તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th May 2025
ગંજીવાડામાં ગેસ ગનથી ઇમિટેશન કામ કરતી વખતે ભડકો થતાં દાઝી જતાં દિલીપભાઇનું મોત
સારવારમાં દમ તોડયોઃ ચાલીસ વર્ષિય યુવાનના મોતથી ગોહેલ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૭: શહેરના ભાવનગર રોડ પર આવેલા ગંજીવાડામાં રહેતો યુવાન ઘરે ગેસગનથી ઇમિટેશનનું કામ કરી રહ્યો હતો ત્યારે ગનમાં ભડકો થતાં પહેરેલા કપડાને આગ લાગી જતાં આ યુવાન ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે ખસેડાયેલ. તેનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ ગંજીવાડા શેરી નં. ૪૩માં રહેતાં દિલીપભાઇ સોમાભાઇ ગોહેલ (ઉ.વ.૪૦) નામના યુવાન ગઇકાલે બપોરે એકાદ વાગ્યે ઘરમાં ગેસગનથી ઇમિટેશનનું કામ કરતો હતો ત્યારે નળી લિક થતાં કે કોઇપણ રીતે ભડકો થતાં તે લપેટમાં આવી જતાં દેકારો મચાવી મુક્યો હતો. પરિવારના લોકોએ આગ બુઝાવી ગંભીર રીતે દાઝેલા દિલીપભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ સારવાર દરમિયાન રાતે તેમનું મૃત્યુ નિપજતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભગીરથસિંહે થોરાળા પોલીસે જાણ કરી હતી.
બનાવની જાણ થતાં થોરાળા પોલીસના ઇન્વેસ્ટીગેશન સ્ટાફે હોસ્પિટલ ખાતે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. દિલીપભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. ઘરે બેઠા ઇમિટેશનનુ઼ કામ કરતાં હતાં. બનાવને પગલે પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો.
(12:04 PM IST)










