<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

ગુજરાત-સૌરાષ્‍ટ્ર-કચ્‍છના-વાતાવરણમાં પલ્‍ટો આવશે : અનેક સ્‍થળે તીવ્ર ગાજવીજ સાથે ભારે માવઠુ થવાની સંભાવના

મજબુત વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સ-અપર એર સાયકલોનિક સર્કયુલેશનને કારણે તા.૩-૪-પ મે દરમિયાન ઉતર-ગુજરાત-બોર્ડર વિસ્‍તારો તથા કચ્‍છના વિસ્‍તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તા.૬ થી માવઠાના વિસ્‍તારો વધશે : ૧૦ મે સુધી અસર રહેશેઃ કરા પડવાની શકયતાઃ કચ્‍છ-દેવભુમી દ્વારકા-જામનગર-પોરબંદર-રાજકોટ-જુનાગઢ-મોરબીમાં વધુ અસર રહેશે વરસાદની માત્રા તા. ૬ થી ૧૦ દરમિયાન અમુક સ્‍થળે ૧ થી ૩ ઇંચઃ કયાંક ૪ ઇંચથી વધુ તથા વિજળી પડવાની પણ શકયતા

રાજકોટ, તા., ૨ : જુનાગઢના વતની અને જાણીતા  વેધર એનાલીસ્‍ટ શ્રી ગૌરવ રાણીંગાએ આગામી હવામાન અંગે વિશ્‍લેષણ કરતા ઉમેર્યુ છે કે, આગામી દિવસોમાં એક મજબૂત વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સ સિસ્‍ટમ અને તેને આનુષંગિક અપર એર સાયક્‍લોનિક સર્કયુલેશનની અસરથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવી અનેક સ્‍થળે તીવ્ર ગાજવીજ સાથે ભારે માવઠુ થવાની સંભાવના રહેલી છે.

હવામાનની હાલની સક્રિય પ્રણાલીઓ ઉપર નજર કરીએ તો એક વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સ ઉતર ભારત ઉપર રાજસ્‍થાન અને લાગુ પંજાબ હરિયાણાના વિસ્‍તારો ઉપર છવાયેલું છે, તેને આનુષંગિક સાયક્‍લોનિક સરકયુલેશન વાતાવરણની ૫.૮કિમી થી ૭.૬કિમી ઊંચાઈ સુધી વિસ્‍તરેલું છે. એક સાયક્‍લોનિક સકર્યુલેશન ઉતર પૂર્વ રાજસ્‍થાનના વિસ્‍તારો ઉપર ૧.૫ થી ૩.૧કિમી ઊંચાઈ સુધી તેમજ અન્‍ય એક અપર એર સાયક્‍લોનિક સરકયુલેશન દક્ષિણ પૂર્વ રાજસ્‍થાન ઉપર ૦.૯કિમી ની ઊંચાઈએ છવાયેલું છે. આ સિસ્‍ટમ હાલ રાજસ્‍થાન અને દિલ્‍હી આપસાસના વિસ્‍તારો ઉપર વરસાદ વરસાવી રહેલ છે.

