News of Tuesday, 6th May 2025
જંગલેશ્વરનો ૧૪ વર્ષનો અરબાઝ ગૂમઃ પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો
પાંચમીએ ઘરે ન હોઇ માસીના દિકરાએ ફોન જોડતાં બાપુનગરમાં છું, હમણા આવું કહ્યા બાદ ફોન સ્વીચ ઓફ થઇ ગયોઃ ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૬: શહેરના જંગલેશ્વરમાં રહેતાં મુળ યુપીના યુવાનની સાથે જ રહેતો તેના માસીનો દિકરો કે જે ૧૪ વર્ષનો છે તે બે દિવસ પહેલા ગૂમ થઇ જતાં અને શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં પોલીસને જાણ કરવામાં આવી છે. આ બનાવમાં ભક્તિનગર પોલીસે જંગલેશ્વર શેરી નં. ૯માં સંજરી પાન પાસે સલિમભાઇના મકાનમાં ભાડેથી રહેતાં શાહરૂખઅલી મુન્નવરભાઇ પીંજારા (ઉ.વ.૨૧)ની ફરિયાદ પરથી અજાણ્યા સામે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શાહરૂખઅલી મુળ યુપીના બહેરાઇ જીલ્લાના મનેરા ગામનો વતની છે અને હાલ રાજકોટમાં માતા, બહેન અને નાના ભાઇ શેરખાન તથા માસીના દિકરા અરબાઝઅલી નીઝામભાઇ પીંજારા સાથે રહે છે અને છુટક મજૂરી કરે છે. અરબાઝઅલીની ઉમર ૧૪ વર્ષ છે. શાહરૂખઅલીએ જણાવ્યું હતું કે દસેક વર્ષ પહેલા મારા માસી ફુલજહાંબેન અને માસા નીઝામભાઇના મૃત્યુ પામ્યા હતાં. ત્યારથી તેનો દિકરો અરબાઝઅલી અમારી સાથે રહે છે. ગત ૩/૫ના રોજ બપોરે એકાદ વાગ્યે હું અને મારા માતા કામે ગયા ત્યારે અરબાઝ ઘરે એકલો હતો. તે કોઇને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. સાંજના અમે ઘરે આવ્યા ત્યારે તે ઘરે ન હોઇ તેના મોબાઇલમાં ફોન જોડતાં તેણે ફોનમાં કહેલું કે હું બાપુનગરમાં છું, દસ મિનીટીમાં આવું છું. એટલુ કહી ફોન મુકી દીધો હતો.
ત્યારપછી તે ઘરે ન આવતાં મેં ફરીથી તેને ફોન જોડતાં તેનો ફોન બંધ આવતો હોઇ તેની સતત શોધખોળ ચાલુ કરી હતી. તપાસ કરવા છતાં પત્તો ન મળતાં પોલીસને જાણ કરી હતી. અરબાઝઅલી જાતે કોઇ કારણે જતો રહ્યો છે અથવા કોઇ લલચાવીને લઇ ગયું હોઇ શકે તેવી શંકા હોઇ મેં ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં શાહરૂખઅલીએ જણાવતાં પીઆઇ એમ. એમ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ એસ. એમ. મકવાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અરબાઝઅલી જોવા મળે તો
મો. ૭૮૬૦૬ ૭૦૦૫૬ ઉપર જાણ કરો
(2:37 PM IST)










