તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th April 2025
એનસીપી (શરદ પવાર) ફરી મેદાને, લોકપ્રશ્ને લડત આદરશે
ભાજપ સરકાર નિષ્ફળ, દુર્ઘટનાઓની હારમાળા અને યોજનાઓની અમલવારીમાં ભયંકર ભ્રષ્ટાચાર આરટીઇમાં એડમીશન આપનારા વિદ્યાર્થીઓને અલગ બેસાડવામાં આવે છે, આ મામલે શાળાઓમાં જઇ રેડ પાડશે

રાજકોટઃ શરદ પવારનો પક્ષ એનસીપીગુજરાતમાં ફરી મેદાનમાં આવ્યો છે. આજે રાજકોટમાં સરકીટ હાઉસ ખાતે હોદ્દેદારોની મીટીંગ મળી રહી છે ત્યારે એનસીપીના હોદ્દેદારો, અકિલા કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા અને વિગતો વર્ણવી હતી.
એનસીપીના પ્રદેશ પ્રમુખ ચંદુભાઇ વઘાસીયા, કાર્યકારી પ્રમુખ ડો. જગદીશચંદ્ર દાફડા, પ્રદેશ મહામંત્રી અશ્વિન ભીમાણી અને સેવાદળના પ્રમુખ નરસિંહભાઇ થોરીયાએ જણાવેલ કે ભાજપ શાસન તદ્દન નિષ્ફળ ગયું છે. કાયદો વ્યવસ્થાના ઘજાગરા, દુર્ધટનાઓની હારમાળા જેવી કે ટીઆરપી કાંડ, ડીસા ફેકટરીમાં આગ, અમદાવાદમાં રહેણાંક વિસ્તારમાં ગેસ ગોડાઉનમાં મોત, ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેવાય યોજનામાં ભ્રષ્ટાચાર ઉપરાંત મોરબી કાંડ સહિત અનેક કાંડો થયા છે.
તો તાજેતરમાં રાજકોટમાં બીઆરટીએસ અકસ્માતમાં મૃતકોને અધુરી સહાય એ સરકારની અસંવેદનશીલતાનું શું ? ઉપરાંત જે શાળાઓમાં આરટીઆઇના એડમીશન આપવામાં આવે છે એ વિદ્યાર્થીઓને શાળામાં અલગ બેસાડવામાં આવે છે. એવી ફરિયાદો ઉઠી છે એ શાળાઓમાં જઇ રેડ પાડવામાં આવશે.
એનસીપીના આગેવાનો ચંદુભાઇ વઘાસીયા, ડો. જગદીશચંદ્ર દાફડા, હરીકૃષ્ણ જોશી, અશ્વિન ભીમાણી, નરસિંહભાઇ થોરીયા, સાગર ગઢવી અને સંજય ગઢવીએ જણાવેલ કે એનસીપી(એસપી) ગુજરાત પ્રદેશ આથી પોતાના સંગઠનને વધુ મજબૂત કરવા અને પ્રજાના વિશ્વાસને જીતવા તેમજ ગુજરાતની ભાજપની નિષ્ફળ સરકારની સામે, પ્રજા માટે લડત કરવા આગામી સમયમાં દરેક વિભાગ ય ઝોન વાઇસ પોતાના કાર્યક્રમો જાહેર કરશે, જેમાં આજરોજ રાજકોટ ખાતે ત્યારબાદ સુરત, અમદાવાદ સહિત ઝોનવાઇઝ મીટીંગ મળશે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે એનસીપી (શરદપવાર) ના આગેવાનો સર્વ શ્રી ચંદુભાઇ વઘાસીયા, ડો. જગદીશચંદ્ર દાફડા, અશ્વિન ભીમાણી, નરસિંહભાઇ થોરીયા નજરે પડે છે.
(3:03 PM IST)










