<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

એસ.ટી. ડ્રાઇવર અને કંડકટર પર હુમલાની ઘટના ગંભીર : હિત રક્ષક સમિતિ હોસ્‍પિટલે દોડી

એસ.ટી. પીકઅપ પોઇન્‍ટ પર ખાનગી વાહનોનો જમેલો હટાવવા માંગ

રાજકોટ તા. ૫ : ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્‍દ્રસિંહ ઝાલા, દીલીપભાઇ આસવાણી, ગીરીશભાઇ વાણીયા, એસ. પી. રાજાણીની સંયુકત યાદીમાં જણાવાયુ છે કે એસ.ટી.ના તમામ પીકઅપ પોઇન્‍ટ પર ખાનગી વાહનોનો ત્રાસ વધી ગયો છે. જેનો ભોગ ડ્રાઇવર કંડકટરોને બનવું પડે છે. હાલ રાજકોટ ગોંડલ રાજકોટ રૂટના બસ ડ્રાઇવર-કંડકટર પર જે હુમલાની ઘટના બની તે દુઃખજનક છે.

આક્રોશ વ્‍યકત કરતા વધુમાં જણાવ્‍યુ છે કે એસ.ટી. પીકઅપ પોઇન્‍ટ પર રીક્ષા ચાલકો, ઇકો, ખાનગી વાહનોના હંમેશા ખડકલા હોય છે. તેમ છતા પોલીસની નજરમાં કેમ આવતુ નથી.

હાલ બસ ડ્રાઇવર અને કંડકટર પર જે હુમલાની ઘટના બની છે તે ગંભીર છે. પોલીસ કમિશ્‍નરના જાહેરનામાનો ભંગ કરી દાદાગીરી કરતા ખાનગી વાહન ચાલકોને ખદેડવા મુસાફર હિત રક્ષક સમિતિના આગેવાનોએ માંગણી ઉઠાવી છે. સમિતિના ગજેન્‍દ્રસિંહ ઝાલા, દીલીપભાઇ આસવાણી, ગીરીશભાઇ વાણીયા, એસ. પી. રાજાણીએ સીવીલ હોસ્‍પિટલ ખાતે જઇ ડ્રાઇવર કિશોરસિંહ જાડેજા અને કંડકટર સંદીપસિંહ પરમારના ખબર અંતર પુછયા હતા. તેમજ ન્‍યાયની લડતમાં સાથે જ હોવાનું સમર્થન સમિતિના આગેવાનોએ જાહેર કર્યુ હતુ. તેમ ગજેન્‍દ્રસિંહ ઝાલાની એક યાદીમાં જણાવાયુ છે

(3:49 PM IST)