<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

બકાલી રાહુલ અને માતા પર ભાઇના પ્રેમ પ્રકરણે કારણે હુમલો થયો'તોઃ ગુનો નોંધાયો

મોટા ભાઇ દિલીપે પડોશી કિશોરભાઇની દિકરી પાયલને અવાર-નવાર ભગાડી હોઇ અને હવે બંને પતિ-પત્‍નિ તરીકે રહેવા માંડયા હોઇ મનદુઃખ હતુ કિશોરભાઇ સોલંકી અને તેના બે પુત્રો અનિલ, રાજેશ વિરૂધ્‍ધ થોરાળા પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૧: ભાવનગર રોડ પર કુબલીયાપરામાં રહેતાં યુવાન અને તેના માતા પર ચાર દિવસ પહેલા પડોશમાં જ રહેતાં આધેડ અને તેના બે પુત્રોએ છરી, તલવારથી હુમલો કર્યો હતો. આ બનાવમાં પ્રેમપ્રકરણ અને હુમલાખોરની દિકરીને ભગાડી જવાનો ડખ્‍ખો કારણભુત હોવાનું ખુલ્‍યું છે. થોરાળા પોલીે કુબલીયાપરા-૬ ચંદ્રીકા પાન પાછળ રહેતાં રાહુલ ભરતભાઇ સોલંકી (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી કુબલીયાપરાના કિશોર ધીરૂભાઇ સોલંકી, અનિલ કિશોરભાઇ સોલંકી અને રાજેશ કિશોરભાઇ સોલંકી વિરૂધધ ગુનો નોંધ્‍યો છે.

રાહુલ સોલંકી પરિવાર સાથે રહે છે અને બકાલાનો ધંધો કરે છે. તેના પિતા ભંગારની ફેરી કરે છે. તેણે જણાવ્‍યું હતું કે બે વર્ષ પહેલા મારો મોટો ભાઇ દિલીપ અમારી શેરીમાં રહેતાં કિશોરભાઇ સોલંકીની દિકરી પાયલને ભગાડી ગયો હતો. કિશોરભાઇનું મકાન અમારા ઘરથી દસેક મકાન દૂર છે. આ બનાવ પછી ત્રણ ચાર દિવસ બાદ મારો ભાઇ દિલીપ અને પાયલ પરત આવતાં અમે પાયલને તેના ઘરે મુકી આવ્‍યા હતાં. એ પછી ફરીથી આ બંને ત્રણ ચાર વાર ભાગી ગયા હતાં. દરેક વખતે અમે પાયલને પરત તેના માતા-પિતાને સોંપી દેતા હતાં. એ પછી આજથી એકાદ વર્ષ પહેલા પણ મારો ભાઇ દિલીપ અને પાયલ ભાગી જતાં પાયલના પરિવારજનો અમારી ઘરે આવીને કહી ગયેલા કે હવે આ બંને પાછા આવે તો પાયલને તમારા ઘરે જ રાખજો, અમારે હવે તેને રાખવી નથી.

ત્‍યારબાદ થોડા દિવસો પછી દિલીપ અને પાયલ પાછા આવતાં તેને અમારા ઘરે જ રાખ્‍યા હતાં. એ પછી બંને પતિ-પત્‍નિ તરીકે રહેવા માંડયા હતાં. દરમિયાન ૨૬/૪/૨૫ના બપોરે બે વાગ્‍યે હું  અને મારા માતા જશુબેન ઉર્ફ શારદાબેન (ઉ.વ.૫૦) અમારા ઘરની બહાર ઉભા હતાં અને મારી બહેન સુમન તથા કિશોરભાઇની દિકરી પાયલ પણ અમારા ઘરે હોઇ તે વખતે પાયલના પિતા કિશોરભાઇ સોલંકી, પાયલના ભાઇઓ અનિલ અને રાજેશ અચાનક તલવાર છરી સાથે ધસી આવ્‍યા હતાં અને કોઇપણ જાતની વાત કર્યા વગર હુમલો કરી મને માથામાં તલવારનો ઘા મારતાં  હું પડી ગયો હતો. બાદમાં છરીથી પણ મને ઘા મારી દીધા હતાં. મારા માતા વચ્‍ચે પડતાં તેને બંને હાથે તલવાર મારી દેવાઇ હતી. મોટી બા વજીબેન છોડાવવા અવાતાં તેને પણ ઇજા પહોંચાડી હતી. લોકો ભેગા થઇ જતાં આ બધા ગાળો દઇ ભાગી ગયા હતાં. કોઇએ ૧૦૮ બોલાવતાં અમને મા-દિકરાને હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

સિવિલ હોસ્‍પિટમલાં અમને દાખલ કરાયા હોઇ હાલ સારવાર ચાલુ છે. બનાવની જાણ મારા પિતા ભરતભાઇને થતાં તે હોસ્‍પિટલે આવ્‍યા હતાં અને કહ્યું હતું કે હું અને તારો મોટો ભાઇ દિલીપ ગંજીવાડા નાકે પેટ્રોલ પુરાવવા ગયા ત્‍યારે પાયલનો ભાઇ અનિલ ટુવ્‍હીલર લઇને આવ્‍યો હતો અને દિલીપને ઢીકાપાટુ મારીને જતો રહ્યો છે. અમે એક જ સમાજના હોઇ જેથી સમાજની રૂએ સમાધાનની વાત ચાલતી હતી. પણ સમાધાન ન થતાં હવે ફરિયાદ કરી હતી. તેમ વધુમાં રાહુલે કહેતાં થોરાળાના હેડકોન્‍સ. એ. જે. ભાલીયાએ ગુનો નોંધ્‍યો છે.

(3:32 PM IST)