News of Monday, 5th May 2025
૨૮ વર્ષના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ૩૨ વર્ષની યુવતિને ફસાવીઃ અમરેલી, ઉજ્જૈન, ઉદયપુર, ગોવાની હોટેલોમાં બળાત્કાર
રાજકોટની યુવતિનો એપ્લીકેશન મારફત સાતેક મહિના પહેલા સીએ સાથે સંપર્ક થયો, ચેટીંગ શરૂ થયું, મુલાકાત થઇ પછી પ્રેમ થયો :અટીકા ફાટક નજીક અર્જુન પાર્કમાં રહેતાં સીએ દર્શન પીઠડીયા વિરૂધ્ધ ગુનો નોંધાયો :રાજકોટમાં યુવતિના ઘરે તેમજ હોટેલમાં પણ શરીર સંબંધ બાંધ્યાઃ છેલ્લે મુંબઇની યુવતિ સાથે લગ્નની વાત નક્કી કરી લઇ યુવતિના મોબાઇલ નંબર બ્લોક કરી દીધાઃ છેતરાયેલી, શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતિએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૫: શહેરમાં રહેતી ૩૨ વર્ષિય યુવતિનો એક એપ મારફત ૨૮ વર્ષના સીએ-ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે સંપર્ક થયા બાદ બંને વચ્ચે ચેટીંગ શરૂ થયા પછી સીએ યુવાને પ્રપોઝ કરતાં પ્રેમ શરૂ થયો હતો. એ પછી તેણે લગ્નની લાલચ આપી આ યુવતિને અમરેલી પાસેના રિસોર્ટમાં, ઉજ્જૈન, ઉદયપુર, ગોવા, ફરીથી અમરેલી પાસેના રિસોર્ટમાં, રાજકોટમાં તેણીના ઘરે તેમજ છેલ્લે રાજકોટની હોટેલમા લઇ જઇ વારંવાર શરીર સંબંધ બાંધી લઇ છેલ્લે મુંબઇની યુવતિને લગ્ન માટે પસંદ કરી લઇ આ યુવતિને લગ્નની ના પાડી દઇ તેનો ફોન નંબર પણ બ્લોક કરી દેતાં યુવતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ચકચાર જગાવતાં આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ૩૨ વર્ષિય મહિલાની ફરિયાદ પરથી અટીકા ફાટક પાસે સ્વામિનારાયણ મંદિર નજીક અર્જુન પાર્કમાં રહેતાં સીએ-ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દર્શન ભુપેન્દ્રભાઇ પીઠડીયા (ઉ.વ.૨૮) વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. યુવતિએ પોલીસ સમક્ષ વિગતો જણાવતાં કહ્યું હતું કે હું પરિવાર સાથે રહી ઘરે બેઠા ઓનલાઇન ફ્રીલાન્સીંગ કામ કરુ છું. મારા પરિવારમાં હું તથા માતા માતા છે. ભાઇ બહાર અભ્યાસ કરે છે અને પિતા હયાત નથી. છ-સાત મહિના પહેલા હું યુનિવર્સિટી રોડ પરના એક ક્લાસીસમાં લેકચરર તરીકે નોકરી કરતી હતી. જેમાં હું ત્રણ મહિનાના મોૈખિક કરારથી નોકરીમાં જોડાઇ હતી. વર્ષ ૨૦૨૪ ઓક્ટોબરની દસ અથવા બારમી તારીકે મારા મોબાઇલ ફોનમાં બમ્બલ એપ્લીકેશન મારફત સીએ દર્શન ભુપેન્દ્રભાઇ પીઠડીયા સાથે મારો સંપર્ક થયો હતો. એ પછી અમે મેસેજ ચેટ દ્વારા એકબીજા સાથે વાત કરતાં હતાં. ત્યારબાદ ૧૪/૧૦ના રોજ અમે બંનેએ એક બીજાના મોબાઇલ ફોન નંબરની આપ-લે કરી હતી.
