<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

રાજકોટ યાર્ડમાં કમિશન એજન્‍ટોની હડતાલઃ હરરાજી ઠપ્‍પ

જે.કે. ટ્રેડિંગ કપની દ્વારા ૧૦૦ થી ૧રપ કમિશન એજન્‍ટોને ૧૭ કરોડ રૂપીયા ન ચુકવાતા જયાં સુધી પેમેન્‍ટ ન આવે ત્‍યાં સુધી કમીશન એજન્‍ટ એશો. દ્વારા અચોક્કસ મુદત સુધી બંધનું એલાનઃ કમિશન એજન્‍ટ એસો. દ્વારા જે.કે. ટ્રેડિંગ કપની માલીકો સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નરને આવેદન અપાયું

તસ્‍વીરમાં યાર્ડના કમિશન એજન્‍ટ એસો. દ્વારા પોલીસ કમિશ્નરને આવેદન અપાયું હતુ તે નજરે પડે છે.

રાજકોટ, તા., ૭: સૌરાષ્‍ટ્રના અગ્રીમ હરોળના રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કમીશન એજન્‍ટોએ હડતાલ પાડી અચોક્કસ મુદત સુધી બંધનું એલાન આપતા યાર્ડમાં હરરાજીનું કામકાજ ઠપ્‍પ થઇ ગયું હતું. યાર્ડની એક પેઢીમાં ૧૦૦ થી ૧રપ કમીશન એજન્‍ટોને ૧૭ કરોડનું પેમેન્‍ટ બાકી રહેતા કમીશન એજન્‍ટોએ બંધનું એલાન આપેલ છે. તેમજ કમીશન એજન્‍ટ એસો. દ્વારા પોલીસ કમીશ્નરને આવેદન આપી પેઢીના માલીકો સામે કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી.

મળતી વિગતો મુજબ કમીશન એજન્‍ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણી સહિતના વેપારીઓએ ગઇકાલે રાજકોટ યાર્ડના ચેરમેનને લેખીત રજુઆત કરી જાણ કરી હતી કે, રાજકોટ યાર્ડમાં આવેલ જે.કે.ટ્રેડીંગ કાૂં. નામની પેઢી દ્વારા જીરૂના વેપારમાં યાર્ડના ૧૦૦ થી ૧રપ કમીશન એજન્‍ટોને બાકી રહેતા ૧૭ કરોડ ન ચુકવાતા આ બાકી પેમેન્‍ટ  કમીશન એજન્‍ટોને ન ચુકવાઇ ત્‍યાં સુધી આજથી અચોક્કસ મુદત સુધી રાજકોટ યાર્ડ બંધ રહેશે.

દરમિયાન આજે પણ જે.કે.ટ્રેડીંગ કંપની દ્વારા કમીશન એજન્‍ટોને બાકી પેમેન્‍ટ ન ચુકવાતા  યાર્ડના તમામ કમીશન એજન્‍ટોએ સ્‍વયભું બંધ પાળતા યાર્ડમાં મગફળી, કપાસ સહિતની તમામ જણસીની હરરાજી ઠપ્‍પ થઇ જતા કરોડોનું ટર્નઓવર અટકયું હતું.

કમીશન એજન્‍ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્‍યું હતું કે યાર્ડના કમીશન એજન્‍ટોને જે.કે. ટ્રેડીંગ કંપની દ્વારા બાકી પેમેન્‍ટ નહિ ચુકવાય ત્‍યાં સુધી યાર્ડ અચોક્કસ મુદત સુધી બંધ રહેશે. યાર્ડની ત્રણ પેઢી દ્વારા ૧૨૫ કમિશન એજન્‍ટોનું ૧૯ કરોડથી વધુ પેમેન્‍ટ અટકાવાતા કમીશન એજન્‍ટોનો ધંધો ઠપ્‍પ થય ગયો છે. કમીશન એજન્‍ટો પાસે ધંધો કરવા માટે રોકડ રકમની અછત છે અને ખેડુતોનું પેમેન્‍ટ અટકયું છે. જો કે બે પેઢી દ્વારા બાકી પેમેન્‍ટ ચુકવવાની ખાતરી અપાઇ છે પરંતુ જે.કે. ટ્રેડિંગના માલીકો દ્વારા કોઇ જવાબ ન અપાતા બંધનું એલાન અપાયું છે.

દરમ્‍યાન કમીશન એજન્‍ટ એસો.ના પ્રમુખ અતુલ કમાણીની આગેવાની હેઠળ કમીશન એજન્‍ટોએ પોલીસ કમીશ્નરને આવેદન આપી જે.કે. ટ્રેડિંગ કાુંના માલીકો બીપીન ઢોલરીયા તથા નીતેશ ઢોલરીયા સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે. રજુઆતમાં જણાવ્‍યું છે કે, જે.કે. ટ્રેડિંગ કાું દ્વારા જાહેર હરરાજીમાં માલની ખરીદી કરી પેમેન્‍ટ અપાયું નથી. કમીશન એજન્‍ટોના૧૭.૧૯ કરોડ રૂપીયા બાકી નીકળે છે. પેઢીના માલીકો ફરાર છે અને બંન્નેના મોબાઇલ બંધ હોય વિદેશમાં ભાગી જાય તેવી શકયતા હોય આ બન્ને વેપારીઓના પાસપોર્ટ, આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ બેંકખાતા તાત્‍કાલીક અસરથી બ્‍લોક કરાવી કમીશન એજન્‍ટોને રૂપિયા પરત અપાવવા યોગ્‍ય કાર્યવાહી કરવા વિનંતી કરેલ છે.(૨.૨૧)

(2:46 PM IST)