News of Monday, 5th May 2025
હોર્ન વગાડતાં રિક્ષાચાલક સહિત ત્રણનો એસટી ડ્રાઇવર-કંડકટર પર છરી-ધોકાથી હીચકારો હુમલો
ગોંડલ રોડ ચોકડી ઓવર બ્રીજ પાસે રાતે બનાવઃ રસ્તા વચ્ચે રિક્ષા ઉભી રાખી લુખ્ખાગીરી આચરી : મવડી મીરાબાઇ ટાઉનશીપમાં રહેતાં એસટી ડ્રાઇવર કિશોરસિંહ જાડેજા અને ઉદયનગરમાં રહેતાં કંડકટર સંદિપસિંહ પરમારને ઇજાઃ આજીડેમ પોલીસે ગુનો નોંધી સંજય સહિત બેને દબોચ્યાઃ આગવી ઢબે સરભરા

તસ્વીરમાં એસટી બસ અને તેના ડ્રાઇવર કિશોરસિંહ જાડેજા તથા કંડકટર સંદિપસિંહ પરમાર અને કિશોરસિંહને થયેલી ઇજાના નિશાન જોઇ શકાય છે
રાજકોટ તા. ૫: શહેંરમાં અમુક રિક્ષાચાલકો રિતસર દાદાગીરી આચરી લેતાં હોય છે. ગોંડલ રોડ પર ઓવર બ્રીજ પાસે રાતે રાજકોટ-ગોંડલ રાજકોટ રૂટની એસટી બસ રાતે સાડા દસેક વાગ્યે ગોંડલથી આવી ત્યારે રસ્તા વચ્ચે જ એક રિક્ષાવાળો ઉભો હોઇ બસના ચાલકે હોર્ન વગાડતાં તેણે તથા સાથેના બે શખ્સે ઉશ્કેરાઇ જઇ છરી-ધોકાથી હુમલો કરી બસના ડ્રાઇવર અને કંડકટર બંને પર હીચકારો હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતાં દેકારો મચી ગયો હતો. આજીડેમ પોલીસે રાતોરાત ત્રણ પૈકી બે હુમલાખોરને દબોચી લઇ કાયદાનું બરાબરનું ભાન કરાવ્યું હતું.
જાણવા મળ્યા મુજબ મવડી પાળ રોડ પર મીરાબાઇ ટાઉનશીપ ફલેટ નં. એ-૧૨/૩૦૫માં રહેતાં અને એસટી ડ્રાઇવર કિશોરસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.વ.૪૩) અને મવડી પ્લોટ ઉદયનગરમાં રહેતાં એસટી બસના કંડકટર સંદિપસિંહ ગુલાબસિંહ પરમાર (ઉ.વ.૪૮) રાતે ગોંડલ રોડ ચોકડી ઓવર બ્રીજ પાસે બસ લઇને પહોંચ્યા ત્યારે રિક્ષાચાલક સહિતનાએ છરી-ધોકાથી હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રભાઇ હુદડ, તોૈફિકભાઇ જુણાચ, ભગીરથસિંહ ઝાલાએ જાણ કરતાં આજીડેમ પોલીસે હોસ્પિટલે પહોંચી ડ્રાઇવર કિશોરસિંહ જાડેજાની ફરિયાદ પરથી રિક્ષાચાલક સંજય અને તેની સાથેના બે અજાણ્યા સામે બીએનએસની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી બે આરોપીને સકંજામાં લીધા છે.
કિશોરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હું એસટી ડ્રાઇવર તરીકે તેર વર્ષથી ફરજ બજાવું છું. તા.૪ના રવિવારે સાંજે સાડા આઠેક વાગ્યે હું અને બસના કંડકટર મવડી ઉદયનગરમાં રહેતાં સંદિપસિંહ ગુમાનસિંહ પરમાર (ઉ.વ.૪૮) રાજકોટ ડેપોની રાજકોટ-ગોંડલ-રાજકોટ રૂટની એસટી બસ જીજે૧૧૮ઝેડટી-૧૧૬૬ લઇને રાજકોટથી લઇને નીકળ્યા હતાં. બાદમાં સાડા નવેક વાગ્યે ગોંડલથી પરત રાજકોટ આવવા રવાના થયા હતાં. આશરે સાડા દસેક વાગ્યે અમે ગોંડલ ચોકડી ઓવરબ્રીજની નીચે પહોંચ્યા ત્યારે એક રિક્ષાવાળો રોડ વચ્ચે રસ્તામાં રિક્ષા રાખી ઉભો હોઇ જેથી મેં બસનું હોર્ન વગાડતાં રિક્ષાચાલક અને તેમમાં બેઠેલા બે શખ્સો નીચે ઉતર્યા હતા. જેમાં એક શખ્સ હાથમાં ધોકો લઇને ઉતર્યો હતો અને ‘કેમ હોર્ન વગાડે છે? તારા બાપનો રસ્તો નથી' તેમ કહી મને ગાળો દેવા માંડયો હતો.
મેં તેને ગાળો નહિ દેવા સમજાવતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને મને બસમાંથી નીચે ઉતારી આ ધોકાવાળો અને બીજા બે મળી ત્રણેય માર મારવા માંડતાં કંડકટર સંદિપસિંહ પરમાર મને છોડાવવા વચ્ચે પડતાં તેમના ઉપર પણ ધોકાથી હુમલો કરી માર મારી ઢીકાપાટુ માર્યા હતાં. આ દરમિયાન ત્રણમાંથી એક જણાએ બૂમ પાડી ‘સંજય તું ડ્રાઇવરને માર' તેમ કહેતાં સંજય નામના શખ્સે નેફામાંથી છરી કાઢી હતી અને મને માથામાં ઘા મારી દીધો હતો. મેં બચવા માટે ડાબો હાથ આડો નાખતા મને હાથની આંગળીમાં ઇજા થઇ હતી.
દેકારો થતાં માણસો ભેગા થઇ જતાં આ ત્રણેય રિક્ષા લઇને ભાગી ગયા હતાં. કોઇએ ૧૦૮ને ફોન કરતાં ૧૦૮ આવી જતાં મને અને કંડકટર સંદિપસિંહને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. રિક્ષાચાલક અને સાથેના બે અજાણ્યાએ અમારી ફરજમાં અડચણરૂપ બની છરી, ધોકાથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમ વધુમાં કિશોરસિંહે જણાવતાં આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં એએસઆઇ જે. કે. કુરીયાએ ગુનો નોંધ્યો હતો. પીએસઆઇ જે. જી. રાણા, એએસઆઇ હારૂનભાઇ ચાનીયા, રવિભાઇ સહિતની ટીમે આરોપીઓને શોધવા દોડધામ કરી હતી. મોડી રાતે બે આરોપી હાથમાં આવી જતાં તેની આગવી ઢબે પુછતાછ કરી કાયદાનું ભાન કરાવાયું હતું. (૧૪.૧૧)
છરીથી હુમલો થતાં કિશોરસિંહ દોટ મુકી ભાગ્યાઃ એક રિક્ષામાં બેસી વાવડી પોલીસ ચોકીએ પહોંચ્યા
ઞ્જ હોસ્પિટલના બિછાનેથી બસના ડ્રાઇવર કિશોરસિંહ જાડેજાએ કહ્યું હતું કે મારા પર છરીથી હુમલો થતાં અને વધુ ઘા થાય તેમ હોઇ હું દોટ મુકી ભાગ્યો હતો અને એક રિક્ષા જતી હોઇ તેમાં બેસી વાવડી પોલીસ ચોકીએ પહોંચ્યો હતો અને ત્યાંથી પોલીસને બોલાવીને આવ્યો હતો. ત્યાં સુધીમાં હુમલાખોરો ભાગી ગયા હતાં.
(2:42 PM IST)










