<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

રાજકોટમા ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહીના પગલે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમા ખેડૂતોએ માલ ઉતારવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા સૂચના

વેપારીઓ તથા દલાલ સાથે સંકલન કરી કેટલો માલ ખરીદવામાં આવશે, તેની માહિતી એકઠી કરવામાં આવશે : વાતાવરણ ક્લિયર હોય તો માલ ઉતારવા દેવામાં આવે, નહીંતર ઉભા વાહનની હરાજીની વ્યવસ્થા

રાજકોટ તા.૩ :  આગામી 6 દિવસ માટે માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. તેવામાં  સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોનો માલ ન પલળે તે માટેના વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ખેડૂતોએ માલ ઉતારવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. વેપારીઓ તથા દલાલ સાથે સંકલન કરી કેટલો માલ ખરીદવામાં આવશે, તેની માહિતી એકઠી કરવામાં આવે છે.

માવઠાને લઇ રાજકોટ માર્કેટિંગ યાર્ડેમાં વ્યવસ્થા ગોઠવાઇ

વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી જેટલો માલ ખરીદ કરવામાં આવે એટલો જ મંગાવવામાં આવે છે. ખેડૂતોને નુકસાન ન જાય તે માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે.  શિયાળુ પાક ઘઉં, લસણ, જીરૂ અને ચણાની હાલમાં સિઝન ચાલી રહી છે. હાલમાં શિયાળુ પાકની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. ખેડૂતોએ પોતાની જણસ છાપરામાં ઉતારવા માટેની સૂચના

વાતાવરણ ક્લિયર હોય તો માલ ઉતારવા દેવામાં આવે, નહીંતર ઉભા વાહનની હરાજીની વ્યવસ્થા કરવામાં આવી છે. 

હવામાન વિભાગે શું કરી આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં 3 મે, 2025થી 8 મે, 2025 સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે, જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવવાની શક્યતા છે. રાજસ્થાનમાં શરૂ થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાત પર પણ જોવા મળશે, ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં. આ સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જેની સાથે પવનની ગતિ 30થી 35 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનું અનુમાન છે. 

સૌરાષ્ટ્ર સહિત ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં માવઠાના એંધાણ

6 મે, 2025ના રોજ કમોસમી વરસાદની અસર રાજ્યના વધુ વિસ્તારોમાં ફેલાશે, જેમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓનો પણ સમાવેશ થશે. હવામાન વિભાગની આગાહી મુજબ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. આ દિવસે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે, જેની સાથે ગાજવીજનો માહોલ રહેશે.

માવઠાને લઇ ખેડૂતોને સૂચના 

આ કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ખેડૂતોને તેમના પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાની સલાહ આપી છે. ખાસ કરીને, ખેતરોમાં તૈયાર પાકને ઝડપથી સુરક્ષિત સ્થળે ખસેડવાની જરૂર છે, જેથી વરસાદથી નુકસાન ન થાય. નાગરિકોને પણ ગાજવીજ અને ઝડપી પવનો દરમિયાન સલામત સ્થળે રહેવાની અપીલ કરવામાં આવી છે. આ વરસાદ ગરમીથી રાહત આપશે, પરંતુ તેની સાથે સાવચેતી રાખવી પણ જરૂરી છે.

(4:27 PM IST)