આ સિસ્‍ટમની અસર હેઠળ આગામી દિવસોમાં એક બહોળું સાયક્‍લોનિક સકર્યુલેશન ગુજરાત થી લઈને રાજસ્‍થાન સુધીના વિસ્‍તારો ઉપર છવાઈ શકે છે જેનો ટ્રફ સિસ્‍ટમની દક્ષિણ તરફ લંબાઈ મુખ્‍યત્‍વે ગુજરાત અને લાગુ અરબ સાગરના વિસ્‍તારો સુધી આવી શકે છે. તા. ૩-૪-૫ મે દરમ્‍યાન ઉતર ગુજરાત, ઉતર પૂર્વ ગુજરાતના બોર્ડર વિસ્‍તારો અને ઉતર ગુજરાત  લાગુ કચ્‍છના વિસ્‍તારોમાં છૂટા છવાયા સ્‍થળે ગાજવીજ સાથે હળવું મધ્‍યમ માવઠું થઈ શકે. આ દિવસો દરમ્‍યાન સૌરાષ્‍ટ્ર અને મધ્‍ય ગુજરાતના એકલ દોકલ વિસ્‍તારોમાં પણ હળવા માવઠાની શકયતા ગણી શકાય. ૬ તારીખથી માવઠાના વિસ્‍તારો અને તીવ્રતામાં વધારો થઈ શકે. હાલના મોડેલોના ફોરકાસ્‍ટ અને વિંડ ચાર્ટ જોતા આ સિસ્‍ટમ સતત ત્રણ ચાર દિવસ સુધી આ વિસ્‍તાર ઉપર સ્‍થિર રહેવાની સંભાવના રહેલી છે જેથી ૬ મે થી ૧૦ મે સુધી રાજ્‍યના મોટાભાગના વિસ્‍તારોમાં માવઠાની અસર વર્તાઈ શકે છે. આગાહીના દિવસો દરમ્‍યાન ઉતર ગુજરાત, કચ્‍છ અને સૌરાષ્‍ટ્રના કચ્‍છ અખાત લાગુ વિસ્‍તારોમાં અતિ તીવ્ર ગાજવીજ અને આંધી તોફાન સાથે ભારે માવઠાની શકયતા રહેલી છે. તીવ્ર થન્‍ડર સ્‍ટોર્મ બની શકે જેમાં ભારે પવન સાથે અમુક સ્‍થળે કરા વર્ષા જોવા મળશે. કચ્‍છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્‍દ્રનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને મધ્‍ય ગુજરાતના અમુક વિસ્‍તારોમાં વધુ અસર જોવા મળી શકે, તો જિલ્લાઓ એ ખાસ સાવધાની રાખવી. રાજ્‍યના બાકીના વિસ્‍તારોમાં પણ છૂટા છવાયા સ્‍થળે તોફાની વરસાદ પડી શકે. સિસ્‍ટમના અને ટ્રફના લોકેશનમાં થતા ફેરફાર મુજબ વરસાદના વિસ્‍તારોમાં પણ ફેરફાર થઈ શકે છે. વરસાદની માત્રા તા. ૬ થી ૧૦ મે દરમ્‍યાન ઉપર જણાવેલા જિલ્લાઓમાં ઘણા સ્‍થળે હળવા ભારે ઝાપટાંથી લઈને અમુક સ્‍થળે એક થી ત્રણ ઇંચ સુધી નોંધાઈ શકે તેમજ સીમિત તીવ્ર થન્‍ડરસ્‍ટોર્મ થાય તે વિસ્‍તારોમાં ચાર ઇંચ થી વધુ વરસાદ પણ નોંધાઈ શકે. આંધી તોફાન દરમ્‍યાન અનેક સ્‍થળે વીજળી પડવાની પણ સંભાવના રહેલી છે તો ખેડૂત મિત્રોએ આ સમય દરમ્‍યાન ખેતરમાં જવાનું ટાળવું તથા અન્‍ય લોકોએ પણ સાવધાનીના પગલાં લેવા જરૂરી. પવનની ગતિ આગાહીના દિવસો દરમ્‍યાન સામાન્‍ય થી વધુ રહેશે તેમજ આ સમય દરમ્‍યાન સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્‍તારોમાં ૫૦-૬૦કિમી ની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આ રીતે રાજ્‍યમાં આગામી દિવસો દરમ્‍યાન ભારે માવઠાની સંભાવના જોતાં સાવચેતી રાખવી જરૂરી. આગળ સિસ્‍ટમની દિશાના અધ્‍યયનને આધારે સમયે સમયે વધુ અપડેટ આપવામાં આવશે. (વેધર બાયઃ ગૌરવ રાણીંગા)

 નોંધઃ તમામ માહિતી હાલના વેધર ચાર્ટના આધારે અંગત અનુમાન આધારિત છે, તમારા વ્‍યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતી ઉપર આધાર રાખવો.

(4:34 PM IST)