે જનરલ મેસરવીને જણાવ્‍યું કે, આમ જુઓ તો હાલમાં અમારા પાકિસ્‍તાન માટે ગર્વનર જનરલ ઝીણા પોતે જ ખુદ મોટી સમસ્‍યા બની ગયા છે, અને રાષ્‍ટ્રની નવરચનામાં વિઘ્‍નો ઉભા કરવા સિવાય તેમની કોઇ ભુમિકા હવે બચી નથી''

જનરલ મેસરવીએ ઝીણાની યોજના ઉપર ઠંડુ પાણી રેડી દીધા પછી ઝીણાએ લિયાકત સાથે ખાનગી મિટીંગ ગોઠવી ત્‍યારે કાશ્‍મીરમાં જે કંઇ ઉપયોગી પુરવઠો જતો તે પાકિસ્‍તાનના રસ્‍તે જતો હતો. પેટ્રોલ, અનાજ, કેરોસીન, કાપડ જેવી બધી જ અગત્‍યની વસ્‍તુઓ કાં તો પાકિસ્‍તાન દ્વારા અથવા તો હિંન્‍દુસ્‍તાનમાંથી ખરીદી થઇ ટ્રકો મારફતે કાશ્‍મીર પહોંચતી. આ જીવનજરૂરી વસ્‍તુઓ સમયસર કાશ્‍મીરમાં ન પહોંચાડી શકાય તો ત્‍યાં ભારે અંધાધુધી ફેલાય જાય અને ત્‍યાંની પ્રજાના અસંતોષનો લાભ લઇ સ્‍થાનીક લોકોને રાજા હરિસિંહ અને તેમના તંત્ર સામે ઉશ્‍કેરી શકાય તે વાત ધ્‍યાનમાં લઇને ઝીણા અને લીયાકત બંનેએ તાબડતોબ ચોકીઓ ઉપર સામાન લઇ જતા ટ્રકોને અટકાવી દેવાની સુચનાઓ આપવા માંડી.

પરંતુ આ માત્ર કાશ્‍મીરને ગુંગળાવી નાખવાની ચાલ હતી. છતા રાજા હરિસિંહ કયાંક નિર્ણય લઇ કાશ્‍મીરના વિલીનીકરણના દસ્‍તાવેજ ઉપર ભારતની તરફેણમાં સહી સિક્કા કરી બેસે તો ખેલ ખત્‍મ જ થઇ જાય તે બધા સમજતા હતા. આ તત્‍કાલ ઉભી કરાયેલી અછતની પરિસ્‍થિતિમાંથી કાશ્‍મીર રસ્‍તો શોધી લે તે પહેલા લીયાકત અલીએ પોતાના અત્‍યંત વિશ્વાસુ સાથીઓ જેમાં કર્નલ અકબરખાન અને મેજર ખુરશીદ અન્‍વરને બોલાવ્‍યા. મેજર ખુરશીદની ભાંગફોડ, લુંટફાટ અને સંબોટેજ કરવાની લાયકાત ઉપરાંત કર્નલ અકબરખાન બ્રિટનની સ્‍નેન્‍ડહર્સ્‍ટ લશ્‍કરી કોલેજનો ખાસ પ્રકારની ભાંગફોડ અને ત્રાસવાદનો નિષ્‍ણાંત હતો.

સરહદ પ્રાંતમાં ત્‍યારે સ્‍થાનીક તાયફાવાળા તરીકે ઓળખાતા લોકોને વ્‍યવસ્‍થીત ખોટો પ્રચાર કરીને રાજા હરીસિંહ અને તેના કાશ્‍મીર રાજય વિરૂધ્‍ધ ભડકાવી તૈયાર કરવામાં આવ્‍યા. આ તાયફાવાળા તરીકે ઓળખાતા અશિક્ષીત અને ચુસ્‍ત ધાર્મિક તથા અવિચારી લોકોના સમુહોને જેહાદ ઉપરાંત મુખ્‍ય આકર્ષણ હંમેશા લુંટફાટ જ રહેતું. લુંટફાટ તેમનો શોખ અને વ્‍યવસાય બંને હતા. આ લોકોને લુંટની લાલચ અને જેહાદના નામે કાશ્‍મીર ઉપર હુમલો કરવા કર્નલ અકબરખાન અને મેજર ખુરશીદે તૈયાર કરી દીધા.

મીણાને મોકો મળી ગયો. નવસર્જીત પાકિસ્‍તાનના બ્રિટીશ સેનાપતી મેસરવી લંડન જવા રવાના થા. સામેના સંજોગોમાં કાશ્‍મીરમાં જીવન જરૂરી પુરવઠાના ટ્રકો રોકી રખાતા ત્‍યાં અંધાધુંધી અને અછત ઉભી થતા રાજા હરિસિંહ આ પગલાને અકારણ દુશ્‍મનાવટભર્યુ જણાવી પોતે આ પુરવઠો અન્‍ય માર્ગે મેળવી લેશે અને પાકિસ્‍તાને કાશ્‍મીર સાથે શત્રુતાપુર્ણ વ્‍યવહાર કર્યો છે તે માની આગળના પગલા ભરવામાં આવશે તેમ જાહેર કર્યુ.ર૩ ઓકટોબર ૧૯૪૭ની મધ્‍યરાત્રીએ સેંકડોની સંખ્‍યામાં પાકિસ્‍તાની સરહદ ઓળંગીને તાયફાવાળા કાશ્‍મીરમાં ઘુસી ગયા. ટ્રકો અને જીપોમાં તેમની સાથે શષાો અને બીજો પુરવઠો હતો. રાત્રીના અંધકારમાં માર્ગમાં આવતા પાંખી વસ્‍તીવાળા ગામડાઓમાં હત્‍યા અને હિંસા ફેલાવતા, આગ ચાંપતા કાશ્‍મીર રાજયની પહેલી ચોકી પાસે પહોંચી ગયા.

કાશ્‍મીર રાજયની પાકિસ્‍તાન સરહદે આવેલી પહેલી ચોકીમાં કર્નલ નારાયણસિંહ નામના નાયકની આગેવાની નીચે ચારસો સૈનિકોનું એક જુથ રાખવામાં આવ્‍યું હતું. આ સૈનિકો પુરેપુરા કસાયેલા હતા અને મહારાજ હરિસિંહે તેમને પાકિસ્‍તાન સરહદ ઉપરની આ સૌથી સંવેદનશીલ પોસ્‍ટ ઉપર ગોઠવ્‍યા હતા. પરંતુ આ સૈનિકોએ પોતાના નાયક નારાયણસિંહની હત્‍યા કરી નાખી અને તાયફાવાળાઓને કાશ્‍મીરમાં ઘુસાડી દીધા ત્‍યાર બાદ છેક બારામુલ્લા સુધી કયાંય, કોઇ સામનો થાય તેમ ન હતું. (ક્રમશઃ)

આલેખન, સંકલન

આશિષ યોગેન્‍દ્ર દવે

રાજકોટ.

(2:59 PM IST)