<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

રૂડાના ર૦ ગામોમાં પાણીનો કકળાટ

ટેન્‍કરો વાળા રૂા. ૧ર૦૦ પડાવતા હોવાની રાવઃ ટેન્‍કરો મંજુર કરવાની સતા પ્રાંત -અધિકારીઓને ત્રણ ગામો કણકોટ-મહિકા-ખોખળદડમાં ટેન્‍કરો શરૂઃ પાણી પુરવઠા બોર્ડને સંકલન કરવા સૂચના

રાજકોટ, તા. ૧: ધોમ ધખતો તાપનો હજુ એક મહિનો કાઢવાનો છે, અનેક ડેમોમાં પાણી તળીએ પહોંચી ગયું છે, રાજકોટને પાણી પુરૂ પાડતા ડેમોમાં પાણી છે, પરંતુ રાજકોટની ભાગોળે અને રૂડામાં આવતા ર૦ જેટલા ગામોમાં પાણીનો મોટો કકળાટ શરૂ થયાનું બહાર આવ્‍યું છે, ગૃહિણીઓને પાણીના બે બેડા માટે વલખવુ પડે તેવી અમુક ગામોમાં સ્‍થિતિ છે, અમુક ગામો પ્રાઇવેટ ટેન્‍કર બોલાવે તો ટેન્‍કર વાળા રૂા. ૧ર૦૦ પડાવતા હોવાની રાવ છે.

દરમિયાન આ બાબતે કલેકટરે જણાવેલ કે રૂડામા ત્રણ ગામો મહિકા, કણકોટ અને ખોખડદળમાં પાણીના ટેન્‍કરો શરૂ કરાયા છે, ટેન્‍કરો મંજુર કરવાની સતા જે તે વિસ્‍તારના પ્રાંત અધિકારીઓને અપાઇ છે, તેમજ પાણી પુરવઠા બોર્ડને પણ પ્રાંત અને રૂડા સામે સંકલન સાધી કોઇ ગામમાં પાણીની તકલીફ ઉભી ન થાય તે જોવા તાકિદ કરાઇ છે.

(3:18 PM IST)