News of Monday, 5th May 2025
ફિલ્મ ‘સરપ્રાઇઝ’ : રોબરી-રોમાન્સ અને ઍડવેન્ચરનો સમન્વય
હિન્દી અભિનેતા વત્સલ શેઠનું ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે અદ્દભૂત પદાર્પણ : મહીલા ચોરના પાત્રને જીવંત બનાવતા હેલી શાહ : ૧૬ મીએ સીનેમાઘરોમાં થશે રીલીઝ : દીવ, દમણ, ગોવા, બરોડા સહીતના શહેરોમાં શુટીંગ : ત્રણ પાત્રો વચ્ચે ગુંથાયેલા આ ફિલ્મનું પ્રમોશનલ સોંગ રીલીઝ થતા ખુબ સારો પ્રતિસાદ

રાજકોટ તા. ૫ : રોબરી, રોમાન્સ અને એડવેન્ચરનો સમન્વય સાધતી ગુજરતી ફિલ્મ ‘સરપ્રાઇઝ' આગામી તા. ૧૬ થી સીનેમાઘરોમાં રીલીઝ થવા જઇ રહી છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ફિલ્મમાં મુખ્ય પાત્રને ન્યાય આપતા વત્સલ શેઠે જણાવ્યુ હતુ કે આમ તો મને ૨૫ વર્ષનો હિન્દી ફિલ્મ જગતનો અનુભવ છે. પરંતુ ગુજરાતી ફિલ્મ મારા માટે પ્રથમ અનુભવ હતો. મે ધાર્યુ હતુ તેના કરતા ખુબ સારા અનુભવો મને આ ગુજરાતી ફિલ્મમાં થયા છે. ગુજરાતી સેટઅપ આટલા વિશાળ હશે તે જાણીને હું વિશ્મય અનુભવુ છે. રાઇટર-ડીરેકટરનું કામ કાબીલે દાદ છે.
‘જસ્ટ મહોબ્બત' ટી.વી. શો થી અભિનય ક્ષેત્રે શરૂઆત કરનાર અને ‘ટાર્ઝન ધ વન્ડર કાર' તેમજ ‘આદી પુરૂષ' જેવા હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુકેલ વત્સલ શેઠે જણાવેલ કે આ ફિલ્મ ફુલ એડવેન્ચર છે. તેમા રોબરી છે અને રોમાન્સ પણ છે. ડગલેને પગલે સસ્પેન્શ સર્જાય છે. દર્શકો દંગ થઇ જાય તે રીતે ફિલ્મ સતત આગળ વધતી રહે છે. પુરી ટીમે અદ્દભૂત કામ કર્યુ છે. ફિલ્મનું પ્રમોશનલ સોંગ પણ હમણા જ રીલીઝ થતા ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે.
ફિલ્મમાં ચોરનીના પાત્રને ન્યાય આપતા હેલી શાહે જણાવેલ કે આ ફિલ્મમાં મારા ભાગે ચોરી કરવાનું કામ આવ્યુ છે. હું અને જાન્વુ ચૌહાણ સાથે મળી ચોરી કરીએ છીએ. બાદમાં ગોવાની સફરે નિકળી જઇએ છીએ. આ સફર દરમિયાન જે જે રોમાન્ચક ઘડીઓ સર્જાય છે તે સૌને વિચાર કરી દે તેવી હોય છે. એમ કહી શકાય કે આ ફિલ્મ સતત જર્ની કરાવે છે. દર્શકોને પણ હવે શું થશે તેની સતત તાલાવેલી રહે છે.
આ ફિલ્મનું મોટાભાગનું શુટીંગ દીવ, દમણ, ગોવા, બરોડા, અમદાવાદ, સોમનાથ અને દ્વારકા જેવા શહેરોમાં થયુ છે. એટલે એમ પણ સતત જર્ની થતી રહી છે.
ફિલ્મના પ્રોડયુસર સન્ની દેસાઇએ જણાવેલ કે પુરી બે કલાકના આ ફિલ્મ માટે પુરી ટીમે ખુબ મહેનત કરી છે. મુખ્ય ત્રણ પાત્રો વચ્ચે ગુંથાયેલઆ આ ફિલ્મમાં પારિવારિક પણ કહી શકાય છે. સાથે બેસીને માણી શકાય તેવી તંદુરસ્ત ફિલ્મ બની છે. આવુ મારી સાથે બન્યા હોવાનું દર્શકો પણ અનુભવ કરતા રહેશે. ‘રોડ, રોમાન્સ એન્ડ રોબરી' આ ફિલ્મની ટેગ લાઇન છે.
સન્ની દેસાઇ પ્રોડકશન અને રમાય એન્ટરટેઇનમેન્ટ પ્રસ્તુત આ ફિલ્મ સચિન બ્રહ્મભટ્ટના નિર્દેશન હેઠળ તૈયાર થઇ છે. ક્રાઇમ, મીસ્ટ્રી અને થ્રીલર પ્રકારની આ ફિલ્મ ૧૬ મીએ રીલીઝ થાય તે પહેલા પોસ્ટર અને પ્રમોશનલ સોંગ ધૂમ મચાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા હિન્દી-ગુજરાતી અભિનેતા વત્સલ શેઠ, અભિનેત્રી હેલી શાહ જુદી જુદી અદાઓમાં નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:52 PM IST)










