<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

કાલે પ્રિ-મોન્‍સુન-વાવાઝોડા-અતિવૃષ્‍ટિ અંગે કલેકટર કચેરીમાં બેઠકઃ તા. ૧૧ સુધી હંગામી ધોરણે તાલુકામાં કન્‍ટ્રોલરૂમ

૧લી જૂનથી તમામ સ્‍થળે કન્‍ટ્રોલરૂમઃ વાયરલેસ સેટ-ડેમો-પૂલ-ચેકડેમો ચકાસી લેવા આદેશો... કાલે સવારે R.O. મીટીંગ મળશેઃ મહેસૂલના રર મુદાઓ અંગે થનારી સમીક્ષા...

રાજકોટ તા. ૬: ચોમાસાની શરૂઆત થવામાં હવે એક મહિનાની વાર છે, ત્‍યારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રિ-મોન્‍સુન કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે. જિલ્લાના ઘણા ગામોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવવાની સમસ્‍યા સર્જાતી હોય છે, તેમજ ડેમોની રિપેરિંગની કામગીરી પણ મહત્‍વપૂર્ણ હોય છે. આ તમામ બાબતોને ધ્‍યાનમાં રાખીને રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા આવતીકાલે સાંજે ૪ વાગ્‍યે પ્રિ-મોન્‍સુનની એક બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓને હાજર રહેવા માટે સૂચના અપાઇ છે.

સૂત્રો દ્વારા પ્રાપ્‍ત માહિતી અનુસાર આવતીકાલે જિલ્લા કલેકટર આગામી ચોમાસાની કામગીરીની વિસ્‍તૃત સમીક્ષા કરશે. બેઠકમાં તમામ વિભાગો દ્વારા અત્‍યાર સુધીમાં કરવામાં આવેલી પ્રિ-મોન્‍સુન તૈયારીઓની ચર્ચા કરવામાં આવશે. જે કામગીરી હજુ સુધી પૂર્ણ થઇ નથી, તેને વહેલી તકે પૂર્ણ કરવા માટે કલેકટર દ્વારા અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવશે. તમામ વિભાગો પાસેથી માસ્‍ટર પ્‍લાન મંગાયા છે. ખાસ કરીને પાણી ભરાવવાની સંભાવનાવાળા વિસ્‍તારોમાં કરવામાં આવેલી વ્‍યવસ્‍થા અને ડેમોની રિપેરિંગની કામગીરીની સમીક્ષા પર વિશેષ ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવશે.

દરમિયાન આગામી ૧લી જૂનથી કલેકટર કચેરી તેમજ તમામ મામલતદાર કચેરી ખાતે પ્રિ-મોન્‍સુન કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવશે. આ કંટ્રોલ રૂમ ચોમાસા દરમિયાન કોઇપણ આપાતકાલીન પરિસ્‍થિતિને પહોંચી વળવા માટે ર૪ કલાક કાર્યરત રહેશે. આ ઉપરાંત, આવતા અઠવાડિયાના અંત સુધીમાં કંટ્રોલ રૂમ માટે ખાસ મહેકમની નિમણુંક પણ કરી દેવામાં આવશે, જે ચોમાસા સંબંધિત તમામ ફરિયાદો અને સમસ્‍યાઓનું નિરાકરણ લાવવામાં મદદરૂપ થશે.

દરમિયાન આ પ્રિ-મોન્‍સુન મીટીંગ પહેલા કાલે સવારે ૧૧ વાગ્‍યાથી કલેકટરના અધ્‍યક્ષપદે તમામ મામલતદારો-પ્રાંત અધીકારીઓની R.O. મીટીંગ યોજાશે, જેમાં મહેસૂલના રર મુદાઓ અંગે સમીક્ષા થશે.

દરમિયાન રાજકોટ શહેર જીલ્લામાં અપર એર સાયકલોનિક સરકયુલેશનને કારણે મેઘ તાંડવ-વીજળી પડવાના બનાવોની ગંભીરતાને ધ્‍યાને લઇ તા. ૧૧ સુધી રાજકોટ જીલ્લાના તમામ તાલુકામાં હંગામી ધોરણે રાઉન્‍ડ ધ કલોક કન્‍ટ્રોલ રૂમ આજથી શરૂ કરી દેવાયા છે, કલેકટરે ર૪ કર્મચારીનો અલગ સ્‍ટાફની નિમણુંકો આપી છે.

(2:49 PM IST)