News of Tuesday, 6th May 2025
‘આતો પોદરાની જેમ બેસી રહે છે, તારા પિતાની ત્રેવડ છે કે તને ઓસ્ટ્રેલિયા મોકલી શકે...' વિશ્વાબેનને સાસરિયાનો ત્રાસ
યુનિવર્સિટી રોડ નટરાજનગરમાં પીયરે આવેલી પરિણીતાની ઓસ્ટ્રેલિયામાં રહેતા પતિ ચૈતન્ય દવે, સાસુ ભાવીશાબેન, સસરા બીપીનભાઈ અને રાજકોટમાં રહેતા કાકાજી સસરા નીમીષભાઈ દવે સામે ફરિયાદ

રાજકોટ, તા.૬: યુનીવર્સિટી રોડ પર નટરાજનગરમાં પીયરે રીસામણે આવેલી પરિણીતાને ‘આતો પોદરાની જેમ બેસી રહે છે. કંઈ કામકાજ આવડતુ નથી, તારા પિતાની ત્રેવડ છે કે તને ઓસ્ટ્રેલિયા મોકલી શકે,' મેણાટોણા મારી પતિ, સાસુ, સસરા અને કાકાજી સસરા ત્રાસ આપતા ફરિયાદ થઈ છે.
મળતી વિગત મુજબ નટરાજનગર શેરીનં.૧માં બ્લોકનં.૩૦-એમાં માતા-પિતા સાથે રહેતા વિશ્વાબેન ચૈતન્ય દવે (ઉ.વ.૨૪) એ મહિલા પોલીસ મથકમાં ઓસ્ટ્રેલિયામાં રહેતો પતિ ચૈતન્ય બીપીનભાઈ દવે, સાસુ ભાવીશાબેન દવે, સસરા બીપીનભાઈ દામોદરભાઈ દવે અને રાજકોટ અમીનમાર્ગ પર અનુપમા સોસાયટીમાં રહેતા કાકાજી સસરા નીમીષભાઈ દામોદરભાઈ દવે વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. વિશ્વાબેને.
ફરિયાદમાં જણાવ્યું છે કે હું છેલ્લા ચારેક મહિનાથી માતા-પિતા સાથે રહુ છું અને મે ઈલેકટ્રીક એન્જીનિયરીંગનો અભ્યાસ કર્યો છે. ૨૦૨૨માં મારી સગાઈ મૂળ રાજકોટ હાલ ઓસ્ટ્રેલિયાના મુલગ્રેવ ક્રેસેંન્ટ ફોરેસ્ટ લેકમાં રહેતા ચૈતન્ય દવે સાથે થઈ હતી, પંદર દિવસ બાદ હું તથા મારા માતા-પિતા સસરાને ત્યાં ગયા હતા. ત્યારે મેં મારા પતિને કહેલ કે બહાર આંટો મારવા જઈએ ટાઈમ સ્પેન્ડ કરીએ ત્યારે સસરા મને જેમતેમ બોલવા લાગ્યા હતા. આશરે દોઢ મહિના બાદ હું મારા જેઠ જેઠાણી જે ન્યુઝીલેન્ડમાં રહે છે. તેની સાથે વીડીયો કોલમાં વાત કરતી હતી. ત્યારે સસરાને એડ કરેલ અને મારા સસરાએ મને કહેલ કે આતો પોદરાની જેમ બેસી રહે છે કાંઈ કામકાજ કરતી નથી તથા મારા કાકાજી સસરા નીમીષભાઈ દવે મારા ઘરે આવી મારા સસરાને મારા વિરૂધ્ધ ચઢામણી કરતા અને કહેતા કે ‘ભવિષ્યમાં આ છોકરી સામુ બોલવી ન જોઈએ અને તેના માતા-પિતા સાથે કોઈ સંબંધ રાખવા ન દેતા' તેમ કહેતા હતા. બાદ તા.૨૧/૧/૨૪ના રોજ મારા લગ્ન થયા બાદ હું સાસુ-સસરા અને પતિ સાથે તેના ઘરે રહેવા આવેલ બાદ હું પતિ સાથે અઠવાડીયા બાદ બાલી ખાતે હનીમુનમાં ગઈ ત્યાં પતિના ફોનમાં કોઈ અજાણ્યા નંબર પરથી મેસેજ જોતા પતિને મેસેજ બાબતે પૂછતા તેણે કહેલ કે ‘મારા ફ્રેન્ડે તેની વાઈફને મેસેજ કર્યો છે, તને વિશ્વાસ ન હોઈ તો તું મને ડીવોર્સ આપી શકે છે' કહયું હતું. બાદ તા.૧/૨/૨૪ના રોજ પતિ મને સાસુ-સસરા પાસે મુકી ઓસ્ટ્રેલિયા જતો રહયો હતો. બાદ સાસુ-સસરા અને નણંદ સાથે વડોદરા મોટા સસરાના ઘરે ગયા ત્યારે મને સસરાએ કહેલ કે તારા બાપની ત્રેવડ છે કે તને ઓસ્ટ્રેલિયા મોકલી શકે તેમ બધાની હાજરીમાં મેણાટોણા મારતા હતા. બાદ સસરાએ મારા પિતાને ગાર્ડનમાં મળવા બોલાવીને કહેલ કે ‘તમારી છોકરીને કાંઈ કામ આવડતું નથી અને કહેલ કે તમારે અમારા ઘરમાં કોઈ નિર્ણય લેવાનો નહી અને અમારા ઘરની પંચાત કરવાની નહી' કહેતા પિતાએ કહેલ કે હું તેને મારી સાથે ઘરે લઈ જાવ કહેતા સસરાએ ના પાડી દીધી હતી. મારા માતા-પિતા મારા ઘરે આવતા ત્યારે સાસુ-સસરા તેનું અવારનવાર અપમારન કરતા હતા. બાદ મારા વીઝા આવી જતા તા.૨/૮/૨૪ના રોજ સાસુ-સસરા સાથે ઓસ્ટ્રેલિયા ગઈ ત્યારે ત્યાં પણ તેનું ટોર્ચર ચાલુ હતું. અને પતિ મારકૂટ કરતા મેં મારી માતાને વાત કરતા મારા પિતાએ મારી ટીકીટ કરાવી દેતા હું રાજકોટ આવી ગઈ હતી. બાદ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ. બી.આર. પલ્લાચારીએ તપાસ હાથધરી છે. (રર.૧૧)
(2:33 PM IST)










