<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

જયનગરમાં ડેલામાંથી ધુળધોયાનો માલ ચોરી ચાર ચોરે પડકારો કરનારા નિર્દોષ વૃધ્‍ધ દેવશીભાઇને પતાવી દીધા

૬૨ વર્ષના વૃધ્‍ધ રાતે ઘર બહાર ખાટલામાં સુતા'તાઃ બે દિવસ બાદ ભત્રીજાના લગ્ન હોઇ મહેમાનો સહિતના પરિવારજનો બાજુના ઘરમાં હતાં ત્‍યારે રાતે અઢી વાગ્‍યે બનાવ : કોઠારીયાના જયનગર મફતીયાપરામાં મોડી રાતે બનાવઃ પડોશી સંજયભાઇ ડોડીયાના ડેલામાંથી ૪ શખ્‍સોએ ૧૬ હજારના વેસ્‍ટેજ માલના ૧૦ બાચકા ચોર્યાઃ શેરીમાં સુતેલા દેવશીભાઇ જાગી જતાં પડકારા કરતાં તેમને માથા, મોઢા, ખભામાં છરીના છ-સાત ઘા ઝીંકાયાઃ ખાનગી હોસ્‍પિટલમાં દમ તોડયોઃ આજીડેમ પોલીસે રાતો રાત હત્‍યારાઓને દબોચ્‍યા : હત્‍યાનો ભોગ બનનાર દેવશીભાઇના ભત્રીજાના બે દિવસ બાદ લગ્ન છેઃ મહેમાનો પણ આવી ગયા હતાં : રિક્ષા નંબરને આધારે પોલીસે ભેદ ઉકેલ્‍યોઃ હત્‍યામાં સામેલ શખ્‍સ રવિએ જ વૃધ્‍ધને હોસ્‍પિટલે ખસેડયા! પછી ત્‍યાંથી નીકળી ગયો

જ્‍યાં હત્‍યા થઇ તે કોઠારીયા રોડનું જયનગરમાં આવેલુ મૃતકનું ઘર અને હત્‍યાનો ભોગ બનેલા દેવશીભાઇ સોલંકીનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (ફોટોઃ અભીજીત બગથરીયા)

રાજકોટ તા. ૫: શહેરમાં હત્‍યાનો વધુ એક બનાવ બન્‍યો છે. કોઠારીયા રોડ પર આવેલા જયનગર મફતીયાપરામાં રહેતાં કારડીયા રાજપૂત વૃધ્‍ધ રાતે પોતાના ઘર બહાર ખાટલામાં સુતા હતાં ત્‍યારે બાજુમાં રહેતાં પડોશીના ડેલામાંથી ચાર ચોર ધુળધોયાનો વેસ્‍ટેજ માલના ચોરવા આવ્‍યા હોઇ વૃધ્‍ધ જાગી જતાં અને પડકારો કરતાં ચારેયએ તેમના પર તૂટી પડી તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતાં. આજીડેમ પોલીસને જાણ થતાં તુરત જ તપાસનો ધમધમાટ શરૂ કરી રાતો રાત ચારેય હત્‍યારાઓને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી હતી. હત્‍યાની આ ઘટનાથી પરિવારમાં અને વિસ્‍તારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ મોડી રાતે જયનગર  મફતીયાપરામાં હાઉસીંગ બોર્ડના ક્‍વાર્ટર પાસે રહેતાં દેવશીભાઇ હકુભાઇ સોલંકી (ઉ.વ.૬૨) નામના વૃધ્‍ધ પર હીચકારો હુમલો થયાની અને ખાનગી હોસ્‍પિટલમાં તેમનું મોત થયાની જાણ થતાં આજીડેમ પોલીસે ત્‍યાં  પહોંચી કાર્યવાહી કરી હતી. આ બનાવમાં આજીડેમ પોલીસે હત્‍યાનો ભોગ બનેલા દેવશીભાઇ સોલંકીના પુત્ર રાહુલ દેવશીભાઇ સોલંકી (ઉ.વ.૨૩-રહે. જયનગર)ની ફરિયાદ પરથી રિક્ષા નં. જીજે૦૩બીયુ-૯૨૬૬ના ચાલક તથા અજાણ્‍યા શખ્‍સો સામે ગુનો નોંધ્‍યો છે

