News of Thursday, 1st May 2025
આવતા બુધ-ગુરૂમાં પ્રિ-મોન્સુન-વાવાઝોડા અંગે મહત્વની મીટીંગઃ ૧લી જૂનથી વરસાદી કન્ટ્રોલ રૂમ
કલેકટરે સિંચાઇ-પાણી પૂરવઠા-જીઇબી-શિક્ષણ-એસટી-તમામ મામલતદાર-પ્રાંત તથા અન્ય વિભાગોને બોલાવાયા : જીઇબીની ખખડધજ લાઇનો-ભયભીત મકાનો-ચેકડેમ-નાના તળાવો-ડેમો-વાયરલેસ સેટ સહિતની બાબતે સમીક્ષા

રાજકોટ તા. ૧: રાજકોટ જીલ્લા કલેકટરે આવતા અઠવાડિયે બુધ-ગુરૂમાં રાજકોટ શહેર-જીલ્લાની પ્રિ-મોન્સૂન-સંભવિત વાવાઝોડા-પૂર-અતિવૃષ્ટિ સહિતની બાબતે ૧પ થી ૧૬ ડીપાર્ટમેન્ટના વડાઓની એક અગત્યની મીટીંગ કલેકટર કચેરી ખાતે બોલાવી હોવાનું અધીકારી સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.
આ ઉપરાંત ૧ લી જૂનથી જીલ્લા કલેકટર કચેરી, તમામ મામલતદાર કચેરી, ડેમ-સિંચાઇ કચેરી, તમામ ગ્રામ પંચાયતોની કચેરી, વીજ તંત્ર-એસટી તથા અન્ય સંવેદનશીલ સ્થળો ઉપર ખાસ વરસાદી કન્ટ્રોલ રૂમ શરૂ થશે, અને તે અંગે તૈયારીઓ શરૂ થઇ છે.
કલેકટરે સિંચાઇ, પાણી પુરવઠા, જીઇબી, શિક્ષણ, શહેર અને જીલ્લા પોલીસ તંત્ર, એસટી, તમામ મામલતદાર, તમામ પ્રાંત અને ડે. કલેકટરો, નગરપાલીકા નિયામક, ચીફ-ઓફીસરો, રાજકોટ મ્યુ. કોર્પોરેશન, રૂડા, ડીઝાસ્ટર સહિતના કુલ ૧૬ જેટલા ખાતાઓની મીટીંગ બોલાવી છે.
આ મીટીંગમાં શહેર અને ગ્રામ્ય-તાલુકાઓના રસ્તા, ડેકડેમો, નાના પૂલો, નાળાઓ, જીઇબીના ટ્રાન્સફોર્મર, અને ખખડધજ લાઇનો, લટકતા વીજતારો, ટેલીફોન સેવા, ખખડધજ જૂના મકાનો, તારને અડતા વૃક્ષો અને ડાળીઓ, તમામ ડેમો, હાલની ડેમોની સ્થિતિ, ડેમો પરના વાયરલેસ સેટ, સ્ટાફ, ફોન નંબરો સહિતની તમામ બાબતે સમીક્ષા થશે.
આ ઉપરાંત આવતા વીકમાં ગાંધીનગરથી મોન્સુન અંગે કલાર્ક, પટ્ટાવાળા, નાયબ મામલતદારનું ખાસ મહેકમ આવશે, ત્યારબાદ કલેકટર દ્વારા જે તે તાલુકા-કલેકટરના કન્ટ્રોલ રૂમમાં સ્ટાફની નિમણુંક થશે. (૭.૩૦)
(3:00 PM IST)










