News of Monday, 5th May 2025
કોર્પોરેશનમાં કલાર્કની ૧૨૮ જગ્યાઓ માટે ૩૨૫૯૮ ઉમેદવારોએ
પરીક્ષા આપી, ૨૭૯૨૭ ની ગેરહાજરીઃ ટુંક સમયમાં આન્સર કી મુકાશે પ્રોવિઝનલ પછી આખરી આન્સર કી મૂકાશેઃ જન્માષ્ટમી પહેલા પરિણામ

રાજકોટ તા.પઃ મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક સંવર્ગની જગ્યાઓની ભરતી માટે કુલ-૬૦૫૨૫ ઉમેદવારો પૈકી ૨૭૯૨૭ ઉમેદવારો ગેરહાજર રહયા હતા. જયારે ૩૨,૫૯૮ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓની જુનિયર ક્લાર્ક સંવર્ગની ૧૨૮ ખાલી જગ્યા ભરવા માટેની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૪ ના ગુજરાત રાજ્યના રાજકોટ શહેર, અમદાવાદ શહેર અને વડોદરા શહેર ખાતે આયોજન કરવામાં આવેલ, રાજકોટ મહાનગરપાલિકાની અતિ મહત્વની આ પરીક્ષામાં રાજકોટ શહેરમાં ૧૧૧ કેન્દ્રો, અમદાવાદ શહેરમાં ૮૭ કેન્દ્રો તેમજ વડોદરા શહેરમાં ૨૭ કેન્દ્રો, એકંદરે કુલ-૬૦૫૨૫ જેટલા બહોળા પ્રમાણમાં ઉમેદવારોએ અરજી કરેલ હોવાથી જુદા-જુદા શહેરો ખાતે કુલ ૨૨૫ જેટલા પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવેલ. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ૬૦,૫૨૫ ઉમેદવારોમાંથી અંદાજિત ૩૨,૫૯૮ ઉમેદવારો દ્વારા પરીક્ષા આપવામાં આવેલ અને અંદાજિત ૨૭,૯૨૭ ઉમેદવારો પરીક્ષામાં ગેરહાજર રહેલ હતા.
ઉમેદવારોને પરીક્ષા સમયના ૦૧ કલાક પહેલા પરીક્ષા ખંડમાં વિડીયોગ્રાફી કરીને એન્ટ્રી આપવામાં આવેલ તેમજ પરીક્ષા ખંડમાં મોબાઈલ, ઈલેક્ટ્રોનીક્સ ગેઝેટ, કેલ્કયુલેટર, અને સ્માર્ટ વોચ, સાથે લઈ જવા પર મનાઈ કરવામાં આવેલ.
આમ, મહાનગરપાલિકા દ્વારા તા.૦૪ નાં યોજાયેલ જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલ છે. આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી મહાનગરપાલિકાની વેબસાઈટ પર આગામી સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યા બાદ કોઇ વાંધા-સુચનોની અરજી મંગાવવામાં આવશે. ત્યારબાદ ફાઇનલ કી જાહેર થશે. આ બધી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંદાજીત ત્રણ મહિના એટલે કે. સાતમ-આઠમ પહેલા પરીણામ જાહેર થવાની શકયતા અધિકારીઓએ વ્યકત કરી છે.(
(2:44 PM IST)










