News of Wednesday, 7th May 2025
નાનામવા રોડ સૂર્યનગરમાં ચાલુ વરસાદે સેન્ટીંગ કામ વખતે પટકાતાં યુવાનનું મોત
મુળ યુપીનો ૩૦ વર્ષનો રાજ ગોૈતમ ગાંધીગ્રામમાં રહેતો હતોઃ માસુમ પુત્રીએ પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૭: શહેરના ગઇકાલે બપોર બાદ ઓચીંતો વરસાદ તૂટી પડતાં તે વખતે નાના મવા રોડ સૂર્ય નગરમાં સાઇટ પર સેન્ટીંગ કામ કરી રહેલો યુવાન પગ લપસતાં પડી જતાં ગંભીર ઇજા થતાં મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ ગાંધીગ્રામ રામાપીર ચોકડી વિસ્તાર શ્યામનગરમાં ભાડેથી રહેતો મુળ ઉત્તર પ્રદેશનો રાજ લાલચંદભાઇ ગોૈતમ (ઉ.વ.૩૦) ગઇકાલે બપોરે સવા ત્રણેક વાગ્યે નાના મવા રોડ પર બાંધકામની સાઇટ પર હતો ત્યારે વરસાદ આવતાં સેન્ટીંગ કામ કરતી વખતે પહેલા માળેથી લપસી પડતાં માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું ટુંકી સારવાર બાદ મોત થયું હતું.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ભગીરથસિંહ, ધર્મેન્દ્રભાઇએ જાણ કરતાં માલવીયાનગરના હેડકોન્સ. એ. વી. ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર મુળ યુપીનો વતની હતો. સંતાનમાં એક દિકરી છે. કડીયા કામ સાથે સેન્ટીંગ કામની મજૂરી પણ કરતો હતો.
(2:12 PM IST)










