News of Thursday, 1st May 2025
લગ્નમાંથી પરત આવી રહેલું દંપતિ હિટ એન્ડ રનમાં ખંડિતઃ પતિ વાલજીભાઇ ચાવડાનું મોત
મોરબીના પતિ-પત્નિ નાની પાનેલીથી રાતે પરત આવતાં હતાં ત્યારે જાંબુડીયા પાસે રોંગ સાઇડમાં આવેલો કારચાલક બાઇકને ઉલાળીને ભાગી ગયોઃ સારવાર દરમિયાન રાજકોટમાં પતિએ દમ તોડયોઃ પત્નિ ગીતાબેન સારવાર હેઠળ

રાજકોટ તા. ૧: વાંકાનેરના લાલપર અને રફાળીયા વચ્ચે હિટ એન્ડ રનના બનાવમાં મોરબીનું દંપતિ ખંડીત થઇ ગયું છે. લગ્નપ્રસંગમાંથી આવતી વખતે અજાણ્યો વાહનચાલક ટુવ્હીલરને ઉલાળીને ભાગી જતાં પતિ-પત્નિ બંનેને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. જેમાં પતિનું મોત નિપજ્યું છે અને પત્નિ સારવાર હેઠળ છે.
જાણવા મળ્યા મુજબ મોરબી રહેતાં વાલજીભાઇ રણછોડભાઇ ચાવડા (ઉ.વ.૫૮) ગઇકાલે પોતાના બાઇકમાં પત્નિ ગીતાબેન (ઉ.વ.૫૦)ને બેસાડીને મોરબીના નાની પાનેલી ગામે લગ્નપ્રસંગમાં ગયા હતાં. પ્રસંગ પુરો કરી રાતે બે વાગ્યે બંને પરત મોરબી પોતાના ઘરે જઇ રહ્યા હતાં ત્યારે મોરબીના જાંબુડીયા ગામ નજીક લાલપર રફાળીયા વચ્ચેના રોડ પર પહોંચ્યા તે વખતે અજાણ્યો કારનો ચાલક રોંગ સાઇડમાં આવી બાઇકને ઠોકરે લઇ ભાગી ગયો હતો. પતિ-પત્નિ બંને ફેંકાઇ જતાં ગંભીર ઇજાઓ થતાં મોરબી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી રાજકોટ સિવિલમાં અને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સવારે પતિ વાલજીભાઇ ચાવડાએ દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. દોશી હોસ્પિટલ મારફત બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના એએસઆઇ હર્ષદભાઇએ જરૂરી કાર્યવાહી કરી કાગળો મોરબી તાલુકા પોલીસને મોકલવા તજવીજ હાથ ધરી હતી.
(2:31 PM IST)










