News of Tuesday, 6th May 2025
જીએસટી અપિલેટ પેનલ્ટી પર ૧૦% જોગવાઇથી વેપારીઓને હળાહળ અન્યાયઃ અતુલ રાજાણી

રાજકોટ, તા. ૬ : શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી ની યાદીમાં જણાવાયું છે કે જીએસટી કાયદો ૮ વર્ષોથી બન્યા બાદ અનેક નિયમોમાં ફેરફારો વેપારીઓ અને કરવેરા સલાહકારો માટે સમસ્યા રૂપ બન્યો છે. જીએસટી અપિલેટ ટ્રીબ્યુનલની નવી માર્ગદર્શિકા મુજબ જે વેપારીઓ ટ્રિબ્યુનલમાં અપીલ કરવા માંગે છે તેવા વેપારીઓએ ૧૦% નાણા ચૂકવવાના રહેશે એક તરફ વેપારીઓ અપીલ કરવાનું પ્રારંભથી રાહ જોતા હોય અને નવા નિયમની અમલવારી પણ ટૂંક સમયમાં થાય એ પહેલા ૧૦% નો વિરોધ થયો છે.
આ પેનલ્ટી ને પગલે નાના વેપારીઓને કમર તોડશે. જીએસટી અભિલેખમાં પેનલ્ટી ના ૧૦% ભરવાનો મુદ્દો તદન વ્યાજબી પરંતુ ફરીથી બીજી અપીલમાં ૧૦% ભરવાનો નિર્ણય છે તે એક તરફી અને અયોગ્ય છે કારણ કે સિમ્પલ જીએસટીનું હાલ તો સુરસુરિયા જેવું થયું છે. સરકારનો ઇરાદો વેપારીઓને રાહત આપવાનો છે કે કનડગત કરવાનો એ સરકાર જાહેર કરે. જીએસટી આર ૧, જીએસટી આર ૩બી અને જીએસટી આર ૯મા બધામાં પેનલ્ટી વસૂલવામાં આવી રહી છે. પ્રથમ અપીલમાં જ વેપારીઓને ૧૦% ચૂકવવાની જોગવાઈ છે હવે ૧૦% પેનલ્ટી પર ચૂકવવાના થતા ૨૦% ચુકવણા થઈ જાય.
નવા બજેટમાં પેનલ્ટી ની ડિમાન્ડમાં પણ ૧૦% ભરવાની જોગવાઈ છે આ રીતે સરકારને પેનલ્ટીમાં પણ મબલક આવક જોઈએ છે જુના કાયદા મુજબ પ્રાથમિક ભરણું ઘટાડવા તથા વિના ભરણે સાંભળવાની સત્તાનો છેદ ઉડાડી દેવાયો છે. જો વેપારીઓને નાની રકમની પેનલ્ટી હોય તો ૧૦% ચૂકવવાના યોગ્ય કહેવાય પરંતુ ટ્રીબ્યુનલમાં બીજી અપીલ માં ફરીથી ૧૦% ચૂકવવાની જોગવાઈથી નાના વેપારીઓને હળાહળ અન્યાય થયો હોવાની પૂરેપૂરી સંભાવના છે.
અગાઉ જીએસટીના મુદ્દે વિરોધ કરનાર શાસકો એ તત્કાલીન સમયે જણાવ્યું હતું કે જીએસટી એક આવશે પછી અન્ય કોઈ વેરા વેપારીઓને ભરવા નહીં પડે પણ આજે પણ તમામ વેરાઓ ચાલુ રાખવામાં આવ્યા છે.
જે પગલે વેપારીઓને તોતિંગ વેરાઓ ભરપાઈ કરવા પડે છે. જેની સામે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભેદી મૌન ધારણ કરી લેવાયું તે પણ વિચારવા પ્રેરક હોવાનું અંતમાં અતુલ રાજાણીએ જણાવ્યું છે.
(3:21 PM IST)










