News of Tuesday, 6th May 2025
બંગાળી કારીગર સોની વેપારીનું ૭૬.૮૦ લાખનું સોનુ ખાઇ ગયો
હાલ હાથીખાનામાં રહેતો મુળ બંગાળનો અબુઝાફર ઝમાદાર દોઢેક વર્ષથી વિશ્વાસથી કામ કરતો હતોઃ છેલ્લે ધૂંબો માર્યો : પ્રહલાદ પ્લોટમાં રહેતાં અને સોની બજારમાં દૂકાન ધરાવતાં તરૂણભાઇ પાટડીયાની એ-ડિવીઝન પોલીસમાં અબુઝાફર ઝમાદાર વિરૂધ્ધ ફરિયાદઃ કુલ ૧૩૦૦ ગ્રામ સોનુ આપ્યું હતું: તેમાંથી બે કટકે ૧૦૦૦ ગ્રામ પાછુ આપ્યું: બાકીનું ન આપી ખોટા વાયદા કર્યાઃ પોલીસે સકંજામાં લઇ પુછતાછ શરૂ કરી

રાજકોટ તા. ૬: શહેરમાં સોની બજારના વેપારી સાથે વધુ એક વખત બંગાળી કારીગરે ઠગાઇ કરી છે. દોઢેક વર્ષથી આ વેપારી જેને દાગીના બનાવવા માટે સોનુ આપતાં હતાં તે કારીગર વિશ્વાસઘાત કરી રૂા. ૭૬,૮૦,૦૦૦નું ૮૦૦.૨૪૦ ગ્રામ ફાઇન સોનુ ઓળવી ગયો છે. કુલ ૧૩૦૦.૨૪૦ ગ્રામ સોનુ આ બંગાળી કારીગરને વેપારીએ બાલી-બુટી બનાવવા આપ્યું હતું. જે કારીગરે બીજા કોઇને આપી દીધુ હતું. એ પછી બે કટકે ૯૦૦ ગ્રામ અને ૧૦૦ ગ્રામ સોનુ પાછુ આપી બાકીનું પાછુ ન આપતાં વેપારીને પોતે છેતરાયાની ખબર પડી હતી.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે પ્રહલાદ પ્લોટ-૨૫ દિગ્વીજય મેઇન રોડ પર રહેતાં અને સોની બજાર ગોલ્ડન માર્કેટ પાસે શ્રીહરિ ઓર્નામેન્ટ નામી સોનાના દાગીનાની દૂકાન ધરાવતાં તરૂણભાઇ કનૈયાલાલ પાટડીયા (ઉ.વ.૬૨)ની ફરિયાદ પરથી તેના કારીગર હાલ હાથીખાના-૧૭માં રાબીયા મંજીલ ખાતે રહેતાં મુળ બંગાળના અબુઝાફર ઝમાદાર બંગાળી વિરૂધ્ધ બીએનએસની કલમ ૩૧૬ (૨) મુજબ ગુનો નોંધી બંગાળી કારીગરને સકંજામાં લઇ વિશેષ પુછતાછ હાથ ધરી છે.
સોની વેપારી તરૂણભાઇ પાટડીયાએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને સોની બજારમાં દાગીનાની દુકાન ચલાવુ છું. દોઢેક વર્ષથી હું સોની બજાર બોઘાણી શેરીમાં એસકે ગોલ્ડ કોમ્પલેક્ષમાં બીજા માળે જીયાન જ્વેલર્સ નામે દૂકાન ચલાવતાં બંગાળના અબુઝાફર ઝમાદાર બંગાળીને સોનાના ઘરેણાનું ઘાટ કામ કરતો હોઇ તેને દાગીના ઘડવા માટેનું કામ આપતો હતો. ગત ૫/૯/૨૪ના રોજ સાંજે પાંચેક વાગ્યે અબુઝાફરને મેં ફોન કરી સોની બજારમાં મારી દુકાને ઘરેણા બનાવવાનો ઓર્ડર લેવા માટે બોલાવ્યો હતો. જે તે વખતે મેં તેને મહિલાઓને કાનમાં પહેરવાની બુટી, બાલી વગેરે મિક્સ દાગીના બનાવી આપવાનો ઓર્ડર આપ્યો હતો અને સાથે ૧૩૩.૨૪૦ ગ્રા ફાઇન સોનુ આપ્યું હતું.
તે વખતે અબુઝાફરે મને પોતે પાંચ દિવસમાં દાગીના બનાવીને આપી દેશે તેવી ખાત્રી આપી હતી. પરંતુ છ સાત દિવસ થઇ ગયા છતાં તે દાગીના આપવા ન આવતાં મેં તેને ફોન કરીને બોલાવતાં તે મારી દુકાને આવ્યો હતો અને કહ્યું હતું કે તમારુ સોનુ મેં મારી પાસે બીજા લોકો માંગતા હોઇ તેને આપી દીધુ છે, તમારુ સોનુ હું તમને થોડા સમયમાં જ આપી દઇશ. આ પછી ૧૪/૯ના રોજ અબુઝાફર મારી દુકાને આવ્યો હતો અને મને ૪૦૦ ગ્રામ સોનુ પાછુ આપી ગયો હતો. તેમજ બાકીના સોના પેટે તેણે મને એચડીએફસી બેંકના ચાર કોરા ચેકમાં પોતાન સહી કરી, સાથે નોટરીનું લખાણ પણ આપ્યું હતુ અને કહ્યું હતું કે થોડા દિવસમાં જ તમારુ બાકીનું સોનુ તમે આપી દઇશ.
એ પછી તા. ૧૪/૧૦ના રોજ અબુઝાફર ફરીથી ૧૦૦ ગ્રામ સોનુ મને દુકાને આવીને આપી ગયો હતો. તેના પંદર દિવસ બાદ મેં બાકીના સોના માટે અબુઝાફરને ફોન કર્યો હતો અને બાકી નીકળતાં ૮૦૦.૨૪૦ ગ્રામ સોનાની માંગણી કરતાં તેણે થોડા દિવસમાં જ બધુ સોનુ આપી દઇશ તેમ કહ્યું હતું. પરંતુ આ વાતને મહિનાઓ વિતી ગયા છતાં હવે અબુઝાફર રૂા. ૭૬,૮૦,૦૦૦નું મારુ ૮૦૦ ગ્રામ સોનુ પાછુ આપતો ન હોઇ અને ખોટા વાયદરા કર્યા કરતો હોઇ અંતે મારી સાથે તેણે વિશ્વાસઘાત કર્યો હોવાનું સમજતાં ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં તરૂણભાઇ પાટડીયાએ જણાવતાં એ-ડિવીઝન પીઆઇ આર. જે. બારોટની રાહબરીમાં પીએસઆઇ આર. એમ. બરાડીયાએ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ પુછપરછ હાથ ધરી છે. (૧૪.૬)
(3:00 PM IST)