મેસેજ ચેટ દ્વારા રૂબરૂ મળવાની વાત થઇ હોઇ ૧૫ ઓક્ટોબર-૨૦૨૪ના રોજ અમે ઇસ્કોન મંદિર પાસે ટી-પોસ્ટ ખાતે રૂબરૂ મળ્યા હતાં. બાદમાંબાજુમાં આવેલી એમટીવી ટી પોસ્ટ ખાતે પણ બેસવા ગયા હતાં. એ પછી વાત કરી છુટા પડયા હતાં. ત્યારપછી અમે સતત વ્હોટ્સએપ, ફોનથી એક બીજા સાથે સંપર્કમાં હતાં. દર્શને મને પહેલી વખત પ્રપોઝ કરતાં અમે એક બીજાને પ્રેમ કરવા માંડયા હતાં. ૧૮મી ઓક્ટોબરના રોજ હું નોકરી પર હતી અને સાથી કર્મચારીનો બર્થડે હોઇ હું, દર્શન પીઠડીયા તથા જેનો બર્થડે હતો તે તથા તેના ત્રણ મિત્રો મળી બધા અમરેલી જીલ્લાના ધારી (ગીર) ખાતે સુર્યા હિલ વ્યુ રિસોર્ટ એન્ડ સ્પા ખાતે ગયા તાં. જ્યાં દર્શન પણ સાથે હતો. આ રિસોર્ટમાં અમે બે દિવસ રોકાયા હતાં.
ત્યારે દર્શને મને ‘તું મને બહુ ગમે છે, હવે હું તારી જ સાથે લગ્ન કરવા ઇચ્છુ છું આપણે બંને એકબીજાના પરિવારને વાત કરીને લગ્ન માટે મનાવી લઇશું, હું તારી સાથે જ લગ્ન કરીશ' તેમ કહી મને લગ્નની લાલચ આપી હતી અને ફોસલાવીને એકવાર શારીરિક સંબંધ બાંધી લીધો હતો. ત્યારબાદ ૨૦/૧૦ના રોજ અમે સાળંગપુર દર્શન કરી રાજકોટ પરત આવ્યા હતાં. એ પછી હું અને દર્શન ૩૧/૧૦ના રોજ ઉજ્જૈન ફરવા ગયા હતાં. અમે ઇકો ફોર્ડ ગાડી લઇને ગયા હતાં. ૧/૧૧/૨૪ના રોજ મોડી રાત્રે અમે ઉજ્જૈન પહોંચ્યા હતાં અને ત્યાં વરાઇ ઇકો હોટેલમાં રોકાયા હતાં. જ્યાં દર્શને ફરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બીજા દિવસે ઓમકારેશ્વર દર્શન કરવા ગયા હતાં અને ત્યાંથી અમે ઉદયપુર ફરવા ગયેલા. ત્યાંપણ એર બીએનબી હોટલમાં ત્રણ દિવસ રોકાયા હતાં અને ત્યાં પણ તેણે મારી સાથે શરીર સંબંધ બાંધ્યા હતાં.
આ પછી અમે રાજકોટ પાછા આવ્યા હતાં અને એક બીજાને મળતા તથા વાતો કરતાં હતાં. મારી ઘરે કોઇ ન હોય ત્યારે પણ દર્શન પીઠડીયા આવતો હતો અને ત્યારે પણ તે શરીર સંબંધ બાંધતો હતો. એ પછી ડિસેમ્બર-૨૦૨૪મામાં દર્શનની બીજી છોકરી સાથે લગ્નની વાત ચાલુ થઇ હતી. તેને છોકરી જોવા જવા તેના માતા-પિતાએ કહ્યું હતું. મેં તેને મારી સાથે લગ્નનું વચન આપ્યું હોઇ તે અંગે કહેતાં તેણે કહેલું કે જેની સાથે મારી વાત ચાલુ થઇ હતી તે છોકરીને મેં લગ્નની ના પાડી દીધી છે. ત્યારબાદ ૨૭ ડીસેમ્બરના રોજ અમે રાજકોટથી ગોવા ફરવા ગયા હતાં. ત્યાં સાતેક દિવસ રોકાયેલ અને ત્યાં પણ અમારી વચ્ચે શરીર સંબંધ બંધાયા હતાં. જાન્યુઆરી-૨૦૨૫માં ફરી અમે અમરેલી ગીરના સુર્યા હિલ વ્યુ રિસોર્ટ ખાતે ગયેલા અને બે દિવસ રોકાયા હતાં. ફરી શરીર સંબંધ બાંધ્યા હતાં.
