News of Saturday, 3rd May 2025
મારી બહેનના ફોટા તારા ફોનમાં શું કામ રાખે છે? કહેતાં હાર્દિક ખાટરીયા પર મિત્ર સહિત છ તૂટી પડયા
કોઠારીયા રોડ સિતારામ સોસાયટીના યુવાન સાથે કાકા ઉદયભાઇને પણ ઇજાઃ અતુલ ચાવડા, હાર્દિક ગોસ્વામી, પરેશ ડવ, સતિષ આહિર, જયદિપ ગોસ્વામી અને જય ગોસ્વમી વિરૂધ્ધ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો : વડાળી-લાપાસરી ચોકડીએ હોટલ પાસે બનાવ

રાજકોટ તા. ૩: કોઠારીયા રોડ સિતારામ સોસાયટીના યુવાન અને તેના કાકા પર યુવાનના મિત્ર સહિત છ જણાએ છરી, પાઇપથી હુમલો કરતાં યુવાનને કોણીમાં ફ્રેકચર થઇ ગયું હતું. આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા રોડ સિતારામ સોસાયટી-૧ ક્રિષ્ના ચોક પાસે રહેતાં અને મજુરી કરતાં હાર્દિક હિતેષભાઇ ખાટરીયા (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી અતુલ કાનાભાઇ ચાવડા, હાર્દિક ગોસ્વામી, પરેશ ડવ, સતિષ આહિર, જયદિપ ઉર્ફ જે.ડી. ગોસ્વામી અને જય ગોસ્વામી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
હાર્દિક ખાટરીયાએ જણાવ્યું છે કે તા. ૨ના રાતે સાડા અગિયારેક વાગ્યે હું અને મારા કાકા ઉદયભાઇ, કુલદીપભાઇ અને મારો મિત્ર યશરાજસિંહ ગોહિલ, હાર્દિક ગોસ્વામી અને તેનો મિત્ર અતુલ ચાવડા એમ બધા ૧૫૦ રીંગ રોડ-૨ વડાળી લાપાસરી ચોકડી પાસે કૃષ્ણજીત હોટેલના ગ્રાઉન્ડમાં હતાં. આ વખતે હાર્દિકને મેં કહેલુ કે-તું કેમ મારી બહેનના ફોટા તારા મોબાઇલમાં રાખે છે? તેના ફોટા ડિલીટ કરી નાખ. આ પછી મારા કાકા ઉદયભાઇએ પણ તેની સાથે વાત કરી હતી. આ વખતે હાર્દિક સાથે રહેલો અતુલ ઉશ્કેરાઇ ગયો હતો અને મારા કાકા ઉદયભાઇને ‘એક હાથે તાલી ન પડે, તુ આ હાર્દિકને કંઇ ન કહેતો' તેમ કહી ઝઘડો કરી ગાળો દેવા માંડયો હતો.
ગાળો બોલવાની ના પાડતાં હાર્દિક, અતુલે મારા કાકા સાથે ઝપાઝપી કરી હતી. તેમજ મારકુટ કરી હતી. હું અને બીજા કાકા કુલદીપભાઇ છોડાવવા વચ્ચે અતુલના પિતરાઇ પરેશ ડવ આવી ગયેલો અને ઉદયભાઇને તેણે પણ મારકુટ કરી હતી. પછી અતુલનો મિત્ર સતિષ આહિર પાઇપ લઇને આવ્યો હતો અને મારા કાકા ઉદયભાઇને માર માર્યો હતો. પછી હાર્દિકનો મિત્ર જય ઉર્ફ જે. ડી. અને હાર્દિકનો ભાઇ જય ગોસ્વામી પણ આવી ગયા હતાં અને મને તથા મારા કાકા ઉદયભાઇને ગાળો દઇ ઢીકાપાટુ માર્યા હતાં. બાદમાં હાર્દિકે છરી કાઢી મને ડાબા હાથ પર મારી દેતાં લોહી નીકળવા માંડયા હતાં.
આ પછી આ બધા ત્યાંથી નીકળવા માંડયા હતાં. જતાં જતાં પણ મને અતુલ, હાર્દિક અને જયએ ધમકી આપી હતી કે આજે તો બચી ગયા છો, બીજીવાર જીવતા નહિ છોડીએ કહી બધા ભાગી ગયા હતાં. મને અને મારા કાકાને ઇજા થઇ હોઇ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. મને કોણીની નીચે નસ કપાઇ ગયાનું અને ફ્રેકચર પણ થયાનું ડોક્ટરે કહ્યું હતું. મારા કાકાને મુંઢ ઇજા થઇ હતી. આજીડેમ પીએસઆઇ પી. એચ. પઢેરીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:21 PM IST)










