<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

વિડીયો બનાવી ગૂમ થયેલા સેટેલાઇટ ચોકના ધવલ લાઠીગ્રાની ન્‍યારી-૨ ડેમમાંથી લાશ મળતાં અરેરાટી

મારી સાથે ખોટુ થયું છે, મરતો માણસ ખોટુ ન બોલે, ભગવાન સોૈનુ સારું કરે : વિડીયોમાં કહ્યું-મારી સાથે ખોટુ થયું હોય એવુ લાગે છે, હું નામ નહિ લઇ શકું, હવે બીજો કોઇ રસ્‍તો નથી, ભુલચુક બધા માફ કરજો, મેં કાંઇ કોઇનું ખોટુ નથી કર્યુ, કોઇનો રૂપિયો ય નથી ખાધો, મરતો માણસ ખોટુ ન બોલે. સોૈને જયશ્રીકૃષ્‍ણ, સોૈનું સારુ કરે ભગવાન: ૨૮મીએ ઘરેથી ગૂમ થયા બાદ શોધખોળ ચાલુ હતીઃ બે બહેનનો એકનો એક ભાઇ હતોઃ સોની કામ કરતો હતો

રાજકોટ તા. ૫: શહેરના મોરબી રોડ પર સેટેલાઇટ ચોક આવકાર હાઇટ્‍સમાં રહેતો ધવલભાઇ બિપીનભાઇ લાઠીગ્રા (ઉ.વ.૩૧) નામનો યુવાન ગત ૨૮/૪ના રોજ ગૂમ થયા બાદ આજે તેની ન્‍યારી-૨ ડેમમાંથી લાશ મળી આવતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. મોબાઇલમાંથી એક વિડીયો પણ મળ્‍યો છે જેમાં આ યુવાન પોતાની સાથે ખોટુ થયાનું કહે છે.

જાણવા મળ્‍યા મુજબ સેટેલાઇટ ચોક આવકાર હાઇટ્‍સમાં રહેતો ધવલભાઇ લાઠીગ્રા ગત ૨૮મીએ સવારે નવેક વાગ્‍યે ઘરેથી ગૂમ થયો હતો. શોધખોળ કરવા છતાં તેનો પત્તો મળ્‍યો નહોતો. દરમિયાન આજે ન્‍યારી-૨ ડેમમાંથી તેની લાશ મળી આવતાં કલ્‍પાંત સર્જાયો હતો. ધવલભાઇ બે બહેનનો એકનો એક ભાઇ હતો અને તેને સંતાનમાં દસ મહિનાની એક દિકરી છે. તે પેલેસ રોડ પર હિરા પન્‍નામાં સોની કામની દૂકાન ચલાવતો હતો.

તેના મોબાઇલમાંથી એક વિડીયો મળ્‍યો છે જેમાં તે કહે છે કે મારી સાથે ખોટુ થયું હોય તેવુ મને લાગે છે. હું નામ તો નહિ લઇ શકું. હવે બીજો કોઇ રસ્‍તો નથી, મેં કોઇનો રૂપિયોય ખાધો નથી. ભગવાન સોૈનુ સારુ કરે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. એકના એક દિકરાના મોતથી લાઠીગ્રા-સોની પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. કોણે ધવલભાઇ સાથે શું ખોટુ કર્યુ? તેની તપાસ પડધરી પોલીસ કરી રહી છે. (૧૪.૧૭)

(3:29 PM IST)