News of Saturday, 3rd May 2025
જૂનાગઢના ગિરનાર દરવાજા વિસ્તારમાં ગોધાવાવની પાટી નજીક પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળી જતાં એક વૃદ્ધનું મોત
અયોધ્યા એપાર્ટમેન્ટમાં રહેતા 30 ઘરના લોકોએ આ પાણીનો ઉપયોગ કરતા 15 જેટલા ઘરમાં ઝાડા ઉલટીના કેસ જોવા મળ્યા : અનેક લોકો બીમાર પડ્યા

જૂનાગઢ તા.૩ : જૂનાગઢના ગિરનાર દરવાજા વિસ્તારમાં આવેલ ગોધાવાવની પાટી નજીક છેલ્લા ઘણા સમયથી ગટરનું કામ ચાલી રહ્યું છે. પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળી ગયું હતું. જેથી આઠ દિવસથી અયોધ્યા એપાર્ટમેન્ટમાં રહેતા 30 ઘરના લોકો આ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે જેને કારણે 15 જેટલા ઘરમાં ઝાડા ઉલટીના કેસ જોવા મળ્યા છે ત્યારે અનેક લોકો બીમાર પડ્યા છે.
હરશુખભાઈ કાંતિભાઈ રાણીગા નામના 60 વર્ષના વૃદ્ધનું આ પાણી પીવાના કારણે બીમાર પડવાથી મૃત્યુ થયું છે તેઓ આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે અને તાત્કાલિક ગટરનું પાણીને દૂર કરવાની કામગીરી પૂર્ણ કરી અને પીવાનું પાણી ફરીથી શુદ્ધ વિતરણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
ગિરનાર રોડ પર આવેલ અયોધ્યા એપાર્ટમેન્ટની ઘટનાને લઈને ભૂગર્ભ અને આરોગ્યની ટીમને સ્થળ તપાસ કરવાના આદેશ આપેલા છે. જેમાં અયોધ્યા એપાર્ટમેન્ટના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ આવ્યા બાદ દુષિત પાણી પીવાના પાણીમાં ભળતું હશે તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
ગિરનાર રોડ ઉપર આવેલ અયોધ્યા એપાર્ટમેન્ટમાં ગટરના ગંદા પાણી પીવાના પાણીમાં ભળી જવાની ઘટનાથી જાડા ઉલટી થયા હોય અને એક વ્યક્તિના મોતનો પણ સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા, તેથી તેમની જવાબદાર વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.
(4:34 PM IST)










