<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

કયા ગામમાં શું સુખ-દુઃખ છે ? વિડીયો કોન્‍ફરન્‍સથી ઉકેલનો ડીડીઓનો પ્રયોગ

ગ્રામીણ સમસ્‍યાઓ નિવારવા ઉપલેટા તાલુકાથી શુભારંભ કરતા અનંદુ સુરેશ ગોવિંદ

રાજકોટ, તા. ૬ : જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ (આઇ.એ.એસ.) એ જિલ્લાના જુદા-જુદા તાલુકાઓના ખાસ કરીને રાજકોટ વડી કચેરીથી વધુ દુર આવેલા ગામડાઓની સમસ્‍યાઓ જાણી તેના ઉકેલ માટે આધુનિક ટેકનોલોજી આધારીત નુતન આવકાર્ય પ્રયાસ શરૂ કર્યો છે. ઉપલેટા તાલુકાઓના ૧૦ ગામથી શરૂઆત કરી છે.

જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં આવતા ગામડાઓમાં શું સમસ્‍યા છે અને પંચાયત કક્ષાએ તેનો શું ઉકેલ શકય છે ? તેની માહીતી અગાઉથી જે તે ગામના સરપંચ, તલાટી અને ટીડીઓ પાસેથી અગાઉથી ગુગલ ફોર્મથી મંગાવી લેવામાં આવે છે. નિધારીત દિવસે અને સમયે ડી.ડી.ઓ. જિલ્લા પંચાયત કચેરી ખાતે બેસી જે તે ગામના સરપંચ, તલાટી વગેરે સાથે તે પ્રશ્નની ચર્ચા કરી ઉકેલનો પ્રયાસ કરે છે. ગ્રામ પંચાયતના અને તાલુકા પંચાયતના શાસકો પોતાના ગામમાં બેસી ઓનલાઇન જોડાય છે. શિક્ષણ, આરોગ્‍ય, સફાઇ, ખેતી વગેરેને લગતા પ્રશ્નો આવરી લેવામાં આવે છે. રજુ થયેલા પ્રશ્નો ઉપરાંત ગામમાં પંચાયતને લગતો બીજો કોઇ મુદો હોય તો તેની પણ ચર્ચા કરવામાં આવે છે. ડી.ડી.ઓ. વિડીયો કોન્‍ફરન્‍સથી જરૂરી માર્ગદર્શન અને સુચના આપે છે. અઠવાડીયામાં બે દિવસ ૧ થી ર કલાક આ રીતે ઓનલાઇન કામગીરી થાય તેવુ આયોજન છે. અનુભવના આધારે કાર્ય પધ્‍ધતીમાં જરૂરી સુધારા કરવામાં આવશે. દુરના ગામોને આવરી લેવામાં પ્રાધાન્‍ય અપાશે. જિલ્લા પંચાયતમાં ગ્રામીણ કક્ષાએથી જિલ્લા મથક સુધી ઓનલાઇન સેતુ રચી પ્રશ્નોની સુનાવણી અને ઉકેલના પ્રયાસનો કદાચ આ પ્રથમ પ્રયોગ છે.

(3:15 PM IST)