<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

રાજકોટ ધગધગી ઉઠયું: પ્રધ્‍યુમન પાર્ક ૪૭.૪૪ ડિગ્રી સાથે સૌથી ગરમ

ગરમીથી લોકો ત્રાહીમામઃ રેસકોર્ષમાં સોૈથી નીચુ ૩૪. ૬૯ ડિગ્રી ટેમ્‍પરેચર નોંધાયું :શહેરના ત્રિકોણબાગમાં ૪૫.૨૮, મહિલા કોલેજ ૪૪.૪૧, નાનામવા સર્કલ ૪૪.૪૭, જડુસ ચોક ખાતે ૪૨.૪૩ ડિગ્રી ગરમી નોંધાઇ

 

રાજકોટ, તા.૨: રાજકોટ શહેરમાં આ વર્ષે એપ્રિલ મહિનો શરૂ થાય તે પહેલા ગરમીનો ચમકારો દેખાઇ ગયો હતો અને હવે મે શરૂ થવા સાથે હિટવેવની અસર થવા લાગી છે. આ વર્ષે કાળઝાળ તાપ વહેલો વરસવા લાગ્‍યો છે ત્‍યારે રાજકોટમાં છેલ્લા ચારેક દિવસથી સરેરાશ તાપમાન કરતા પણ વધુ તાપમાન શહેરના મોટા ભાગના ચોક પર જોવા મળી રહ્યું છે.

મહાપાલિકાના સેન્‍સર જે જે મુખ્‍ય રોડ પર મુકવામાં આવ્‍યા છે તેમાં તાપમાનનો પારો સરેરાશ ૪૩ ડિગ્રી ઉપર જઇ રહ્યો છે. ગઇકાલે તા.૧ના રોજ શહેરનું એકંદર તાપમાન હવામાન ખાતામાં ૪૩ ડિગ્રી નોંધાયુ હતું ત્‍યારે મનપા સેન્‍ટ્રલ ઝોન કચેરી  પ્રદ્યુમન પાર્ક રોડ ઉપર તો તાપમાનનો પારો ૪૭ ડિગ્રી ઉપર અને કોઠારીયામાં ૪૪ ડિગ્રી ઉપર પહોંચી ગયાનું નોંધાયું હતું.

આ સાથે જ આજે પણ બપોરે તાપમાન ગરમ થયું છે અને ઘણા ચોકમાં તાપમાનનો પારા ૪૦ ઉપર પહોંચી ગયો છે. ચાલુ વર્ષે આગાહી મુજબ ગરમી વહેલી શરૂ થઇ અને તાપમાનનો પારો પણ વહેલો ધગ્‍યો છે. રાજકોટ ગુજરાતના સૌથી ગરમ શહેરોમાં સામેલ હતું.

ભુજ તો દેશના સૌથી હોટ સીટીમાં આવે છે. તે દરમ્‍યાન રાજકોટમાં પણ તાપમાનનો પારો ચડવા લાગ્‍યો છે. જેમાં ઘણા ચોક અને રાજમાર્ગ રીતસર ધગધગી રહ્યા છે. રોજ બપોરે ૪ વાગ્‍યા બાદ સૌથી વધુ તાપમાન નોંધાય છે.

તેમાં હરીયાળીવાળા રેસકોર્સ, પ્રદ્યુમન પાર્ક રોડ જેવા વિસ્‍તારોમાં પણ તાપમાન સરેરાશથી ઉપર નોંધાય છે. આ કારણે ભરબપોરે લોકોને રસ્‍તા પર અગનવર્ષાનો અનુભવ થાય છે.

શહેરમાં સૌથી વધુ ટેમ્‍પરેચરવાળા વિસ્‍તારમાં પ્રદ્યુમનપાર્ક આવેલું છે. આ વિસ્‍તારમાં ગઇકાલે તાપમાનનો પારો ૪૬.૨૪ ડિગ્રી નોંધાયો હતો. તો સેન્‍ટ્રલ ઝોનમાં ત્રિકોણબાગ ખાતે ૪૫.૨૮ ડિગ્રી તાપમાન સેન્‍સરમાં નોંધાયુ હતું.

મોટો ગ્રીન વિસ્‍તાર ધરાવતા રેસકોર્સ રોડનું તાપમાન સોૈથી ઓછુ ૩૪.  ૬૯ ડિગ્રી હતું. એટલે કે જે રોડ પર બિલ્‍ડીંગો સહિત સિમેન્‍ટના જંગલ છે ત્‍યાંથી માંડી આજુબાજુમાં હરિયાળી હોય તેવા વિસ્‍તાર પણ દિવસે ભારે તાપનો સામનો કરી રહ્યા છે.

કોઠારીયા વિસ્‍તાર પણ ધગધગી રહ્યો છે અને ગઇકાલે બપોરે ૩.૪૩ કલાકે તાપમાનનો પારો ૪૪.૮૧ ડિગ્રી પર સ્‍થિર થયો હતો. કાલાવડ રોડ, જડ્ડુસ રેસ્‍ટોરન્‍ટ ચોકમાં ૪૪૨.૪૩ ડિગ્રી, મહિલા કોલેજ ચોક ૪૪.૪૧, નાના મવા સર્કલ ૪૪.૪૭ ડિગ્રી સાથે ધગધગી ઉઠયા હતા.

(4:18 PM IST)