<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

વૃધ્‍ધજનોના સંઘર્ષ આધારીત પારિવારિક ફિલ્‍મ ‘જય માતાજી લેટસ રોક'

રાજકોટ : ફેમીલી ફિલકસ બેનર હેઠળ અને અમદાવાદ ફિલ્‍મસ પ્રોડકશન દ્વારા પ્રોડયુસ ગુજરાતી ફિલ્‍મ ‘જય માતાજી લેટસ રોક' આગામી તા. ૯ ના ફિલ્‍મી પડદે રીલીઝ થવા જઇ રહી છે. જેના પ્રમોશન અર્થે રાજકોટ આવેલ ટીમે જણાવ્‍યુ હતુ કે આ ફિલ્‍મ ૮૦ વર્ષના દાદીની અનોખી સફર પર આધારીત છે. તેમના શાંત અને સરળ જીવનમાં એક સરકારી યોજનાના કારણે અચાનક ઉથલ પાથલ સર્જાય છે. ટુંકમાં મજાક, મસ્‍તી, પારિવારિક ચઢાવ-ઉતારથી ભરપુર આ ફિલ્‍મ લોકોને માણવી ગમે તેવી છે. સમાજના વૃધ્‍ધજનોના નાણાકીય સંઘર્ષો ઉપર પ્રકાશ પાડવા સરસ પ્રયાસ થયો છે. સહપરિવાર સાથે માણી શકાય તેવી તંદુરસ્‍ત ફિલ્‍મ બની છે. ફિલ્‍મમાં અભિનય મલ્‍હાર ઠાકર, ટીકુ તલસાણીયા, વંદના પાઠક, શેખર શુકલા, નીલા મૂલ્‍હેકર અને વ્‍યોમા નાંદીએ આપ્‍યો છે. આ તકે અનુભવ વર્ણવતા શેખર શુકલે જણાવ્‍યુ હતુ કે આ ફિલ્‍મમાં મારો રોલ કાતીલ કાકાનો છે. જો કે ફિલ્‍મમાં ગંભીર વાતને ખુબ હળવાશથી રજુ કરવાની ટેકનીક જોરદાર અપનાવવામાં આવી છે. મલ્‍હાર ઠકકરે જણાવેલ કે દાદાના પૌત્ર તરીકે મારો રોલ છે. દાદીનું પાત્ર નીલા મોલકરે અદ્દભુત નિભાવ્‍યુ છે. જયારે વ્‍યોમા નાંદીએ જણાવેલ કે આ ફિલ્‍મમાં મને ટીચર તરીકે કામ કરવાની ખુબ મજા આવી. આ પ્રયોગ મારા માટે પ્રથમ હતો. પરંતુ બાળકો સાથે કામ કરીને મને પણ મારૂ બાળપણ યાદી આવી ગયેલ. ટુંકમાં પારિવારિક હાસ્‍ય અને લાગણીઓથી ભરપુર આ ફિલ્‍મના દિગ્‍દર્શક મનીષ સૈની છે. પ્રોડયુસર્સ સિધ્‍ધાર્થ વડોદરીયા, કાજલ વડોદરીયા, રવિન્‍દ્ર સંઘવી છે. મનીષ સૈની અને આકાશ જે.એચ. શાહ નિર્મિત અને સચિન પટેલ દ્વારા સહનિર્મિત આ ફિલ્‍મના ડાયલોગ્‍સ મનીષ સૈની અને નિરેન ભટ્ટે લખ્‍યા છે. એસોસીએટ પ્રોડયુસર અનિરૂધ્‍ધસિંહ રહેવાર છે. ઉત્‍કર્ષ મઝમુદાર, આર્યન પ્રજાપતિ, શિલ્‍પા ઠાકર વગેરેએ પણ મહત્‍વપૂર્ણ ભુમિકા ભજવી છે. જીગરદાન ગઢવીના સ્‍વરમાં ‘મનને સમજવા..' ગીત જમાવટ કરે છે. મોટાભાગનું શુટીંગ અમદાવાદ અને ગાંધીનગર આસપાસના સ્‍થળોએ થયુ છે. તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા શેખર શુકલા, મલ્‍હાર ઠાકર અને વ્‍યોમા નાંદી નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:50 PM IST)