તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd May 2025
રાજકોટ - મોરબી હાઇવે પર બોલેરોમાં અચાનક આગ : અચાનક ફટાકડા ફૂટતા અફરાતફરીનો માહોલ :જુઓ વિડીયો
બેડી ચોકડી પાસે એચપી પેટ્રોલ પંપ નજીક સાંજે બનેલી ઘટના : બોલેરોમાં ભરેલા ફટાકડાના ધડાકાથી લોકોમાં ભારે ગભરાટ : ટ્રાફિક પોલીસે પરિસ્થિતિ સંભાળી

રાજકોટ: આજે સાંજે આશરે ૫:૧૦ વાગ્યે રાજકોટ-મોરબી હાઇવે પર બેડી ચોકડીથી મામા સાહેબના મંદિરની સામે આવેલા એચપી પેટ્રોલ પંપ પાસે એક બોલેરો ગાડીમાં અચાનક આગ લાગી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બોલેરોમાં ફટાકડા ભરેલા હોવાના કારણે આગ લાગતા જ ધડાકા થવા લાગ્યા હતા, જેના કારણે આસપાસનું વાતાવરણ ગાજી ઉઠ્યું હતું અને લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા.
બોલેરો ગાડી ઉપર 'જય ખોડીયાર' લખેલું જોવા મળ્યું હતું. આગ લાગી તે સ્થળની આજુબાજુમાં જ રહેણાક મકાનો આવેલા હોવાથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આગની જવાળાઓ અને ફટાકડાના અવાજોથી લોકો ભયભીત થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પીસીઆરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હાઇવે પર ટ્રાફિકને નિયંત્રિત કર્યો હતો, જેથી કોઈ વધુ અકસ્માત ન સર્જાય. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ફટાકડાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે ફટાકડાના જોરદાર અવાજો સંભળાયા હતા અને થોડી જ વારમાં આગની લપેટો જોવા મળી હતી. સદનસીબે, ટ્રાફિક પોલીસની સમયસરની કાર્યવાહીથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બોલેરો ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે.
હાલમાં ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરવામાં આવી છે અને તેઓ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે. પોલીસ દ્વારા આ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે રાજકોટ-મોરબી હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી, જેને પોલીસે ધીરે ધીરે સામાન્ય કરી હતી.
(5:30 PM IST)










