News of Wednesday, 30th April 2025
૧૮૧ ફલેટ સામે ર૬૦૦ અરજી પણ મનપાને ઓછી લાગી ! મુદત વધારી
LIG-EWS ના ખાલી આવાસો ભરવા કવાયત છેલ્લી મુદત હવે ૧પ મે સુધી લંબાવવામાં આવી : ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

રાજકોટ, તા., ૩૦: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ અને ખાલી પડેલ LIG કેટેગરીના ૧૩૭ આવાસો તથા EWS-2 કેટેગરીના ૪૪ આવાસો માટે ફોર્મ ભરાવાની મુદ્દતમાં ૧પ દિ'નો વધારો કરતા હવે છેલ્લી મુદત તા.૧૫ મે સુધી લંબાવાની જાહેરાત મનપાના પદાધિકારીઓને કરવામાં આવી હતી.
આ અંગે મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીન ઠાકર, ઇ.ચા. મ્યુનિસિપલ કમિશનરશ્રી પ્રભવ જોષી, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડકશ્રી મનીષભાઈ રાડીયા અને હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેન તરીકે નિતિનભાઈ રામાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ અને ખાલી પડેલ, શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ LIG કેટેગરીના ૧૩૭ આવાસો તથા EWS-2 કેટેગરીના ૪૪ આવાસો માટે ફોર્મ તા.૦૨એપ્રિલ થી તા.૧ મે સુધી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર જઇ ઓનલાઇન ભરવાના ચાલુ છે. બન્ને યોજના LIG કેટેગરીના તથા EWS -2 કેટેગરીના ફોર્મ ભરવાની મુદત તારીખ ૧૫ સુધી લંબાવામાં આવેલ છે. જે સર્વે સંબંધીતે નોંધ લેવા વિનંતી.
ઓનલાઇન ફોર્મ ફી રૂા. ૫૦ રહેશે તેમજ નિયમાનુસાર ડિપોઝીટ ભરપાઇ કરવાની રહેશે. ફોર્મ તેમજ ફોર્મની ફી અને ડીપોઝીટ ભરવાની સમગ્ર પ્રક્રિયા ફકત અને ફકત ઓનલાઇન જ રહેશે.
LIG કેટેગરીના આવાસોની વિગત નીચે મુજબ છે ૦૨ BHK, ક્ષેત્રફળ ૫૦ ચો.મીટર, આવાસની કિંમત રૂ. ૧૨ લાખ, વાર્ષિક આવકમર્યાદા રૂ. ૩ થી ૬.૦૦ લાખ, ડિપોઝીટ રૂ. ૨૦,૦૦૦
EWS-2 કેટેગરીના આવાસોની વિગત નીચે મુજબ છે.
૧.૫ BHK, ક્ષેત્રફળ ૪૦ ચો. મીટર, આવાસની કિંમત રૂા. ૫.૫૦ લાખ, વાર્ષિક આવકમર્યાદા રૂ. ૩ લાખ, ડિપોઝીટ રૂા. ૧૦,૦૦૦/
(4:05 PM IST)










