તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 5th May 2025
રીબડામાં દુષ્કર્મના આરોપી અમિત ખુંટનો ઝાડ ઉપર લટકી આપઘાત
શનિવારે અમરેલી પંથકની સગીરા-મોડેલ સાથે દુષ્કર્મ આચર્યાની રાજકોટ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થઇ'તીઃ પોલીસ શોધતી'તી ત્યાં જ આત્મઘાતી પગલુ ભરી લીધું : ગોંડલ પંથક ફરી ચર્ચાના કેન્દ્રમાં ઘટના સ્થળે દોડી જતા પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા : મૃતક અમીત ખુંટના પરિવારને સાંત્વના આપી

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને રીબડા જઇ મૃતક અમિત ખુંટના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. વિધાનસભાની ચૂંટણી સમયે મળતક અમિત ખૂટ જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં હતો.
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા., પઃ ગોંડલ તાલુકાના રીબડા ગામે રહેતા દુષ્કર્મ કેસના આરોપી અમિત દામજીભાઈ ખુંટ નામના યુવકે લોધિકા રોડ ઉપર આવેલ પોતાની વાડીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે આ આપઘાતની ઘટનાથી ગોંડલ પંથક ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
આજે સવારે દુષ્કર્મના આરોપી અમિત ખુંટના ભાઈ મિતેશભાઇ ખુંટ વાડીએ જતા અમિત ખુંટની ઝાડ ઉપર લટકતી લાશ જોઇ પોલીસને જાણ કરવામાં આવી હતી. અમિત ખુંટ સામે રાજકોટ પોલીસમાં દુષ્કર્મ આચાર્યાની ફરિયાદ થયા બાદ અમિતને પોલીસ શોધતી હતી તે દરમ્યાન તેણે આજે આપઘાત કરી લેતા બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટની હોટલમાં મિત્ર સાથે રહેતી મૂળ અમરેલી પંથકની ૧૬ વર્ષની મોડેલને કારમાં ગોંડલ ચોકડી પાસે લઇ જઇ રીબડાના અમિત ખૂંટ નામના શખ્સે દુષ્કર્મ આચર્યાની રાજકોટ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપી અમિત ખૂંટની શોધખોળ શરૂ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મૂળ અમરેલી પંથકની ૧૬ વર્ષની તરૂણી મોડેલીંગ ઉપરાંત શૂટિંગનું કામ કરે છે. તે રાજકોટમાં તેની મહિલા મિત્ર સાથે હોટલમાં રહે છે. તરૂણીનો આશરે દસેક દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામમાં આરોપી અમિત ખૂંટ સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત થતાં મિત્રતા થઇ હતી.
દરમિયાન આરોપી અમિતે તરૂણીને મળવા બોલાવતા તે તેની હોટલેથી રીક્ષામાં વિરાણી ચોક પાસે ગઇ હતી. જ્યાંથી આરોપી અમિત તેને પોતાની હેરિયર કારમાં બેસાડી લઇ ગયો હતો. જ્યાં બંનેએ જ્યુસ પીધા બાદ આરોપીએ કાર ગોંડલ ચોકડી પાસેના વિસ્તારમાં ચલાવી હતી અને એક સ્થળે કાર પાર્ક કરી આરોપીએ તરૂણીને હવસનો શિકાર બનાવી હતી. આ ઘટના બાદ તરૂણીએ આ મામલે આજે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ આર.જી. બારોટ સહિતના સ્ટાફે તેની ફરિયાદ પરથી અમિત ખૂંટ સામે ગુનો દાખલ કરી તરૂણીનું મેડીકલ ચેકઅપ કરાવવા સહિતની કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
દરમિયાન પોલીસ જેને શોધતી હતી તે દુષ્કર્મનો આરોપી અમિત ખુંટે રીબડા સ્થિત વાડીએ ઝાડ પર લટકી આપઘાત કરી લીધો હતો. મૃતક યુવક પરીણીત હતો અને ૮ વર્ષનો પુત્ર છે. અને ખેતી કામ કરતો હતો. આ બનાવની જાણ થતા પોલીસ, મામલતદાર, એફએસએલની ટીમ ગોંડલના રીબડામાં દોડી ગઇ હતી.
પોલીસને ઘટના સ્થળેથી આપઘાત કરનાર આરોપી અમિત ખુંટની લાશ પાસેથી એક ચિઠ્ઠી મળી હતી જેમાં મૃતક અમિતે પોતાના ઘરના નંબર લખ્યા છે અને કોઇને હેરાન ન કરતા તેવું લખ્યું છે. પોલીસે આ ચિઠ્ઠી કબ્જે કરી તપાસ હાથ ધરી છે. (૪.૨૯)
(3:33 PM IST)










