News of Thursday, 1st May 2025
ગુજરાતના સ્થાપના દિનની શહેરીજનોને શુભેચ્છા પાઠવતા મનપાના પદાધિકારીઓ

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, મહા ગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી પછી ૧ મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા.
ગુજરાતની ખમીરવંતી અને સાહસિક પ્રજાએ અત્યાર સુધીમાં આવી પડેલ અનેક આફતો, મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કરીને દેશના તમામ ક્ષેત્રના વિકાસમાં પોતાનું મહત્વનું યોગદાન આપેલ છે. તેમજ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, અખાતી દેશો સહિતના વિશ્વભરના લગભગ તમામ દેશોમાં ધંધા રોજગાર અર્થે ગુજરાતીઓ સ્થાયી થયેલ છે તેમજ વિશ્વના કેટલાય દેશોમાં રાજદ્વારી, વૈજ્ઞાનિક, ચીફ એન્જીનીયર, ડોક્ટર, ચીફ એક્ઝીકયુટીવ ઓફિસર સહિતના મહત્વના હોદ્દાઓ ગૌરવભેર સંભાળેલ છે. આજે ગુજરાત ધંધા-રોજગાર, શૈક્ષણિક, પર્યટન, આરોગ્ય, વિગેરે દરેક ક્ષેત્રમાં દેશભરમાં અન્ય રાજ્યો કરતા અગ્રીમ હરોળનું સ્થાન ધરાવે છે, ગુજરાત રાજ્યના ઇતિહાસ વિશે પુસ્તકોમાં, ઈન્ટરનેટમાં સાહિત્યમાં, નાટકોમાં શિલ્પ સ્થાપત્યોમાં વિગેરે અનેક સ્વરૂપે ગૌરવભેર વર્ણન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય એ ખરા અર્થમાં ભારત દેશનું ગ્રોથ એન્જીન છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા શહેરીજનોને ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ, ગુજરાત ગૌરવ દિવસની ખુબ ખુબ શુભેચ્છા પાઠવે છે અને જણાવે છે કે, ગુજરાતી હોવાનું દરેકને ગૌરવ છે. (૪.૧૩)
(3:49 PM IST)










