News of Saturday, 3rd May 2025
ધંધાદારી કોલેજોને ફાયદો કરાવવા સૌરાષ્ટ્ર યુનિ.ના સતાધીશોનુ મોટુ ષડયંત્ર : રોહિતસિંહ રાજપુતનો આક્ષેપ
પરિપત્રનો દેખાડો કરી વિદ્યાર્થીઓને લૂંટવાનુ યુનિવર્સિટીના સતાધીશો અને કોલેજોનુ પૂર્વયોજિત કાવતરુઃ FRC ની તાકીદે રચના કરવા કોંગ્રેસની માંગ

રાજકોટ, તા., ૩ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની મોટાભાગની સ્ટેટ યુનિવર્સિટીમાં સ્ટેચ્યુટ લાગુ કરી દેવામાં આવ્યો છે.મોટાભાગની કામગીરી હવે નવા સ્ટેચ્યુટના આધારે કરવામાં આવી રહી છે.પરંતુ નવા સ્ટેચ્યુટમાં કોલેજો વિદ્યાર્થીઓ પાસેથી કેટલી ફી વસૂલી શકશે તેના માટે FRCની કમિટી બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજુ સુધી એફઆરસી કમિટી જ બની નથી ! જેના કારણે વિદ્યાર્થીઓ કોલેજોની ઊંચી ફી આપવા મજબૂર બન્યા છે અને કોલેજો પણ બેફામ ફી વસૂલવા લાગી છે. યુનિવર્સિટીના સત્તાધીશોનો કોલેજો ઉપર જાણે કોઈ અંકુશ જ ન હોય એમ કેટલીક કોલેજોએ બેફામ ફી વસૂલવાનું શરૂ કરી દીધું છે તે બાબતે આજે કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિ રોહિતસિંહ રાજપૂતની આગેવાનીમા ડેલિગેશન આજે કુલપતિને ધારદાર રજૂઆત કરી હતી.
રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ હતુ કે આ એક પૂર્વાયોજિત કૌભાંડ છે જેનો પુરાવો તરીકે જી-કેસ પોર્ટલ પર રાજકોટની ક્રાઈસ્ટ કોલજ B.C.A.અભ્યાસક્રમની બે લાખથી પણ વધારે ફી દર્શાવેલ છે. જયારે આ અભ્યાસક્રમની પરિપત્રમાં વર્ષની ત્રીસ હજાર રૂપિયા ફી દર્શાવેલી છે એટલે કે આ કોલેજ બે ગણા કરતા વધારે ફીના ઉઘરાણા કરે છે! આવી અનેક ખાનગી કોલેજો પોતાની ઈચ્છા મુજબ ફીના ઉઘરાણા કરી રહી છે ત્યારે આ ચલાવી ના લેવુ જોઈએ.
રજૂઆતની અંતમા જણાવ્યુ હતુ કે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના વિદ્યાર્થીઓ અને વાલીના હિતમા ઉપરોક્ત બાબતોની નિયમો મુજબ કામગીરી ત્વરિત નહિ થાય તો લોકશાહી ઢબે આક્રમક આંદોલનાત્મક કાર્યક્રમો કરવા પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.આ રજૂઆતમા કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપુત, યશ ભીંડોરા,રોનક રવૈયા,યશ ઉનડકટ, વનરાજ પરમાર,દર્શીલ ઉનડકડ, દીપ ગોહિલ સહિત જોડાયા હતા.
(3:27 PM IST)










