<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

ફાયનાન્‍સ કંપનીમાંથી લોન લઈને આપેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ૨૩.૫૦ લાખ ચૂકવવા હૂકમ

 

રાજકોટ, તા.૩: લોન લઈ પરત ન ચુકવનાર માટે લાલબતી સમાન ચૂકાદામાં રાજકોટ નેગોશીયબલની અદાલતે ચોલામંડલમ ફાયનાન્‍સમાંથી વાહન ખરીદવા લોન લઈ પરત ચૂકવવા આપેલ ચેક પરત ફરતા થયેલ ત્‍યારબાદ ફરીયાદી કંપની દ્વારા આરોપી મહેશ ઝાપડા વિરુધ્‍ધ ફોજદારી કેસ દાખલ કરેલ હતો. જે કેસ ચાલી જતા આરોપી મહેશ ઝાપડા મું. કલ્‍યાણપુર, તા. ટંકારાવાળા ૧(એક)વર્ષની સજા તથા ચેક મુજબનું વળતર ચુકવવાનો હુકમ કરેલ હતો. જે હુકમની સામે આરોપી(એપેલેન્‍ટ) દ્રારા સેશન્‍સ અદાલતમાં ફોજદારી અપીલ કરેલ હતી. જેમાં ચાલી જતા સેશન્‍સ અદાલત એ નીચેનો હુકમ કાયમ રાખેલ હતો અને ફરીયાદીને વળતર પેટે રૂપીયા ૨૩,૫૦,૦૦૦/ (અંકે ત્રેવીસ લાખ પચાસ હજાર પુરા) ચુકવવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, મુ.કલ્‍યાણપુર, તા.ટંકારા ખાતે રહેતા મહેશભાઈ વી. ઝાપડાએ ૧૧૧૦ પ્રો/એલ.સી.વી. નામનુ વાહન ખરીદવા માટે નાણાની જરૂરીયાત ઉભી થતા રાજકોટ સ્‍થિત ચોલામંડલમ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ એન્‍ડ ફાયનાન્‍સ કું. લી. માંથી કંપનીના ધારાધોરણ અને નીતીનિયમ મુજબ આરોપીને રૂા. ૧૫,૮૪, ૧૩૦/ (અંકે રૂપીયા પંદર લાખ ચોર્યાસી હજાર એકસો ત્રીસ પુરા)ની લોનની સવલત પુરી પાડેલ હતી, આરોપીએ ફરીયાદી કંપની પાસેથી લોન લેતી વખતે ફરીયાદી કંપનીમાં કરાર કરેલ હતો. તહોમતદારે કરેલ કરાર મુજબ લોનના હપ્તાની રકમો ચુકવવામાં કસુર કરતા ફરીયાદી દ્વારા ચડત થઈ ગયેલ હપ્તાઓની રકમ ચુકવી આપવા જણાવતા તહોમતદારે સદર રકમની ચુકવણી માટે ફરીયાદી કંપનીને રૂા. ૧૭, ૧૭, ૫૨૧/ (અંકે રૂપીયા સતર લાખ સતર હજાર પાંચસો એકવીસ પુરા)નો ચેક આપેલ હતો. ચેક પરત થતાં ફરીયાદી કંપનીના એડવોકેટ રીપન ગોકાણી મારફત આરોપી વિરુધ્‍ધ રાજકોટની અદાલતમાં આરોપીનો ચેક પરત ફરવાની ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી.

ફરીયાદ અન્‍વયેનો કેસ ચાલી જતા આરોપી મહેશ વી. ઝાપડાએ અદાલતમાં હાજર થતા તેની સામેનો કેસ ચાલેલ હતો જે કેસ ચાલતા કરીયાદીના વકીલ દ્વારા સાહેદોની જુબાની નોંધાવી આરોપીની સહીઓવાળા કરારો સહીતના વિવિધ દસ્‍તાવેજી તથા મૌખિક પુરાવાઓ રજૂ કરેલ હતા. જે તમામ મજબુત પુરાવાઓથી આરોપી સામેનો કેસ પુરવાર થતો હોવાની રજૂઆતો શ્રી ગોકાણી દ્વારા કરવામાં આવેલ હતી. અદાલત દ્વારા ફરીયાદીએ રજૂ કરેલ લોન એગ્રીમેન્‍ટ સહીતના તમામ દસ્‍તાવેજો પુરવાર માની આરોપીને કસુરવાર ઠરાવતા ચૂકાદામાં એવું અવલોકન કરેલ કે આરોપીના બેંકના ખાતામાં પુરતુ ભંડોળ ન હોવાથી આરોપીની દાનત રકમ ફરીયાદીને પરત નહીં આપવાનું પુરવાર થાય છે તેમજ આરોપીની વર્તણુંક જોતા પણ તેને કોઈ રહેમ રાખી શકાય તેમ નથી જેથી કેસના આરોપીને તકસીરવાન ઠરાવી ૧ વર્ષની જેલની કેદની સજાનો તેમજ ફરીયાદીને ચેક પેટેની રકમ ચુકવવાનો હુકમ કરેલ હતો. જેની સામે સેશન્‍સ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.

સેશન્‍સ અદાલત દ્વારા બન્ને પક્ષોની દલીલો તથા સામાવાળા થતી રજુ કરાવેલ નામદાર વડી અદાલતોના ચુકાદાઓ ધ્‍યાન લીધેલ અને નીચેની અદાલતનું રેકર્ડ જોઈને આરોપી(એપેલેન્‍ટ)ની દાનત રકમ ફરીયાદીને પરત નહી આપવાનું પુરવાર થાય છે તેમજ આરોપીની વર્તણુંક જોતા પણ તેને કોઈ રહેમ રાખી શકાય તેમ નથી તેવુ જેથી નીચેની અદાલતનો હુકમ માન્‍ય રાખી આરોપી(એપેલેન્‍ટ)ને ૧ વર્ષની જેલની કેદની સજાનો તેમજ ફરીયાદીને વળતર પેટે રૂપીયા ૨૩,૫૦,૦૦૦/ (અંકે ત્રેવીસ લાખ પચાસ હજાર પુરા) ચુકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં ફરીયાદી કંપની (સામાવાળા) ચોલામંડલમ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ એન્‍ડ ફાયનાન્‍સ કું. લી. વતી રાજકોટના ધારાશાષાી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્‍ણવ, વિરમ ધ્રાંગીયા, નંદિમ ધંધુકિયા, વિશાલ કેશક ભૂમિકા નંદાણી, દિવ્‍યમ દવે, નૈમિષ રાદડીયા, કેવીન ભીમાણી રોકાયેલ હતા

(2:42 PM IST)