<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

રૈયામાં મામલતદારનું ઓપરેશનઃ બાવન કરોડની જમીન ખૂલ્લી કરાવાઈઃ અમૂક દબાણકારોએ જાતે ખાલી કરી નાખ્‍યું

૧૦થી વધુ કોમર્શીયલ ઉભા થઈ ગયા હતાઃ કલેકટરને કરાતો રીપોર્ટ

રાજકોટ, તા.૩: રાજકોટ જિલ્લા કલેક્‍ટરપ્રભવ જોશીની સૂચના બાદ આજે સવારથી રૈયા ગામમાં આવેલ તુલસી સુપર માર્કેટની બાજુમાં ૫૨ કરોડથી પણ વધુની કિંમતની ૭૦૦૦ ચોરસ મીટર સરકારી જમીન મામલતદાર અજીત કુમાર જોશીએ ખાલી કરાવી કલેકટરને રિપોર્ટ કર્યો હતો.

ફાઈનલ પ્‍લોટ નંબર ૬૬/૦૧/૦૧ સર્વે નંબર પૈકીની ૧૮ હજાર ચોરસ મીટર જમીનમાંથી ૭૦૦૦ ચોરસ મીટર જમીન પર કોમર્શિયલ દબાણો ઊભા થયા હોવાના પશ્‍ચિમ મામલતદારના ધ્‍યાનમાં આવ્‍યું હતું. તેમણે પોતાની ટીમ મારફત  સર્વે કરાવી કુલ ૧૦ જેટલા કોમર્શિયલ દબાણ કારોને નોટીસ ફટકારી હતી, અમૂકે ખાલી કર્યા હતા, જ્‍યારે અમુક ખાલી ન કરતા આજે પોલીસ બંદોબસ્‍ત તથા મામલેદારના સ્‍ટાફને સાથે રાખી બુલડોઝર ફેરવી દેવામાં આવ્‍યું હતું અને ૫૨ કરોડથી વધુની કિંમતની ૭૦૦૦ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જીસીબીની ટીમએ  કનેકશન કાપી નાખ્‍યા હતા.

આ જમીન ઉપર બે થી ત્રણ મંડપ સર્વિસ,બેકરી, ચા અને પાનની દુકાનો સહિતના કોમર્શિયલ બાંધકામો થઈ ગયા હોવાનું મામલતદાર કચેરીના ધ્‍યાને આવ્‍યું હતું.

આજે ઓપરેશનમાં મામલતદારશ્રી અજીત જોશી,સર્કલ ઓફિસર દિલીપભાઈ પાદરીયા તથા ચાર મહિલા તલાટીઓ સર્વશ્રી તોહલ ગઢવી, માધુરી વાઢેર, ગુંજન ત્રિવેદી અને પૂનમ કોરાટ પણ સાથે રહ્યા હતા.

(2:28 PM IST)