<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

પોપટપરાના બે ભાઇઓ અમિત, સુનિલના પગ ભાંગી નાંખ્‍યાઃ સોનાના ચેઇનની લૂંટ

માસીયાઇ ભાઇના લગ્નમાં હાજરી આપી કુવાડવથી પરત આવતાં હતાં ત્‍યારે બેડી ચોકડી મઢુલી હોટલ નજીક બનાવ : રાતે અઢી વાગ્‍યે બંને ભાઇ લઘુશંકા કરવા ઉભા રહ્યા ત્‍યારે ટુવ્‍હીલર પર આવેલા જાવલો, લખન, અશ્વીને પૈસા માંગ્‍યાઃ ના પાડતાં પાઇપથી તૂટી પડી સાડા ત્રણ તોલાનો ચેઇન લૂંટી ગયાનું કથનઃ પિતા કિશોરભાઇ સોલંકીને જાણ થતાં બંનેને હોસ્‍પિટલમાં ખસેડયા

રાજકોટ તા. ૧: શહેરના મોરબી રોડ બેડી ચોકડીથી ભગવતીપરા તરફ જવાના રસ્‍તે મઢુલી હોટલ નજીક મોડી રાતે પોપટપરા વિસ્‍તારના બે ભાઇઓ પર ત્રણ શખ્‍સોએ પાઇપથી હુમલો કરી એક ભાઇના બંને પગ અને બીજાનો એક પગ ભાંગી નાંખી સોનાના ચેઇનની લૂંટ ચલાવતાં ચકચાર જાગી છે. લોહીલુહાણ થઇ ગયેલા બંને ભાઇઓએ પિતાને જાણ કરતાં તેમણે હોસ્‍પિટલમાં ખસેડયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ પોપટપરા સેન્‍ટ્રલ જેલ પાછળ ત્રેપન ક્‍વાર્ટરમાં રહેતો અમિતભાઇ કિશોરભાઇ સોલંકી (ઉ.વ.૨૮) અને તેનો ભાઇ સુનિલભાઇ કિશોરભાઇ સોલંકી (ઉ.વ.૨૫) બંને ગઇકાલે માસીયાઇ ભાઇ રોહિત પરબતભાઇના લગ્નનો માંડવો હોઇ તેમાં હાજરી આપવા પોતાનું બૂલેટ લઇને કુવાડવા ગયા હતાં. લગ્નનો માંડવો હોઇ રાતે દાંડીયા રાસ પણ રાખવામાં આવ્‍યા હોઇ મોડે સુધી પ્રસંગ ચાલ્‍યો હતો. એ પછી રાતે બંને ભાઇઓ રાજકોટ આવવા નીકળ્‍યા હતાં. તે વખતે બૂલેટ અમિતભાઇ ચલાવી રહ્યો હતો. અઢી વાગ્‍યા આસપાસ બેડી ચોકડીથી ભગવતીપરાના રસ્‍તે મઢુલી હોટલ નજીક બંને પહોંચ્‍યા ત્‍યારે અમિતભાઇ બૂલેટ ઉભુ રાખી લઘુશંકા કરવા ગયો હતો.

આ વખતે ટુવ્‍હીલર પર ત્રણ શખ્‍સો આવ્‍યા હતાં. તેણે અમિતભાઇને અટકાવી લાવ જેટલા પૈસા હોય એટલા આપી દે તેમ કહેતાં તેણે મારી પાસે પૈસા નથી તેમ કહેતાં ત્રણેયએ લોખંડના પાઇપથી હુમલો કરી બંને પગમાં આડેધડ ઘા ફટકારી દીધા હતાં. નજીકમાંથી નાનો ભાઇ સુનિલભાઇ બચાવવા માટે દોડતાં તેને પણ એક પગમાં પાઇપના ઘા મારતાં તે પડી ગયો હતો. આ ત્રણેય અંદરો અંદર એક બીજાના નામ બોલતાં હોઇ તેના નામ જાવલો, અશ્વીન, લખન હોવાની અમિતભાઇ અને સુનિલભાઇને  ખબર પડી હતી.

હુમલો કરી અમિતભાઇના ગળામાંથી આ ત્રણેય સાડા ત્રણ તોલાનો સોનાનો ચેઇન લૂંટી ગયાનો આક્ષેપ કરાયો હતો. હુમલામાં બંને ભાઇ લોહીલુહાણ થઇ ગયા હતાં. હુમલાખોરો ભાગી ગયા બાદ પિતા કિશોરભાઇ સોલંકીને ફોન કરતાં તેમણે ઘટના સ્‍થળે પહોંચી બંનેને હોસ્‍પિટલમાં ખસેડતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભગીરથસિંહ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇએ બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. અમિતભાઇ અને તેના ભાઇ સોની બજારમાં મોમાઇ પાન નામે દૂકાન ચલાવે છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૬)

(2:59 PM IST)