તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 2nd May 2025
રણુજાનગરના હેમાંગ રામાવતને મિત્ર સાગરે ઘુસ્તાવી ખૂનની ધમકી દીધી
તું તારુ બાઇક પાછુ લઇ ગયો તો હવે રૂપિયા ૩૦ હજાર દેવા પડશે કહી ડખ્ખો :ફેરવવા લઇ ગયા પછી મિત્ર સાગર બાઇક પાછુ આપતો નહોતો, હેમાંગ તેના પિતાની મદદથી પાછુ લઇ આવતાં મિત્રને ન ગમ્યું: આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨: કોઠારીયા રોડ રણુજાનગરમાં રહેતાં યુવાનને બાઇકના પૈસા મામલે તેના જ મિત્રએ મારકુટ કરી માથે જતાં મારી નાંખવાની ધમકી આપી હતી. આ બારામાં આજીડેમ પોલીસે કોઠારીયા રોડ હુડકો ચોકડી રણુજાનગર-૭માં ઉમા પાન પાછળ રહેતાં હેમાંગ સુરેશભાઇ રામાવત (ઉ.વ.૨૧)ની ફરિયાદ પરથી કોઠારીયામાં ખોડિયાર હોટલ પાછળ રહેતાં તેના જ મિત્ર સાગર દિપકભાઇ કાલીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
હેમાંગ રામાવત સ્ક્રેપના ડેલામાં મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્યું હતું કે બે મહિના પહેલા મારુ કેટીએમ બાઇક જીજે૦૩એનજી-૯૫૧૩ મારો મિત્ર સાગર કાલીયા ચલાવવા માટે લઇ ગયો હતો. એ પછી તે મને મારુ બાઇક પાછુ આપતો નહોતો. આથી મેં મારા પિતાજીને વાત કરતાં અમે બંને સાગરને મળ્યા હતાં. ત્યારબાદ તેણે મને બાઇક પાછુ આપી દીધુ હતું. એ પછી ગત ૨૮/૩ના રોજ હું સવારે મજુરીએ જતો હતો ત્યારે કોઠારીયા રોડ ખોડિયાર હોટલ પાસે સવારે ચારેક વાગ્યે સાગર મને જોઇ જતાં મારી પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે તું તારું બાઇક પાછુ લઇ ગયો છો જેના તારે મને રૂા. ૩૦ હજાર આપવા પડશે, મેં ખર્ચો કર્યો છે તેમ કહી ગાળો દેવા માંડયો હતો. મેં તેને ગાળો દેવાની ના પાડતાં ઢીકાપાટુ માર્યા હતાં અને જો પૈસા નહિ આપે તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
ત્યારબાદ હું ઘરે જતો રહ્યો હતો અને મારા પિતાને વાત કરતાં અમે અરજી કરી હતી. હવે મારે ફરિયાદ નોંધાવવી હોવાથી એફઆઇઆર દાખલ કરાવી હતી. તેમ વધુમાં હેમાંગે કહેતાં એએસઆઇ એચ. વી. મારવણીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૬)
(2:31 PM IST)