એ પછી ૯/૪/૨૫ના રોજ દર્શન દર્શન મુંબઇના ભીવંડી ખાતે એક છોકરી જોવા ગયો હતો. ત્યારે મને કહેલુ કે મારા પરિવારના નજીકના સગા છે એટલે મારી છોકરી જોવા જવું પડે, પણ હું લગ્ન તો તારી સાથે જ કરીશ. ત્યારબાદ તેણે ૧૦/૪ના રોજ મને વ્હોટ્સએપમાં મેસેજ કરીને કહેલુ કે-મુંબઇવાળી આ છોકરી મારા મમ્મી-પપ્પાને ગમી છે. જેથી અમારી વચ્ચે ફોનમાં સામાન્ય બોલાચાલી થઇ હતી. બાદ ૧૨/૪ના રોજ દર્શન રાજકોટ આવ્યો હતો, હું તેને સમજાવવા રાજકોટ રેલ્વે સ્ટેશને મોડી રાતે ગઇ હતી.
ત્યાંથી મને દર્શન લીમડા ચોક ખાતેને ગેલેક્સી હોટલે લઇ ગયો હતો. અમે રાતે ત્યાં જ રોકાયા હતાં અને શરીર સંબંધ બાંધ્યો હતો. બાદ મેં દર્શનને કહેલુ કે-તું આપણા લગ્નની વાત તારા પરિવારના સભ્યોને ક્યારે કરવાનો છો? તો તેણે કહેલુ કે હું વાત કરીશ. ત્યારબાદ ૧૫/૪/૨૫ના રોજ દર્શને મારી મુલાકાત તેના પિતા સાથે મવડી ચોકડી પાસે આરકે એમ્પાયરમાં આવેલી તેની ઓફિસ ખાતે કરાવી હતી. ત્યારે દર્શનના પિતાએ દર્શનને મારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. એ પછી ૧૯/૪ના રોજ મુંબઇ ભિવંડીવાળી છોકરીનો પરિવાર દર્શનને જોવા રાજકોટ આવ્યો હતો. મેં એ દિવસે સાંજે જ દર્શનને મેસેજ કરેલો કે-છોકરીવાળા તને જોવા આવ્યા હતાં તો શું થયું? જેથી દર્શને કહેલુ કે-મને માફ કરજે, એ છોકરી મારા માતા-પિતાને ગમી ગઇ છે, એટલુ હું પણ ના પાડી શક્યો નથી.
બાદમાં મને ખબર પડી હતી કે મેં એ છોકરીનું નામ શોધી ઇન્સ્ટાગ્રામથી તેણીના કોન્ટેક્ટ નંબર મેળવ્યો હતો. એ છોકરી ડોક્ટર હોઇ હું તેણીના સગાને મળી હતી અને મારા તથા દર્શનના સંબંધોની સમગ્ર વાત જણાવી હતી. જેથી બીજા દિવસે દર્શને મને વ્હોટ્સએપ મેસેજ કરી તું હવે મને મેસેજ કે ફોન ન કરતી કહી ૨૩/૪ના રોજ દર્શને મારો નંબર બ્લોક કરી દીધો હતો. એ પછી મારો તેની સાથે સંપર્ક થઇ શક્યો નથી. ૨૮ વર્ષિય સીએ-ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દર્શન પીઠડીયાએ મને લગ્નની લાલચ આપી ફોસલાવી અવાર-નવાર મારી સાથે શરીર સંબંધ બાંધી લઇ છેલ્લે લગ્નની ના પાડી દીધી હતી. આથી મારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં ભોગ બનનારે જણાવતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. પટેલે મહિલા પોલીસ કર્મચારીની હાજરીમાં ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.
(2:24 PM IST)










