<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

એસ.ટી. બસપોર્ટ પર ફરી કલાકો સુધી પાણીના પરબો બંધ રહેતા મુસાફરો થયા આકુળવ્‍યાકુળ

એસ.ટી. હિતરક્ષક સમિતિએ તંત્રનું ધ્‍યાન દોરતા પાણી ચાલુ કરી દેવાયુ : અવારનવાર પાણી બંધ કરી દઇ ખાનગી પાણી વેંચનારાઓને ખટાવવાનું ષડયંત્ર તો નથી ને? તેવા સવાલો સાથે ઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરાઇ

રાજકોટ તા. ૩ : ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ જેન્‍તીભાઈ હિરપરા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, નારી સુરક્ષા સમિતિના સરલાબેન પાટડીયા, એસ.પી. રાજાણી, અહેસાનભાઈ ચૌહાણ, જીગ્નેશ પાટડીયાની સંયુક્‍ત યાદીમાં જણાવાયુ છે કે હાલ રાજકોટમાં ૧૩૩ વર્ષની રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. ત્‍યારે આવી સ્‍થિતિમાં પણ બસપોર્ટ પર પાણીના પરબ પર પાણીનો અભાવ મુસાફરોને અકળાવી રહ્યો છે.

પહેલી મે એસ.ટી.ના સ્‍થાપના દિને એસ.ટી દ્વારા મુસાફરોને ૧,૦૦૦ લીટર છાશનું વિતરણ કરવામાં આવ્‍યું એ સરાહનીય કામગીરી કહેવાય. પરંતુ હાલ વેકેશનને પગલે બસપોર્ટ પર અંદાજે એકાદ લાખ મુસાફરોની અવરજવર રહે છે. તેમના માટે પીવાના પાણીની નકકર કોઇ વ્‍યવસ્‍થા નથી. ગઈકાલે બપોરના ધોમ ધખતા તાપમાં મુસાફરોને પીવાના પાણી માટે વલખા મારવા પડયા હતા. એસ.ટી બસ પોર્ટના તમામ પરબો શોભાના ગાંઠીયા જેવા બની ગયા હતા. તમામ પરબો પર પાણીનું એક ટીપુંય આવતું નહોતું અને પાણી બંધ છે એ અંગેના કોઈ બોર્ડ પણ મારેલ ન હતા. જેના કારણે પાણી પીવા આવતા મુસાફરોને ભોઠપ અનુભવવી પડતી હતી.

અંગેની જાણ મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્‍દ્રસિંહ ઝાલાને થતા તેઓએ રૂબરૂ દોડી જઇ ટ્રાફિક કંટ્રોલર અને ફરજ પરના સ્‍ટેન્‍ડ ઇન્‍ચાર્જનું ધ્‍યાન દોર્યુ હતુ. ત્‍યારબાદ થોડી કલાકો પછી પરબો ચાલુ કરવામાં આવ્‍યા હતા. પરંતુ કલાકો સુધી પાણી બંધ રહ્યું હતું તે અંગે જવાબદાર કોણ? અગાઉ ડેપો મેનેજરને ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા પાણીની બોટલો વિતરણ કરવામાં આવી હતી અને જે પરબ બંધ હોય તે સ્‍થળે મુસાફરોના હિતમાં પાણીની નાંદ અથવા પાણીના કેરબા મુકવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તેમછતા અમલીકરણ ન કરવામાં  આવતા ગઈકાલે ફરી હજારો મુસાફરોને કલાકો સુધી પાણી માટે વલખા મારવા પડયા હતા. કલાકો સુધી પીવાનું પાણી બંધ કરી દેવા કોઇનું વ્‍યવસ્‍થિત કારસ્‍તાન તો નથીને? એસ.ટી બસ પોર્ટ પર ખાનગીમાં પાણી વેચતા ધંધાર્થીઓને ખટાવવાનું ષડયંત્ર તો નથીને? તેની તટસ્‍થ તપાસ કરવા ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના સભ્‍યો દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી હોવાનું ગજેન્‍દ્રસિંહ ઝાલાની યાદીમાં જણાવાયુ છે.

(2:31 PM IST)