રાહુલ સોલંકીએ જણાવ્‍યું છે કે મેં ડિપ્‍લોમાનો કોર્ષ કર્યો છે. હું પરિવાર સાથે રહુ છું અને હાલ લાપાસરી રોડ પર ઇંટોના ભઠ્ઠામાં મજુરી કરુ છું. અમે બે ભાઇઓ અને ત્રણ બહેનો છીએ. મારા મોટા ભાઇ વિપુલના તથા બે બહેનના લગ્ન થયા છે. મારા લગ્ન થયા નથી.મારી સાથે મારા પિતાજી દેવશીભાઇ રહેતાં હતાં. જે નિવૃત જીવન જીવતા હતાં. અમારા ઘર નજીક મારા કાકા જેન્‍તીભાઇ તેથા પરિવાર સાથે રહે છે. તેને સંતાનમાં બે દિકરા રસિકભાઇ છે જેના બે દિવસ બાદ લગ્ન છે, જેથી તેના ઘરે મહેમાનો પણ આવ્‍યા હતાં. રવિવારે રાતે હું અને મારા કાકા જેન્‍તીભાઇ, તેના પરિવારના સભ્‍યો, તેના ઘરે આવેલા મહેમાનો એમ બધા કકા જેન્‍તીભાઇના ઘરે સુઇ ગયા હતાં. મારા માતા રમીલાબેન, મારો ભાઇ વિપુલભાઇ, તેના પત્‍નિ જયશ્રીબેન, મારા બહેન શીતલબેન એમ બધા ઘરમાં સુતા હતાં અને મારા પિતા દેવશીભાઇ અમારા ઘરની બહાર શેરીમાં ખાટલો ઢાળીને સુતા હતાં.

રાતે અઢી વાગ્‍યા આસપાસ મારા માતા રમીલાબેને મારા કાકા જેન્‍તીભાઇના ઘરનો દરવાજો ખખડાવ્‍યો હતો. જેથી હું, મારા કાકા સહિતના જાગી ગયા હતાં. દરવાજો ખોલતાં મારા માતા રડતાં હોઇ તેને શું થયું પુછતાં તેણે કહેલુ કે તમારા ભાઇ લોહીલુહાણ હાલતમાં ઘર પાસે પડયા છે. આથી અમે ત્‍યાં જતાં મારા પિતાજી ઘર પાસે લોહીલુહાણ પડયા હતાં. જ્‍યાં મારા ઘરના બીજા સભ્‍યો પણ હાજર હતાં. માતા રમીલાબેને વાત કરી હતી કે  અમે સુતા હતાં ત્‍યારે ઘરનો દરવાજો કોઇએ ખખડાવતાં મેં ખોલતાં તારા પિતા લોહીલુહાણ પડયા હતાં. ન્‍જીકમાં એક રિક્ષા જીજે૦૩બીયુ-૯૨૬૬ તથા બીજી એક રિક્ષા પણ ઉભી હતી. જેને અમે બોલાવ્‍યા નહોતાં છતાં ત્‍યાં હારજ એક ભાઇએ હોસ્‍પિટલે જવાની વાત કરતાં હું અને મારો ભાઇ વિપુલભાઇ, મારા કાકાનો દિકરો રસિકભાઇ સહિતના મારા પિતાજી દેવશીભાઇને કોઠારીયા રોડની નક્ષ કિરણ હોસ્‍પિટલે લઇ ગયા હતાં. અહિથી રિક્ષાવાળો જતો રહ્યો હતો.

પ્રાથમિક સારવાર બાદ ડોક્‍ટરે મારા પિતાને મૃત જાહેર કર્યા હતાં. મેં તપાસ કરતાં મારા પિતાને મોઢાના ભાગે, છાતીના ભાગે, બંને ખભા પર તિક્ષ્ણ હથીયારના ઘા હતાં. આ દરમિયાન અમારા પડોશી શોકભાઇ જેરામભાઇ પડીયા હોસ્‍પિટલે આવ્‍યા હતાં અને મને વાત કરી હતી કે આપણી શેરીમાં ધુળધોયાનો ધંધો કરતાં સંજયભાઇ સુરેશભાઇ ડોડીયાના ડેલામાં ચોરી થઇ છે. જેથી હું અને અશોકભાઇ ત્‍યાં ડેલે જતાં સંજયભાઇ આવી ગયા હતાં. તેણે કહેલું કે મારા ડેલાના દરવાજાનું તાળુ તોડી અંદર જઇ કોઇ ધુળધોઇ હોઇ તેનો વેસ્‍ટેજ માલ ૧૦ બાચકા આશરે ૧૬ હજારની કિંમતના ચોરી ગયા છે. આથી મને શંકા ઉપજી હતી કે શેરીમાં બે રિક્ષા ઉભી હતી તેમાંથી જ કોઇએ આ ચોરી કરી હશે. સંજયભાઇ ડોડીયાના ડેલામાં આ લોકો ચોરી કરવા આવ્‍યા ત્‍યારે અવાજ થતાં મારા પિતા બહાર શેરીમાં ખાટલામાં સુતા હોઇ તે જાગી જતાં  તેમણે ચોરને પડકારા કરતાં તેમના પર છરી કે તિક્ષ્ણ હથીયારથી હુમલો કરી તેની હત્‍યા કરી હશે.

આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જે. જી. રાણા, હારૂનભાઇ ચાનીયા, રવિભાઇ, લક્ષમણભાઇ, મેરૂભા સહિતની ટીમે રાહુલની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી રિક્ષાનંબરને આધારે તપાસનો ધમધમાટ શરૂ કરતાં ચાર શકમંદો રવિ, કાનો સહિતના મળી આવ્‍યા હોઇ તેની પુછતાછ હાથ ધરી હતી. ધુળધોયાના વેસ્‍ટેજ માલના ૧૬ હજારની કિંમતના ૧૦ બાચકા રિક્ષામાં આવેલા ચાર શખ્‍સોએ ચોરી કર્યા હોઇ તે વખતે જ બહાર સુતેલા દેવશીભાઇ જાગી જતાં તેણે આ લોકોનો પ્રતિકાર કરતાં તેમને છ-સાત ઘા માથા, મોઢા, છાતી, ખભાના ભાગે મારી તેની હત્‍યા કરી નાંખી હતી. ઉચ્‍ચ અધિકારીઓની રાહબરીમાં ચારેય શકમંદોની વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે.

હત્‍યાનો ભોગ બનેલા દેવશીભાઇ ત્રણ ભાઇ જલાભાઇ, જેન્‍તીભાઇ અને બે બહેન જયાબેન, ગવીબેનમાં બીજા નંબરે હતાં. તેમને સંતાનમાં બે પુત્ર વિપુલભાઇ, રાહુલભાઇ અને ત્રણ દિકરી શિતલબેન, કાજલબેન, અંજલીબેન છે. તેમના પત્‍નિનું નામ રમીલાબેન છે. આ પરિવાર મોટે ભાગે બહાર જ ઇંટોના ભઠ્ઠામાં મજૂરી કરે છે. હાલમાં દસેક દિવસથી બધા ઘરે આવ્‍યા હતાં. હત્‍યાની આ ઘટનાથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. (૧૪.૧૦)

હત્‍યામાં સામેલ એક સગીર અને બે ધુળધોયા સહિત ૪ સકંજામાં

ઞ્જઆજીડેમ પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જે. જી. રાણા, એએસઆઇ હારૂનભાઇ ચાનીયા, રવિભાઇ વાંક, હેડકોન્‍સ. પિયુષભાઇ સિરોલીયા, દિગ્‍પાલસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, કોન્‍સ. પ્રદિપસિંહ ગોહિલ, જગદીશસિંહ પરમાર, દિવ્‍યરાજસિંહ જાડેજા, ગોપાલબાઇ બોળીયા, મહેશભાઇ કોઠીવાલ, હરપાલસિંહ જાડેજા, દેવાભાઇ ધરજીયા, સંજયરાજ બારોટ, વિશ્વરાજસિંહ પરમાર તથા મેરૂભા ઝાલા, લક્ષ્મણભાઇ મકવાણાની ટીમે રાતો રાત ભેદ ઉકેલી એક સગીર સહિત ૪ હત્‍યારાઓને સકંજામાં લીધા છે.

જેમાં મનિષ મણિલાલ નારોલા-ધુળધોયા (ઉ.વ.૨૩-ધંધો-સોની કામ, રહે. ચુનારાવાડ-૧), દિપક રમેશભાઇ મોરી-ધુળધોયા (ઉ.વ.૨૦-ધંધો-ધુળ ધોવાનો, રહે. જયનગર સોસાયણી ખાણના કાંઠે), રવિ સંજયભાઇ સોલંકી (ઉ.વ.૨૬-ધંધો મજુરી, રહે. ચુનારાવાડ-૧) તથા એક સગીરને આજીડેમ પોલીસે દબોચી લઇ વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૯)

(2:41 PM IST)