News of Tuesday, 6th May 2025
૯ વર્ષનો દર્શન થર્ડ આઇની મદદથી આંખે પાટા બાંધી વાંચી શકે-લખી શકે : મેડીટેશનની કમાલ
મીડ બ્રેઇન, થર્ડ આઇ, રીમોટ વ્યુઇંગમાં ખુબ રસ : પોતાની આ કાબેલીયતનો ઇસરોને લાભ આપવાની ઇચ્છા

રાજકોટ તા. ૬ : માત્ર ૯ વર્ષની ઉંમરના રાજકોટના દર્શન પટેલે મેડીટેશન પ્રેકટીશથી આજ્ઞાચક્રને જાગૃત કરી થર્ડ આઇની મદદથી આંખે પાટા બાંધી કઇપણ લખી વાંચી શકવાની કાબેલીત હાંસલ કરી લીધી છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા તેના પિતાશ્રી કૌશિકભાઇએ જણાવેલ કે હું અને મારા પત્ની દીનાબેન દેવનંદન લેબોરેટરીના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. અમે ઘરના સભ્યો બધા પુજા પાઠ કરતા હોઇએ ત્યારે દર્શન મેડીટેશનમાં વધુ રસ લેતો થઇ ગયો હતો. તેની આ ધગશને અમે ઓળખી લીધી અને થોડુ પ્રોત્સાહન આપ્યુ તો આજે મીડ બ્રેઇન, થર્ડ આઇ, રીમોટ વ્યુઇંગનો સફળ અભ્યાસુ બની ગયો છે.
આંખે પાટા બાંધીને તે બુક વાંચી શકે છે. ચલણી નોટોને ઓળખી શકે છે. કલરને ઓળખી શકે છે. એટલુ જ નહીં પોતાનું પુરેપુરૂ હોમવર્ક પણ આંખે પાટા બાંધીને કરી શકે છે.
હાલ દર્શન એસ.એન.કે.માં ધો.૪ માં અભ્યાસ કરી રહ્યો છે. સાથે સાથે રાજકોટમાં જ ચાલતા સેલ્ફ ઇસોલ્વર કલાસ જોઇન કરીને મેડીટેશનનો અભ્યાસ આગળ વધારી રહ્યો છે. તે એસ્ટ્રલ ટ્રાવેલની કળા પણ જાણે છે. જેમાં એક જગ્યાએ બેઠા બેઠા દુરદુરના સ્થળે શું ચાલી રહ્યુ છે તે અનુભવી શકાય છે.
કૌશલભાઇએ જણાવેલ કે આમ તો આ પધ્ધતી મુળ આપણા ઋષીમુનીઓની છે. તેમા કઇ નવુ નથી. મેડીટેશનના અભ્યાસથી આ બધુ શકય બનતુ હોય છે. પૂર્વ જન્મનાના સંસ્કારો પણ તેમા કામ કરતા હોય છે.
દર્શન ૪ વર્ષની ઉંમરનો હતો ત્યારે અમને તેની આ વિશેષ લાયકાતોનો ખ્યાલ આવવા લાગ્યો હતો. તેને મેડીટેશન પ્રત્યે ખુબ લગાવ રહે છે. તેના આ રસ ઋચીને પ્રોત્સાહીત કરવા માટે મે પોતે પણ હૈદ્રાબાદની કયુએલયુ યુનિવર્સિટીનો સંપર્ક કરેલો અને મેડીટેશન સાયન્ટીફીક વિષે જાણવા બે વર્કશોપ એટેન્ડ કરેલા. બાદમાં મને વિશ્વાસ આવી ગયો કે આ દિશામાં દર્શનનું આગળ વધવુ એ સહજ છે અને તેને કોઇ સમસ્યા આવી શકે તેમ નથી. પછી તો તેના આ શોખને અમે ખુબ પ્રોત્સાહન આપ્યુ. પરિણામ સ્વરૂપે દર્શન તેના જ્ઞાનચક્રને વિકસાવી આ બધી પ્રવૃત્તિઓ આગળ વધારી રહ્યો છે.
પોતાની આ કળાને લોકો સુધી શેર કરવા સ્ટેજ શો પણ કરતો રહે છે. શાળામાં સ્પીચ અને રેસીટેશન કોમ્પીટીશનોમાં ભાગ લ્યે છે. ર ગોલ્ડ મેડલ સહીત ૭ મેડલો હાંસલ કર્યા છે. પોતાની આ કળાને વિકસાવવા તે દરરોજ ૧૫ થી ૩૦ મીનીટ મેડીટેશન કરતો રહે છે.
અન્ય શોખમાં દર્શનને ક્રિકેટ રમવાનો અને વાંચનનો શોખ છે. ભવિષ્યમાં પોતાની આ કળાના માધ્યમથી ઇસરોમાં સાયન્ટીસ્ટ તરીકે કામ કરવાની તેની મહેચ્છા છે.
કૌશલભાઇએ જણાવેલ કે મેડીટેશન સહજ છે. કોઇપણ તેનો અનુભવ કરીને આ કળા વિકસાવી શકે છે. જો કે ઉંમર અને ધગશનું બળ તેમાં કામ કરતુ હોય છે. દર્શનને પુર્વ જન્મના સંસ્કાર કહો કે ગમે તે પણ તેને ૯ વર્ષની ઉંમરમાં જ આટલી કાબેલીયત મેળવી લીધી તે અમારા માટે આનંદની વાત છે. તેના મમ્મી હિનાબેન પણ દર્શનની આ કાબેલીયતથી ગૌરવ અનુભવે છે.
તસ્વીરમાં થર્ડ આઇની ટેકનીકના અનુભવો વર્ણવતો દર્શન પટેલ અને બાજુમાં તેના પિતાશ્રી કૌશલભાઇ પટેલ (મો.૯૫૫૮૦ ૦૦૯૫૫) નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:56 PM IST)










